વિરાટ કોહલીનું છલકાયું દર્દ ન્યૂઝીલેન્ડ સામેની ૧૮ રનની હાર કારકિર્દીનો સૌથી મુશ્કેલ સમય આ હાર સ્વીકારવી અત્યંત મુશ્કેલ હતી અને તેમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો : વિરાટ કોહલી વિરાટ કોહલીએ ૨૦૧૯ના વનડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હારને પોતાના ક્રિકેટ કરિયરના સૌથી મુશ્કેલ સમયમાંથી એક ગણાવી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે પહેલાં JioStar સાથેની વાતચીતમાં કોહલીએ કહ્યું કે તે હારને સ્વીકારવી તેમના માટે અત્યંત મુશ્કેલ હતી અને તેના માનસિક પ્રભાવમાંથી બહાર આવવામાં તેમને ઘણો સમય લાગ્યો હતો.
૨૦૧૯ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થયો હતો. વરસાદના કારણે મેચ બે દિવસ સુધી ચાલી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને ૮ વિકેટે ૨૩૯ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ ૨૨૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ૧૮ રને મેચ ગુમાવી હતી. ભારતની શરૂઆત મેચમાં જ ખરાબ રહી હતી. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરોએ શરૂઆતના તબક્કામાં ભારતીય ટોચના ક્રમને મુશ્કેલીમાં મૂકી દીધો હતો. વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ ત્રણેય માત્ર એક-એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજાએ ભારતીય ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જાડેજાએ આક્રમક બેટિંગ કરી હતી, પરંતુ અંતે ભારત લક્ષ્યથી ૧૮ રન દૂર રહી ગયું હતું.
કોહલીએ જણાવ્યું કે સેમિફાઇનલની હારનો તેમના પર લાંબા સમય સુધી પ્રભાવ રહ્યો હતો. પરિણામથી તેઓ ખૂબ દુ:ખી થયા હતા અને કેટલાક મહિનાઓ સુધી આ પરિસ્થિતિમાંથી માનસિક રીતે સંપૂર્ણપણે બહાર આવી શક્યા નહોતા. તેમના મતે વરસાદને કારણે મેચ અટકવી અને બીજા દિવસે નવી બોલ સાથે ન્યૂઝીલેન્ડના બોલરોને મળેલી પરિસ્થિતિનો લાભ પણ મહત્વપૂર્ણ રહ્યો હતો. કોહલીએ સંકેત આપ્યો કે જાે મેચ એ જ દિવસે પૂર્ણ થઈ હોત તો પરિસ્થિતિ અલગ હોઈ શકતી હતી, પરંતુ બીજા દિવસે ન્યૂઝીલેન્ડના બોલરોએ નવી બોલથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.
કોહલીએ ૨૦૨૩ના વનડે વર્લ્ડ કપની ફાઇનલનો પણ ઉલ્લેખ કર્યો હતો. અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં તેઓ ૫૪ રન બનાવીને આઉટ થયા હતા. તે સમયે તેમને લાગતું હતું કે તેઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા હોત. જાેકે, તેમના આઉટ થયા બાદ ભારતને મળેલી હાર સ્વીકારવી તેમના માટે ઘણા દિવસો સુધી મુશ્કેલ રહી હતી. સાથે જ કોહલીએ ૨૦૨૩ના સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમના વાતાવરણને સકારાત્મક ગણાવ્યું હતું. તેમણે ટીમના ખેલાડીઓ વચ્ચેના સારા તાલમેલ અને એકબીજા માટે ખેલદીલીની પ્રશંસા કરી હતી.
કોહલીએ આગામી ૨૦૨૭ વનડે વર્લ્ડ કપને લઈને પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમના જણાવ્યા મુજબ, ૨૦૨૭નો વર્લ્ડ કપ તેમનો છેલ્લો વર્લ્ડ કપ હશે. આ વાત આગામી ટૂર્નામેન્ટ માટે તેમને વધુ પ્રેરણા આપે છે અને તેઓ તેને જીતવા માટે પોતાનું સર્વસ્વ આપવા માગે છે. ૨૦૧૯ અને ૨૦૨૩ની હારની યાદો વિરાટ કોહલીની વર્લ્ડ કપ સફરનો મહત્વનો હિસ્સો બની ગઈ છે. હવે તેમની નજર ૨૦૨૭ના વર્લ્ડ કપ પર છે, જ્યાં તેઓ પોતાની વર્લ્ડ કપ સફરનો અંત યાદગાર બનાવવાનો પ્રયાસ કરશે.




