અભિનેતા અમિતાભના જન્મ દિવસથી શરૂઆત ઉત્તરપ્રદેશના પૈતૃક ગામમાં લાઇબ્રેરીમાં પુસ્તકો પહોંચાડાશે બાબુપટ્ટી ગામમાં મહાનાયકના પિતા હરિવંશરાય બચ્ચનની સ્મૃતિમાં લાયબ્રેરી સ્થાપિત કરાયેલી છે મહાનાયક અમિતાભ બચ્ચન રવિવારે ૮૪ વર્ષના થયા છે. તેમના જન્મદિવસે યુપીના પ્રતાપગઢ જિલ્લાના બાબુપટ્ટી ગામના રહેવાસીઓને એક ભેટ મળવા જઇ રહી છે. બિગ બીના પૈતૃક ગામના લોકોને હવે તેમના પિતાના નામે સ્થપાયેલા પુસ્તકાલયમાં પુસ્તકો ઉપલબ્ધ થવા જઇ રહ્યું છે. બિગ બીએ અગાઉ આ વાયદો કર્યાે હતો. જે દિવાળી અગાઉ પૂર્ણ થશે. અમિતાભ બચ્ચન પિતા અને હિન્દી સાહિત્યના મહાન સાહિત્યકાર હરિવંશરાય બચ્ચનનું જન્મસ્થળ બાબુ પટ્ટી ગામમાં આવેલું છે. આ ગામમાં હરિવંશ રાય બચ્ચનની સ્મૃતિમાં એક ગ્લાયબ્રેરી છે. પરંતુ આ ગ્રંથાલયમાં પુસ્તકો ન હોવાથી તેનો ઉપયોગ વાચકો અને વિદ્યાર્થીઓ કરી શકતા નહતા. પટ્ટી તાલુકાના રહેવાસી ચંદ્રપ્રકાશ તિવારીએ લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (કેબીસી)માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન અમિતાભ બચ્ચને આ ક્ષેત્ર સાથેના પોતાના કૌટુંબિક સંબંધોને યાદ કર્યા હતા. જેના કારણે હવે બાબુપટ્ટી ગામમાં આવેલા ગ્રંથાલયમાં પુસ્તકો ઉપલબ્ધ થઈ જશે. વર્ષ ૨૦૦૬માં અમિતાભ બચ્ચનના પત્ની જયા બચ્ચને બાબુપટ્ટી ગામની મુલાકાત લીધી હતી. તે સમયે જયા બચ્ચને તેમની સ્મૃતિમાં બનેલા એક પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું હતું અને વચન આપ્યું હતું કે આ પુસ્તકાલય માટે પુસ્તકોઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ ગામમાં કન્યાઓ માટે એક મહાવિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, લગભગ ૨૦ વર્ષ બાદ, સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં પ્રસારિત કેબીસીના એપિસોડમાં અમિતાભ બચ્ચને ચંદ્રપ્રકાશ તિવારી સાથેની વાતચીતમાં ક્ષેત્ર સાથેના પોતાના ગાઢ સંબંધનો સ્વીકાર કર્યાે હતો. આ વાતચીત બાદ ગામલોકોમાં જૂના વચનો પૂરા થવાની આશા ફરી સજીવન થઈ છે.અમિતાભ બચ્ચને રવિવારે પોતાના ૮૪મા જન્મદિવસે પિતાના જન્મસ્થળનો ભાવુક ઉલ્લેખ કર્યાે હતો. તેમણે લાંબા સમયથી ગામની મુલાકાત ન લઈ શકવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી અને પુસ્તકાલય માટે પુસ્તકો પૂરા પાડવાનું વચન આપ્યું હતું. બિગ બીની આ જાહેરાત બાદ સ્થાનિક વહીવટીતંત્ર પણ તરત સક્રિય થઈ ગયું છે.જિલ્લા કલેક્ટર અભિષેક પાંડેએ બાબુપટ્ટી ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ગ્રામજનોને ખાતરી આપી હતી કે દિવાળી પહેલાં જ પુસ્તકાલયમાં તમામ પુસ્તકો ઉપલબ્ધ કરાવી દેવાશે. પુસ્તકાલયનું મકાન બનીને તૈયાર થઈ ચૂક્યું છે, પરંતુ યોગ્ય પુસ્તકો અને વાંચન સામગ્રીના અભાવે તેનો અત્યાર સુધી યોગ્ય ઉપયોગ થઈ શક્યો ન હતો. હરિવંશ રાય બચ્ચનની સ્મૃતિમાં બનાવાયેલા પુસ્તકાલયનો મૂળ હેતુ આખરે હવે પૂરો થશે. ગામના વિદ્યાર્થીઓ અને વાચકો આ સુવિધાનો લાભ લેવા આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.




