પાકિસ્તાનનો દુ:ખ વ્યક્ત કરવાનો ઢોંગ મક્કા પર ડ્રોન હુમલાના દાવા બાદ સાઉદી અરેબિયાએ બતાવી રેડ લાઇન હૂથી વિદ્રોહીઓના ડ્રોનને તોડી પાડવાના દાવા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આકરી પ્રતિક્રિયા આપી હતી
પવિત્ર શહેર મક્કા નજીક યમનના હૂથી વિદ્રોહીઓના ડ્રોનને તોડી પાડવાના સાઉદી અરેબિયાના દાવા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધી ગયો છે. સાઉદી અરેબિયાએ પવિત્ર સ્થળોની સુરક્ષાને પોતાની ‘રેડ લાઇન’ ગણાવી છે, જ્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરાયેલા પાકિસ્તાને આ મામલે આકરી પ્રતિક્રિયા આપી દુ:ખ વ્યક્ત કરવાનો ઢોંગ શરૂ કર્યો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મક્કાના પવિત્ર સ્થળને નિશાન બનાવવાના કથિત પ્રયાસની કડક શબ્દોમાં નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે, ‘આ મામલે પાકિસ્તાન સાઉદી અરેબિયા સાથે સંપૂર્ણ મજબૂતીથી ઊભું છે. મક્કા પર કથિત ડ્રોન હુમલાના સમાચારથી સમગ્ર પાકિસ્તાનના લોકો અત્યંત દુ:ખી અને પરેશાન છે. આ ઘટનાને અત્યંત ગંભીર અને નિંદનીય ગણાવી છે.’ તેમણે પવિત્ર સ્થળની રક્ષા માટે ઝડપી કાર્યવાહી કરવા બદલ સાઉદી અરેબિયાની રોયલ આર્મ્ડ ફોર્સીસની ખુલ્લેઆમ પ્રશંસા પણ કરી હતી.
શાહબાઝ શરીફે પોતાના નિવેદનમાં ભારપૂર્વક કહ્યું કે, ‘પાકિસ્તાન સાઉદી અરેબિયાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરવા માટે કટિબદ્ધ છે. આ સાથે જ હરમૈન શરીફૈન એટલે કે મક્કાની મસ્જિદ અલ-હરમ (કાબા) અને મદીનાની મસ્જિદ-એ-નબવી જેવી પવિત્ર મસ્જિદોની સુરક્ષા અને પવિત્રતા જાળવી રાખવા માટે પાકિસ્તાન સાઉદી અરેબિયા સાથે ખભેથી ખભો મિલાવીને ઊભું છે.’
વધુમાં શાહબાઝ શરીફે તમામ પક્ષોને તણાવ આગળ ન વધારવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ‘સંઘર્ષ ટાળવા માટે તમામ પક્ષોએ શક્ય તેટલો વધુ સંયમ રાખવો જાેઈએ અને સ્થિતિ વણસતી અટકાવવા માટે પાછા હટવું જાેઈએ. આ વિસ્તાર પહેલેથી જ ઘણા સંઘર્ષોનો સામનો કરી ચૂક્યો છે, તેથી કાયમી શાંતિ સ્થાપવા માટે માત્ર વાતચીત અને રાજદ્વારી કૂટનીતિ જ એકમાત્ર યોગ્ય માર્ગ છે.’
સાઉદી નેતૃત્વ હેઠળના ગઠબંધન મુજબ, યમનના હૂથીઓ તરફથી છોડવામાં આવેલા ડ્રોનને મક્કાની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશતા પહેલાં જ તોડી પાડવામાં આવ્યું હતું. સાઉદી સૈન્ય પ્રવક્તા તુર્કી અલ-મલિકીએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે બંને પવિત્ર મસ્જિદો અને યાત્રાળુઓની સુરક્ષા સાઉદી અરેબિયા માટે ‘રેડ લાઇન’ છે અને તેની સાથે કોઈ પણ બાંધછોડ સહન નહીં થાય.
સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, મંગળવારે સાંજે લગભગ ૬:૫૦ વાગ્યે શંકાસ્પદ ડ્રોનને ટ્રેક કરી હવામાં જ નષ્ટ કરવામાં આવ્યું હતું અને તેનો કાટમાળ શહેરની દક્ષિણમાં પડ્યો હતો. જાેકે, હૂથી જૂથે મક્કા પર કોઈ પણ ડ્રોન મોકલવાના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. વિશ્વભરના મુસ્લિમો માટે અત્યંત પવિત્ર સ્થળો નજીક ડ્રોનની હાજરીના અહેવાલોએ સમગ્ર ક્ષેત્રમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતા ઊભી કરી છે.




