કેદારનાથ ધામ અને જ્યોતિર્લિંગનું મહાત્મ્ય
સનાતન ધર્મમાં કેદારનાથને અદભૂત ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે.જે ભક્તો બાબા કેદારનાથના દર્શન કરે છે તેમના રોગ,દોષ અને પાપ નાશ પામે છે.હિમાલય ચડતાં ચડતાં આગળ વધીએ ત્યારે દૂરથી જ કેદારનાથ જ્યોતિર્લિંગનું શિખર દેખાય છે.શિખરના દર્શન બાદ આગળ ચાલતાં ભવ્ય શિવલિંગના દર્શન થાય છે.ભગવાન શંકરને સમર્પિત આ હિંદુઓનું અત્યંત પવિત્ર સ્થાન છે.
આ ધામ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ઉત્તરાખંડ રાજ્યના રૂદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીના કિનારે આવેલું છે.કેદારનાથ સમુદ્ર સપાટીથી ૩૫૮૩ મીટરની ઊંચાઈ પર સ્થિત છે. અહીંના હવામાનની વિષમતા અને દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે આ મંદિર વર્ષ દરમ્યાન અખાત્રીજ-અક્ષય તૃતીયાથી શરૂ કરીને કારતક સુદ પૂર્ણિમા સુધી જ દર્શન માટે ખુલ્લું રહે છે.શિયાળાની શરૂઆત થતાં જ ભગવાનના ઉત્સવ વિગ્રહને સ્થળાંતરિત કરીને પૂજન-અર્ચન અર્થે ઉખીમઠ ખાતે
લાવવામાં આવે છે.
પ્રસિદ્ધ તીર્થધામ હરિદ્વારથી લગભગ ૨૫૧ કિલોમીટરનું અંતર કાપીને કેદારનાથ પહોંચી શકાય છે. ઉત્તરાખંડના કેદારક્ષેત્રમાં ‘પંચકેદાર’ બિરાજમાન છે,જેમાં કેદારનાથ,મધ્યમહેશ્વર,તુંગનાથ,રૂદ્રનાથ અને કલ્પેશ્વરનો સમાવેશ થાય છે.માનવામાં આવે છે કે આ પાંચેય ધામના દર્શન બાદ જ કેદારનાથની યાત્રા પૂર્ણ ગણાય છે.
આ ક્ષેત્રનું નામ કેદારખંડ હોવાના કારણે ભગવાન સદાશિવને અહીં કેદારનાથ તરીકે પૂજવામાં આવે છે.પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને આદિ જગદગુરૂ શંકરાચાર્યજીએ તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો.મંદિર નજીક જ આદિ શંકરાચાર્યજીનું સમાધિસ્થળ આવેલું છે. બાર જ્યોતિર્લિંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર સુધી જવા માટે સીધો સડક માર્ગ
ઉપલબ્ધ નથી.આથી ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે,જે કેદારનાથથી ૧૪ કિ.મી. જેટલા અંતરે આવેલું છે.ત્યાંથી આગળ પગપાળા,ઘોડા પર સવાર થઈને અથવા પાલખી દ્વારા જ જવું પડે છે.૨૦૧૩માં આવેલા પૂરને કારણે ગૌરીકુંડથી રામબાડાનો જૂનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યો છે.
ભગવાન વિષ્ણુના ‘નર’ અને ‘નારાયણ’ નામના બે અવતારો બ્રહ્માજીના માનસપૂત્રો હતા.તેમણે ભારતવર્ષના ભરતખંડમાં સ્થિત બદ્રિકાશ્રમમાં કઠોર તપશ્ચર્યા કરી હતી.ભગવાન શિવ તેમની આરાધનાથી અત્યંત પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું ત્યારે નર-નારાયણે લોકકલ્યાણની ભાવનાથી વિનંતી કરી કે હે દેવેશ્વર ! જો આપ પ્રસન્ન હો અને વરદાન આપવા માગતા હો તો પોતાના સ્વરૂપથી પૂજા ગ્રહણ કરવા માટે અહીં જ સ્થાયી થઈ જાઓ નર-નારાયણના અનુરોધથી કલ્યાણકારી મહેશ્વર હિમાલયના તે કેદારતીર્થમાં સ્વયં જ્યોતિર્લિંગના રૂપમાં સ્થિત થઈ ગયા.એકબાજુ કેદારનાથ, બાજુમાં ભગવાન બદ્રીનારાયણ અને નેપાળમાં પશુપતિનાથ- આ ત્રણેય મળીને ત્યાંની તીર્થયાત્રા પૂર્ણ થાય છે.આપણે બધા આપણાં કર્મોનું ફળ ભોગવવા આવ્યા છીએ, જ્યારે નર-નારાયણ પોતાના કર્મનું ફળ ભોગવવા આ સૃષ્ટિ પર આવ્યા ન હતા.નર-નારાયણે બદ્રિકાશ્રમ તીર્થમાં પાર્થિવ લિંગ બનાવીને તપસ્યા કરી પોતાનું જીવન કૃતાર્થ કર્યું અને સતત ભગવતકાર્ય કરવા લાગ્યા.
