રાની મુખર્જીની કારકિર્દીમાં વધુ એક પ્રતિષ્ઠિત સિદ્ધિ ઉમેરાઈ રાની મુખર્જીને લા ટ્રોબ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટ ડિગ્રી એનાયત રાનીએ સામાજિક મુદ્દાઓ, મહિલા સશક્તિકરણ અને મહત્વના માનવીય પ્રશ્નોને ઉજાગર કરતી અનેક ફિલ્મો પસંદ કરી
રાની મુખર્જીની કારકિર્દીમાં વધુ એક પ્રતિષ્ઠિત સિદ્ધિ ઉમેરાઈ છે. લા ટ્રોબ યુનિવર્સિટીએ તેને માનદ ડૉક્ટર ઑફ લેટર્સની પદવીથી સન્માનિત કરી છે. આ સાથે રાની મુખર્જી ઓસ્ટ્રેલિયાની આ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટ મેળવનારી શાહરુખ ખાન બાદ બીજી ભારતીય ફિલ્મી હસ્તી બની છે.આ સન્માન રાની મુખર્જીની ભારતીય સિનેમામાં લગભગ ત્રણ દાયકાની સફર તેમજ માનવતાવાદી ક્ષેત્રે તેનાં યોગદાનને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. પોતાની કારકિર્દી દરમિયાન તેણે સામાજિક મુદ્દાઓ, મહિલા સશક્તિકરણ અને મહત્વના માનવીય પ્રશ્નોને ઉજાગર કરતી અનેક ફિલ્મો પસંદ કરી છે. સન્માન અંગે રાની મુખર્જીએ કહ્યું, “લા ટ્રોબ યુનિવર્સિટી તરફથી આ માનદ ડોક્ટરેટ મળવી મારા જીવનની સૌથી નમ્રતા અનુભવાવતી ક્ષણોમાંની એક છે. હું હંમેશા માનતી આવી છું કે ફિલ્મો લોકોના વિચારો બદલતા પહેલાં તેમના હૃદયને બદલી શકે છે. તેથી આ સન્માન મારા માટે શબ્દોમાં વ્યક્ત કરી શકું તેના કરતાં ઘણું વધારે મહત્વ ધરાવે છે.” પોતાની ફિલ્મોની પસંદગી અંગે તેણે કહ્યું, “મેં હંમેશા એવી ફિલ્મો પસંદ કરી છે, જેણે સૌથી પહેલાં મારા હૃદયને સ્પર્શ્યું હોય. એવી વાર્તા જેને કહેવાની જરૂર હોય અને જે લોકોને પ્રેરણા આપી શકે તથા સશક્તિકરણ કરી શકે.”રાનીએ એક કલાકાર તરીકેની મોટી જવાબદારી વિશે પણ વાત કરી. તેણે કહ્યું, “દરેક કલાકારની જવાબદારી માત્ર અભિનય પુરતી મર્યાદિત નથી. આપણે બસ આપણી સંસ્કૃતિના રાજદૂત બની જઈએ છીએ.” પોતાના કામના વ્યાપક પ્રભાવ અંગે રાનીએ ઉમેર્યું, “જાે મારી ફિલ્મોએ એક વ્યક્તિને પણ ભારત અને અહીંની મહિલાઓને થોડું વધુ સારી રીતે સમજવામાં મદદ કરી હોય, તો મને લાગે છે કે મેં માત્ર એક અભિનેત્રી તરીકેની નહીં, પરંતુ તેનાથી ઘણી મોટી જવાબદારી નિભાવી છે.”આ સન્માન સાથે રાની મુખર્જી લા ટ્રોબ યુનિવર્સિટીના એક વિશેષ સમૂહમાં સામેલ થઈ છે. ૨૦૧૯માં શાહરુખ ખાનને પણ આ યુનિવર્સિટીએ માનદ ડોક્ટરેટથી સન્માનિત કર્યાે હતો.





