પાકિસ્તાનની હાલત દયનીય દુનિયાની ૧૦ સૌથી શક્તિશાળી સેનામાં ભારતનું સ્થાન ચોંકાવનારું અમેરિકા પ્રથમ, રશિયા બીજા અને ચીન ત્રીજા સ્થાને છે : ભારત ૧૪,૫૫,૫૫૦ સક્રિય સૈનિકો સાથે ચોથી સૌથી શક્તિશાળી સેના
કોઈપણ દેશનો વૈશ્વિક સ્તરે પ્રભાવ માત્ર તેની આર્થિક સ્થિતિથી નક્કી થતો નથી, પરંતુ દેશની સેના તેનું સાચું સામર્થ્ય અને સુરક્ષાનું પ્રતિક હોય છે. મજબૂત સેના દેશને વધુ સશક્ત બનાવે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા ગ્લોબલ ફાયરપાવર (GFP)ની તાજેતરની રેન્કિંગ અનુસાર, વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વિવિધ દેશોના સૈન્ય બળનું સ્થાન નક્કી થયું છે. વિશ્વમાં સૌથી શક્તિશાળી સેનાના મામલે અમેરિકા પ્રથમ ક્રમે છે. ૦.૦૭૪૧ના પાવર ઇન્ડેક્સ, ૧૩.૨૮ લાખ એક્ટિવ સૈનિકો અને સૌથી વધુ સંરક્ષણ બજેટ સાથે અમેરિકા એડવાન્સ ટેક્નોલોજીમાં પણ આગળ છે. રશિયા બીજા સ્થાને છે, જે ૧૩.૨૦ લાખના સૈન્ય બળ અને આધુનિક તકનીકથી અમેરિકાને ટક્કર આપે છે. જ્યારે ચીન ૨૦.૩૫ લાખના વિશાળ સૈન્ય બળ અને સતત વધતા સંરક્ષણ બજેટ સાથે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં ભારત ચોથું સ્થાન ધરાવે છે. ભારત પાસે ૧૪,૫૫,૫૫૦ એક્ટિવ સૈનિકો છે અને તેની થલ સેના વિશ્વની સૌથી મોટી સેનાઓમાંથી એક છે. આર્ત્મનિભર ભારત અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ટેક્નોલોજી અને હથિયારો પર ભરોસો વધારવામાં આવી રહ્યો છે, જેનાથી ભારતની સૈન્ય તાકાત સતત મજબૂત થઈ રહી છે.
યાદીમાં દક્ષિણ કોરિયા ૬ લાખ એક્ટિવ સૈનિકો અને અત્યાધુનિક નૌસેના સાથે પાંચમા ક્રમે છે. ફ્રાન્સ એરફોર્સ અને એડવાન્સ ડિફેન્સ ટેક્નોલોજીના બળે છઠ્ઠા સ્થાને છે. જાપાન હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીન માટે મોટો પડકાર બનીને સાતમા ક્રમે રહ્યું છે.
યુનાઈટેડ કિંગડમ (યુકે) પોતાની મજબૂત નૌસેના અને ૨ લાખ સૈનિકો સાથે આઠમા ક્રમે છે. તૂર્કિયે ૩.૫૫ લાખથી વધુ એક્ટિવ સૈનિકો, મોટી સંખ્યામાં રિઝર્વ બળ અને ૨૨૦૦થી વધુ ટેન્ક-તોપો સાથે નવમા ક્રમે છે, જે ઈસ્લામિક દેશોમાં સૌથી શક્તિશાળી સેના ધરાવે છે. ઈટાલી પોતાની સશક્ત નૌસેના અને ૨.૨૦ લાખ સૈનિકો સાથે ૧૦મા સ્થાને છે.
વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓની ટોપ-૧૦ યાદીમાં પાકિસ્તાનને સ્થાન મળ્યું નથી. ૬.૬૦ લાખ એક્ટિવ સૈનિકો ધરાવતું પાકિસ્તાન આ ગ્લોબલ રેન્કિંગમાં ૧૪મા ક્રમે આવે છે.





