વર્લ્ડ કપ ૨૦૨૭ માટે બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ સીધી ક્વોલિફાય થવામાં નિષ્ફળ! આગામી ૨૦૨૭નો વનડે વર્લ્ડ કપ ત્રણ દેશો – દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં સંયુક્ત રીતે રમાવાનો છે ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર છે! વનડે વર્લ્ડ કપનો રોમાંચ પૂરા ૨૪ વર્ષ પછી આફ્રિકા ખંડમાં પરત ફરી રહ્યો છે. ૨૦૨૭માં રમાનારા આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ (૧૪મી આવૃત્તિ) માટે ટીમોએ અત્યારથી જ કમર કસી લીધી છે. પરંતુ ૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આ મેગા ઈવેન્ટનું સત્તાવાર શેડ્યૂલ જાહેર થાય તે પહેલાં જ ક્રિકેટ જગતમાં મોટો ઉલટફેર જાેવા મળ્યો છે. બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડ કપ માટે સીધી ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહી છે! ચાલો સમજીએ કે કઈ ૧૦ ટીમો સીધી વર્લ્ડ કપમાં જશે, યજમાન હોવા છતાં નામિબિયા કેમ બહાર છે, અને આ વખતના વર્લ્ડ કપનું નવું રોમાંચક ૩-સ્ટેજ ફોર્મેટ કેવું હશે.આગામી ૨૦૨૭નો વનડે વર્લ્ડ કપ ત્રણ દેશો – દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં સંયુક્ત રીતે રમાવાનો છે. અગાઉ ૨૦૦૩માં આફ્રિકામાં વર્લ્ડ કપ રમાયો હતો. આ મેગા ઈવેન્ટનું સત્તાવાર શેડ્યૂલ ટૂર્નામેન્ટ શરૂ થવાના બરાબર એક વર્ષ પહેલા એટલે કે ૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં જાહેર થવાની અપેક્ષા છે. આ વર્લ્ડ કપમાં કુલ ૧૪ ટીમો ભાગ લેશે.રેન્કિંગમાં પાછળ હોવાને કારણે બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સીધી ક્વોલિફાય થઈ શકી નથી. હવે આ બંને ટીમોએ ૨૦૨૭ની શરૂઆતમાં યોજાનારા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં અન્ય ૮ ટીમો સાથે રમવું પડશે. આ ૧૦ ટીમોમાંથી જે ૪ ટીમો જીતશે, તે વર્લ્ડ કપમાં આગળ વધશે.




