‘શરૂઆતથી શરૂ કરીએ’ સલમાને શરૂ કરી પોતાની સત્તાવાર યુટ્યુબ ચેનલ સલમાને ચેનલની જાહેરાત માટે એક ખાસ વીડિયો શેર કર્યાે હતો, જેમાં તે અંગ્રેજી મૂળાક્ષરો બોલતો જાેવા મળે છે બોલિવૂડનાં સુપરસ્ટાર સલમાન ખાને ડિજિટલ દુનિયામાં વધુ એક નવું પગલું ભર્યું છે. ફિલ્મો, ટેલિવિઝન અને સોશિયલ મીડિયા પર સક્રિય સલમાને હવે પોતાની સત્તાવાર યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. ૯ ઑક્ટોબરે શુક્રવારે ચેનલ લોન્ચ કર્યા બાદ તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ચાહકોને તેની જાણકારી આપી હતી.સલમાને ચેનલની જાહેરાત માટે એક ખાસ વીડિયો શેર કર્યાે હતો, જેમાં તે અંગ્રેજી મૂળાક્ષરો બોલતો જાેવા મળે છે. આ સાથે તેણે લખ્યું, “શરૂઆતથી શરૂ કરીએ… મારી સત્તાવાર યુટ્યુબ ચેનલ. A થી Z સુધી બધું અહીં મળશે.” તેની આ જાહેરાતથી ચાહકોમાં ચેનલ પર કેવા પ્રકારના વીડિયો જાેવા મળશે તે અંગે ઉત્સુકતા જાગી છે. લોન્ચના લગભગ એક કલાકમાં જ ચેનલના ૧૪ હજારથી વધુ સબસ્ક્રાઇબર્સ થઈ ગયા હતા. ચેનલના બાયોમાં સલમાને પોતાનો પરિચય ‘ફિલ્મ અભિનેતા, કલાકાર, ચિત્રકાર અને માનવતાવાદી’ તરીકે આપ્યો છે. શરૂઆતમાં ચેનલ પર ૧૦ યુટ્યુબ શોર્ટ્સ અપલોડ કરવામાં આવ્યાં હતાં, જેમાં હલકાં-ફૂલકા ટૂંકા વીડિયોનો સમાવેશ થાય છે. જાેકે, ભવિષ્યમાં કયા પ્રકારનું કન્ટેન્ટ રજૂ કરવામાં આવશે તેની સત્તાવાર વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.આ ચેનલનાં માધ્યમથી સલમાન ફિલ્મોનાં શૂટિંગની પડદા પાછળની ઝલક, પ્રમોશનલ વીડિયો, અંગત અપડેટ્સ અને પોતાના અન્ય અનુભવો ચાહકો સાથે શેર કરી શકે છે. આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, નોરા ફતેહી, જેકલીન ફનાર્ન્ડિઝ, વરુણ ધવન, શિલ્પા શેટ્ટી કુંદ્રા, અર્ચના પૂરણ સિંહ અને ફરાહ ખાન સહિત અનેક કલાકારો પહેલાંથી જ યુટ્યુબ પર સક્રિય છે. હવે સલમાન ખાન પણ આ યાદીમાં જાેડાયો છે.




