વેપાર કરાર સ્થગિત કરી કર્યું બદલાનું એલાન અમેરિકાએ ૫૦ ટકા ટેરિફ લગાવતા ભડક્યું કેનેડા આ ર્નિણયથી બંને દેશોના વેપાર અને ગ્રાહકો પર આર્થિક બોજ પડશે : આ ટેરિફ અડધી રાતથી અમલમાં આવશે
વિશ્વ પટલ પર બે સૌથી વધુ નિકટના પડોશી દેશો વચ્ચે એક મોટો અને ગંભીર વેપારી સંઘર્ષ શરૂ થઈ ગયો છે. અમેરિકા અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલ આખરે તૂટી ગઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના સામાન પર ૫૦ ટકાનો ભારે-ભરખમ ટેરિફ (આયાત શુલ્ક) લાદવાનો મોટો ર્નિણય લીધો છે. તેના જવાબમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પણ પાછળ ન હટવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા એલાન કર્યું છે કે તેમનો દેશ અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપશે, એટલે કે ‘એક-એક ડૉલર‘નો પૂરેપૂરો હિસાબ લેવામાં આવશે. આ મોટા ટકરાવથી બંને દેશોના વેપાર, ત્યાં કામ કરનારા લોકો અને સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર ભારે આર્થિક બોજ પડવાનું નક્કી છે.
વાશિંગ્ટન ખાતે સતત ત્રણ દિવસ સુધી ચાલેલી મેરેથોન બેઠકો અને ગાઢ ચર્ચાઓ છતાં બંને દેશો વચ્ચે કોઈ સાર્થક સમજૂતી સધાઈ શકી ન હતી. આ બેઠકો નિષ્ફળ ગયા બાદ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પોતાના વાર્તાકારોને તુરંત જ ઓટાવા પરત બોલાવી લીધા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અમેરિકા અંદાજે ૨૮ અબજ કેનેડિયન ડૉલર (લગભગ ૨૦ અબજ અમેરિકન ડૉલર) મૂલ્યના માલસામાન પર ૫૦ ટકાનો ટેરિફ અડધી રાતથી અમલમાં મૂકવા જઈ રહ્યું છે. આ સમગ્ર વિવાદની શરૂઆત જુલાઈ મહિનામાં થઈ હતી, જ્યારે પ્રમુખ ટ્રમ્પે ૧૯૩૦ ના ટેરિફ એક્ટના ‘સેક્શન ૩૩૮‘નો ઉપયોગ કર્યો હતો. આ ખાસ કાયદો અમેરિકન પ્રમુખને એવા દેશોની આયાત પર ૫૦ ટકા સુધીનો ભારે ટેક્સ લગાવવાની સત્તા આપે છે, જેઓ અમેરિકન વેપાર સાથે ભેદભાવપૂર્ણ નીતિ અપનાવતા હોય. ટ્રમ્પે આ મામલે વાતચીતને એક તક આપવા માટે આ પ્રતિબંધોને ત્રણ દિવસ અગાઉ રોકી રાખ્યા હતા, પરંતુ હવે તે તમામ મુદત સંપૂર્ણપણે પૂરી થઈ ચૂકી છે.
કેનેડાએ છેલ્લા દોઢ વર્ષ દરમિયાન આ વાતની પૂરેપૂરી કોશિશ કરી હતી કે તેના વ્યવસાયો અને ઉદ્યોગોને અમેરિકન બજારોમાં કોઈપણ પ્રકારના વધારાના શુલ્ક વગર સરળતાથી એન્ટ્રી મળતી રહે. પરંતુ હવે વડાપ્રધાન માર્ક કાર્નીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તેમને બરાબર સમજાઈ ગયું છે કે અમેરિકાની વેપારી નીતિઓ હવે સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. તેમનું કહેવું છે કે અમેરિકા હવે પોતાના સૌથી નજીકના અને ભરોસાપાત્ર સહયોગીઓ પર પણ ટેક્સ લગાવી રહ્યું છે અને પોતાના વિશાળ બજાર સુધી પહોંચવા માટે ભારે કિંમત વસૂલી રહ્યું છે. પોતાના દેશના કામગારો, શ્રમિકો અને લઘુ-મધ્યમ ઉદ્યોગોને સુરક્ષિત રાખવા માટે કેનેડાએ હવે વળતી આક્રમક કાર્યવાહી કરવાનો ર્નિણય લીધો છે. સરકારે છેલ્લા ૧૮ મહિનામાં સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગોને ૨૫ અબજ કેનેડિયન ડૉલરની આર્થિક સહાય પૂરી પાડી છે, એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં પણ નવા રાહત પેકેજાે લાવવાની પૂરતી તૈયારીઓ ચાલી રહી છે.





