(છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારતીય પ્રજામાં ખાંડ રોજિંદા જીવન માં ઉપયોગી અને મહત્વની ખાધ્યવસ્તુ છે. ચા, મીઠાઈ, બિસ્કીટ, ઠંડા પીણાં, બકરી પ્રો. ઉત્પાદનો અને વિવિધ ખાધ્ય ચીજોમાં ખાંડનો વ્યાપક ઉપયોગ થાય છે. તેથી ખાંડના ભાવમાં વધારો થાય ત્યારે તેની સીધી અસર સામાન્ય પરિવારના બજેટ થી લઈને મીઠાઈ અને ખાધ્ય ઉદ્યોગ સુધી જોવા મળે છે.હાલ માં તહેવારોના સમયે જ ખાંડ કડવી (મોંઘી) થઈ જતાં પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાંડ ના ભાવ વધવાનું એક કારણ ઇથેનોલ પણ છે. જેના કારણે શેરડીના ભાવ વધ્યા છે. હાલના સમયમાં ઇથેનોલ ઉત્પાદનનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો છે.
આમ પણ શેરડી અને ખાંડ આધારિત કાચા માલનો ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે થઈ શકે છે. તેથી કેટલાક લોકોનું માનવું હતું કે ઇથેનોલ માટે કાચા માલના ઉપયોગને કારણે ખાંડની ઉપલબ્ધતા ઘટી છે. જોકે આ બાબતે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે તાજેતરના ભાવવધારાનું મુખ્ય કારણ ઇથેનોલ માટે ખાંડનો વપરાશ નથી. પરંતુ હાલના ભાવવધારા પાછળ ઓછું સ્થાનિક ઉત્પાદન, તહેવારો નજીક વધેલી માંગ, હવામાનથી થયેલું નુકશાન, વૈશ્વિક પુરવઠાની સ્થિતિ અને બજારની અટકળો જેવા પરિબળો જવાબદાર છે.
અહીં બીજી મુખ્ય બાબત એ છે કે ભાવવધારામાં જમાખોરી અને સટ્ટાકીય વેપાર પણ જવાબદાર હોવાનું સરકારનું માનવું છે. કેટલાક વેપારીઓ અને બજારના મધ્યસ્થો દ્વારા વધુ ભાવ મેળવવાની આશાએ ખાંડનો જથ્થો રોકી રાખવામાં આવ્યો હોવાની પણ ફરિયાદો સામે આવી છે. આવી પ્રવૃત્તિથી બજારમાં કૃત્રિમ અછતનો માહોલ ઊભો થાય છે અને ભાવ વધુ ને વધુ વધે છે. જેમાં સરકારી અનાજની દુકાનોએ પણ કાર્ડ ધારકોને એમના હક્કની ખાંડ મળશે કે કેમ? એ સવાલ છે.





