ટ્રમ્પ સરકારનો નવો પ્રસ્તાવ અમેરિકામાં બાળકનો પાસપોર્ટ બનાવવા માતા-પિતાએ નાગરિકતાનો પુરાવો આપવો પડશે આ નિયમ બર્થ ટુરિઝમ રોકવા અને જન્મજાત નાગરિકતાને લઈને ટ્રમ્પના પ્રયાસોનો ભાગ છે
અમેરિકામાં બાળકોના પાસપોર્ટને લઈને નવા નિયમો લાવવાની તૈયારી ચાલી રહી છે. જેમાં માતા-પિતાએ પોતાના બાળકોનો પાસપોર્ટ બનાવતી વખતે નાગરિકતા કે અમેરિકામાં રહેતા હોવાના પુરાવા આપવા પડી શકે છે. આ મામલે અમેરિકન વિદેશન મંત્રાલયે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મજાત નાગરિકત્વને સમાપ્ત કરવાના પ્રયાસનો એક ભાગ છે.
હાલના નિયમો અનુસાર, અમેરિકામાં જન્મેલા બાળકના પાસપોર્ટ બનાવતી વખતે માતા-પિતાએ પોતાના બાળક સાથેના તેમના સંબંધનો પુરાવો અને તેમની પોતાની ઓળખનો પુરાવો આપવો આવશ્યક છે. જાે માતા-પિતા પોતે યુ.એસ. નાગરિક હોય તો તેમણે તેના માટે અલગ દસ્તાવેજાે સબમિટ કરવાની જરૂર નથી. જાે નવો પ્રસ્તાવ લાગુ કરવામાં આવે તો આ સિસ્ટમ બદલાઈ શકે છે.
નવા પ્રસ્તાવ હેઠળ, માતા-પિતા અથવા કાનૂની વાલીઓએ બાળકના પાસપોર્ટ માટે અરજી કરતી વખતે તેમની નાગરિકતા અથવા યુએસ રહેઠાણની સ્થિતિનો પુરાવો આપવો પડશે. યુએસ નાગરિક માતા-પિતા પાસપોર્ટ અથવા જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજાે રજૂ કરી શકે છે, જ્યારે અન્ય લોકોએ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમની કાનૂની સ્થિતિનો પુરાવો આપવો પડી શકે છે.
આ પુરાવાના આધારે સરકાર તપાસ કરશે કે બાળકો અમેરિકન નાગરિકતા માટે યોગ્ય છે કે નહીં. આ નિયમ ટ્રમ્પના ૬ ઓગસ્ટના આદેશને લાગુ કરવાની તૈયાર માટે લેવામાં આવી રહ્યો છે. હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા બાળકો માટે નાગરિકતા સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકન સરકાર ખાસ કરીને યુએસમાં જન્મ આપવા માટે મહિલાઓની મુસાફરી કરવાની પ્રથાને રોકવાનો હેતુ ધરાવે છે. આ ઘટનાને સામાન્ય રીતે બર્થ ટુરિઝમ તરીકે ઓળખવામાં આવે છે.
ટ્રમ્પના શરૂઆતના આદેશમાં એવી શરત હતી કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા બાળકને આપમેળે નાગરિકતા ત્યારે જ મળશે જાે તેમના માતા-પિતામાંથી ઓછામાં ઓછું એક યુએસ નાગરિક અથવા ગ્રીન કાર્ડ ધારક હોય. જાે કે, યુએસ સુપ્રીમ કોર્ટે આ આદેશને ગેરબંધારણીય ગણાવ્યો અને કહ્યું કે તે બંધારણના ૧૪મા સુધારાની નાગરિકતા જાેગવાઈઓ સાથે વિરોધાભાસી છે.
ટ્રમ્પ વહીવટીતંત્રના નવા પગલાને કોર્ટમાં પણ પડકારવામાં આવી રહ્યો છે. નવા નિયમથી જેમની નાગરિકતા પ્રભાવિત થઈ શકે છે તેવા બાળકો વતી અરજી દાખલ કરવામાં આવી છે. વકીલોએ કોર્ટને નવા આદેશના અમલીકરણને રોકવાની માગ કરી છે.
આ મામલાની સુનાવણી મેરીલેન્ડની એક ફેડરલ કોર્ટમાં પણ થઈ છે. જજ ડેબોરા બોર્ડમેને આદેશ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કેસને આગળ વધવાની મંજૂરી આપી છે જેથી નક્કી કરી શકાય કે નવા આદેશને અવરોધિત કરી શકાય કે નહીં.




