નવાઝુદ્દીને બધું ઠુકરાવ્યું ‘ગેંગ્સ ઑફ વાસેપુર ૨’ બાદ ૨૦૦ સ્ક્રિપ્ટ અને બ્લેન્ક ચેક મળ્યા અભિનેતા નવાઝુદ્દીન છેલ્લે ‘મૈં એક્ટર નહીં હૂં’માં જાેવા મળ્યો હતો. હવે તે ‘તુમ્બાડ ૨’માં જાેવા મળશે અનુરાગ કશ્યપની ‘ગેંગ્સ ઑફ વાસેપુર ૨’એ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની કારકિર્દીને નવી ઓળખ આપી હતી. ફિલ્મની સફળતા બાદ તેની પાસે કામની ઓફરનો ધસારો થયો હતો. જાેકે, નવાઝુદ્દીને તે સમયે ઉતાવળમાં કોઈ ફિલ્મ સાઇન કરવાને બદલે યોગ્ય ભૂમિકાની રાહ જાેવાનું પસંદ કર્યું હતું. આ વાતચીતમાં નવાઝુદ્દીને કહ્યું, “‘ગેંગ્સ ઑફ વાસેપુર ૨’ રિલીઝ થયા બાદ મને ઓછામાં ઓછી ૨૦૦ સ્ક્રિપ્ટ મળી હતી. મારા ટેબલ પર બ્લેન્ક ચેક પડ્યા હતા. લોકો કહેતા હતા, ‘આ રહી સ્ક્રિપ્ટ અને આ રહ્યો બ્લેન્ક ચેક. તમને જેટલી રકમ જાેઈએ તે લખો અને તમારી જે તારીખો ઉપલબ્ધ હોય તે અમને આપો.’”જાેકે, નવાઝે આમાંથી એક પણ સ્ક્રિપ્ટ પસંદ કરી નહોતી. તેણે કહ્યું, “મેં એમાંથી એક પણ સ્ક્રિપ્ટ પસંદ કરી નહીં, કારણ કે મને એક પણ ગમી નહોતી. મેં નક્કી કર્યું કે હું યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જાેઈશ. હું વર્ષાેથી કામની રાહ જાેતો આવ્યો હતો, તેથી ઉતાવળમાં કંઈક સાઇન કરવા કરતાં વધુ બે-ત્રણ વર્ષ રાહ જાેવી મને યોગ્ય લાગી.” નવાઝુદ્દીનને ‘ગેંગ્સ ઑફ વાસેપુર ૨’માં ફૈઝલ ખાનનું પાત્ર ભજવ્યું હતું. શરૂઆતમાં શાંત અને બેફિકર દેખાતો ફૈઝલ વ્યક્તિગત નુકસાન અને દગા બાદ ખતરનાક ગેંગસ્ટરમાં પરિવર્તિત થાય છે. નવાઝુદ્દીન છેલ્લે ‘મૈં એક્ટર નહીં હૂં’માં જાેવા મળ્યો હતો. હવે તે ‘તુમ્બાડ ૨’માં જાેવા મળશે, જેમાં આલિયા ભટ્ટ પણ મહત્વનાં રોલમાં છે. ફિલ્મનું દિગ્દર્શન આદેશ પ્રસાદ કરી રહ્યા છે અને તે ૩ ડિસેમ્બર, ૨૦૨૭ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મની ટૅગલાઇન ‘પ્રલય આયેગા’ છે.




