(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ગુજરાતમાં ગરમીની જ્યારે શરૂઆત થઈ રહી છે. વાતાવરણમાં બફારો વર્તાઈ રહ્યો છે ત્યારે ગરમી મે ભી ઠંડીકા અહેસાસ કરાવનારું લીંબુ શરબત ગ્રાહકોના દાંત વધુ ખાટા કરી રહ્યું છે. કારણ કે લીંબુના ભાવ એટલા બધા વધી ગયા છે જેની કલ્પના પણ ન કરી શકાય. રૂ. ૩૦૦ થી ૪૦૦ રૂ. કિલો એટલે કે મીઠાઈ જેટલો ભાવ થઈ ગયો. સફરજન જેવા મોંઘા ફળ પણ તેની સામે અડધા ભાવે વેચાય છે.
જ્યારે ગરીબ પરિવારોએ તો લીંબુ ભૂલી જ જવાના ને મધ્યમવર્ગને પણ લીંબુના ભાવ પરવડે એવા નથી. સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં લીંબુના ભાવ વધે છે. ઉનાળામાં લીંબુની ડિમાન્ડ વધે એટલે ભાવ ઉંચકાય એ સમજાય એવું છે પણ આ વખતે સપ્ટેમ્બરથી ભાવ વધી ગયા તે મોટો સવાલ છે.
એક મહિના પહેલાં યાર્ડમાં ૨૦ કિલો લીંબુનો ભાવ રૂપિયા ૧૦૦૦ થી ૧૫૦૦ હતો, જે અત્યારે ૨૦૦૦ થી ૪૦૦૦ રૂપિયાના ૨૦ કિલોએ પહોંચ્યો છે. આ ઐતિહાસિક સ્તર છે. છુટક બજારમાં એક કિલો લીંબુ માટે ૨૫૦ થી ૩૦૦ રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે. લીંબુના ભાવ વધવાનું કારણ એ છે કે અત્યારે ગરમી બહુ પડે છે એટલે ડિમાન્ડ વધી છે. તેની સામે લીંબુનો પાક નથી. મહિના પહેલાં યાર્ડમાં રોજ ૧.૫ લાખ કિલો લીંબુ ઠલવાતા હતાં, જેની સામે અત્યારે માત્ર ૪૦ હજાર કિલો આવક થઈ રહી છે. જેટલો પાક આવી રહ્યો છે તેના કરતાં ચાર ગણી માંગ થઈ રહી છે. વરસાદ ખૂબ ઓછો થવાથી પાકને નુકશાન પહોંચ્યું છે. ઝડપથી પાકતા શાકભાજીના રોકડિયા પાકના ઉત્પાદનમાં ઘટ આવી છે અને અનિયમિત વરસાદથી બગાડના કારણે શાકભાજી મોંઘા થઈ ગયા છે. ઓછા વરસાદના કારણે ઝાડ પરના લીંબુ બગડવા લાગ્યા છે.