માનવજાતને સુખી જીવન જીવવા માટે તેમણે નિયંત્રિત ભોગજીવનના ત્રણ સિદ્ધાંતો આપ્યા હતા. રમત-ખેલકૂદ/મનોરંજન..રમત માનવીના મનને હળવું અને પ્રફુલ્લિત રાખે છે.ચિંતાના કારણે માણસ કાર્યમાં એકાગ્ર થઈ શકતો નથી,મગજ પરનો બોજો દૂર થાય તો જ મન એકાગ્ર થઈ શકે છે. યશસ્વી ધન-નીતિ અને પ્રામાણિકતાથી કમાયેલું ધન જ ટકે છે,અધર્મ કે ગમે તે રીતે મેળવેલું ધન
પાંચ દિશામાંથી આફતો લાવીને બધું સાફ કરી નાખે છે.
શરીર સંપદા-ઉત્તમ સ્વાસ્થ્ય પણ હોવું જરૂરી છે,અન્યથા ભોગો પણ ભોગવી શકાતા નથી,તેના માટે નિયમિત વ્યાયામ કરવો જોઈએ અને ભક્તિ હોય તો જ જીવનમાં નિયમિતતા આવે છે. વૈદિક તત્વજ્ઞાનમાં આવેલા મહાન સૂક્તો પૈકીના નું ઉદગાન પણ નર-નારાયણે જ કરેલું છે.હવે પાંડવો અને શિવજીના મહિષ-પાડા સ્વરૂપની કથા જોઇએ.. મહાભારતનું યુદ્ધ જીત્યા બાદ પાંડવો પર ભાઈઓની હત્યાનું પાપ આવ્યું.યુધિષ્ઠિરે આ પાપમાંથી છૂટકારો મેળવવા ભગવાન શિવની તપસ્યા કરવાનું શરૂ કર્યું પરંતુ ભગવાન શિવ પાંડવો પર ક્રોધિત હતા અને તેમને આશીર્વાદ આપવા માગતા નહોતા.પાંડવો ભગવાન શિવની શોધમાં કેદારનાથ આવ્યા,આથી શિવજીએ મહિષ-પાડાનું રૂપ ધારણ કરી લીધું અને અન્ય મહિષો સાથે ભળી ગયા.ભીમે શિવજીને ઓળખવા એક યોજના બનાવી,તેણે વિશાળ રૂપ ધારણ કરી બે પહાડો સુધી પગ ફેલાવ્યા.બધાં મહિષ તેમાંથી પસાર થઈ ગયા પરંતુ ભગવાન શિવ જે મહિષના રૂપમાં હતા તે ભીમના બે પગ વચ્ચેથી નીકળવા સહમત ન થયા અને અંતર્ધ્યાન થવા લાગ્યા પરંતુ તે પહેલાં જ ભીમ શિવરૂપી મહિષના આશીર્વાદ લેવા દોડ્યો. પાંડવોની આ ભક્તિ અને તપસ્યા જોઈને ભગવાન શિવનું ક્રોધિત હૃદય ઓગળી ગયું અને તેમણે તુરંત દર્શન આપી પાંડવોને ભાઈઓની હત્યાના પાપમાંથી મુક્ત કર્યા.
ભીમ મહિષના રૂપમાં રહેલા ભગવાન શિવની નજીક જતાં જ શિવજી જમીનમાં સમાવા લાગ્યા.આ જોઈને ભીમે શિવના ખૂંધ-પાછળનો ભાગ પકડી લીધો,જે અહીં ખડક બનીને સ્થિર થઈ ગયો,એટલા માટે કેદારનાથ ધામમાં ભગવાન શંકરના પાછળના ભાગની પિંડી રૂપે પૂજા કરવામાં આવે છે અને નેપાળમાં સ્થિત પશુપતિનાથ મંદિરમાં આગળના ભાગની પૂજા કરવામાં આવે છે.
પહાડોથી ઘેરાયેલા કેદારનાથ મંદિરનો મહિમા ખૂબ જ અનોખો છે.અહીં મંદાકિની,મધુગંગા, ક્ષીરગંગા,સરસ્વતી અને સ્વર્ણગૌરી નામની પાંચ નદીઓનો સંગમ થાય છે જેમાંથી કેટલીક નદીઓનું હવે પ્રત્યક્ષ અસ્તિત્વ રહ્યું નથી.અહીં બાબા ભોળાનાથના દર્શન પહેલાં રસ્તામાં આવતા ગૌરીકુંડમાં સ્નાન કરવાનો નિયમ છે.
દર વર્ષે ભૈરવ બાબાની પૂજા પછી જ મંદિરના કપાટ ખોલવામાં અને બંધ કરવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે મંદિરના દરવાજા બંધ હોય છે ત્યારે ભગવાન ભૈરવ આ મંદિરની રક્ષા કરે છે.શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથની યાત્રા કરે છે તેમને યાત્રાનું સંપૂર્ણ ફળ મળતું નથી.અહીં સ્થિત બાબા ભૈરવનાથનું મંદિર પણ વિશેષ મહત્વ ધરાવે છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)





