હેડલાઈટના નિયમો કડક કરવાની તૈયારીમાં સરકાર રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ આંખ નહીં આંજે શહેરોમાં હાઈ-બીમ વાપરવા પર ઓડિયો એલર્ટ મળશે બસ અને ટ્રકો માટે રિફ્લેક્ટિવ ટેપ ફરજિયાત કરાશે રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે સામેથી આવતી ગાડીઓની આંખો આંજી દેતી તેજ હેડલાઈટને કારણે થોડીક સેકન્ડો માટે રસ્તો સાવ અદૃશ્ય થઈ જતો હોય છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ અંધાપો જીવલેણ અકસ્માતનું કારણ બને છે. હવે કેન્દ્ર સરકારનું રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય આ ગંભીર સમસ્યાને નાથવા માટે વાહનોની હેડલાઈટ, હાઈ-બીમનો ઉપયોગ અને ભારે વાહનોની વિઝિબિલિટી સંબંધિત મોટર વ્હીકલ નિયમોમાં ધરખમ ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે.
નવા પ્રસ્તાવ અનુસાર વાહનોની હેડલાઈટની મહત્તમ તીવ્રતા ઘટાડવાની વિચારણા ચાલી રહી છે.
ટુ-વ્હીલર
વર્તમાન મર્યાદા: ૧.૫ લાખ કેન્ડેલા
સૂચિત નવી મર્યાદા: ૧ લાખ કેન્ડેલા
ફોર-વ્હીલર
વર્તમાન મર્યાદા : ૨.૨૫ લાખ કેન્ડેલા
સૂચિત નવી મર્યાદા : ૧.૫ લાખ કેન્ડેલા
જાે કોઈ વાહનચાલક શહેરી વિસ્તારમાં બિનજરૂરી રીતે હાઈ-બીમ લાઈટ ચાલુ કરશે, તો વાહનની અંદરથી જ તેને ચેતવણી આપતો ઓડિયો એલર્ટ સંભળાશે.
હાઈવે પર ડ્રાઈવિંગમાં ખલેલ ન પહોંચે તે માટે ૬૦ ાદ્બ/ર થી વધુ ઝડપ હશે ત્યારે આ ઓડિયો એલર્ટ વાગશે નહીં.
નવા બનનારા દ્વિચક્રી વાહનોમાં ઓટોમેટિક હેડલેમ્પ માત્ર લો-બીમ પર જ કામ કરે તેવો નિયમ લાગુ થઈ શકે છે (હાલના વાહનોને આમાંથી મુક્તિ મળશે).
આજકાલ માર્કેટમાં આફ્ટર-માર્કેટ લગાવવામાં આવતી વધુ પડતી સફેદ અને વાદળી રંગની LED હેડલાઈટ્સથી આંખોને ભારે તકલીફ થાય છે. આથી સરકારે હેડલાઈટનું કલર ટેમ્પરેચર મહત્તમ ૬૫૦૦ Kelvin સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ધુમ્મસ, વરસાદ, ખરાબ હવામાન કે અંધારામાં પાછળથી કે બાજુમાંથી આવતા વાહનચાલકોને મોટા વાહનો દૂરથી દેખાઈ શકે તે માટે બસો અને તમામ ભારે કોમર્શિયલ વાહનો પર સ્ટાન્ડર્ડ રિફ્લેક્ટિવ ટેપ લગાવવી ફરજિયાત કરવામાં આવશે.
પરિવહન મંત્રાલયે આ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડીને તમામ સ્ટેકહોલ્ડર્સ, ઓટોમોબાઇલ કંપનીઓ અને સામાન્ય નાગરિકો પાસેથી ૩૦ દિવસની અંદર વાંધા-સૂચનો મંગાવ્યા છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી એપ્રિલ મહિનાથી આ નવા નિયમો દેશભરમાં તબક્કાવાર લાગુ કરવાની યોજના છે.





