હવે લવ સ્ટોરી ફિલ્મોને પહેલાં જેટલી સફળતા કેમ નથી મળતી? યુવા પેઢીની પ્રેમકથાઓ વાસ્તવિકતાથી દૂર હોવાને કારણે દર્શકો સાથે જાેડાણ સાધવામાં નિષ્ફળ જાય છે આજના સમયમાં યુવા પેઢીની પ્રેમકથાઓને રજુ કરતી આંતરરાષ્ટ્રીય વેબ સિરીઝ ઓફ કેમ્પસ અને સ્ટર્લિંગ પોઈન્ટને દુનિયાભરમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સિરીઝને ભારત સહિત અનેક દેશોમાં યુવા દર્શકોનો મોટો ચાહકવર્ગ મળ્યો છે. જાેકે, ભારતીય સિનેમામાં યુવા પેઢીને ધ્યાનમાં રાખીને બનતી કેટલીક તાજેતરની પ્રેમકથાઓ દર્શકોના દિલ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક શકુન બત્રા માને છે કે તેની પાછળ પ્રેમને પડદા પર રજૂ કરવાની આપણી પરંપરાગત રીત પણ જવાબદાર છે.તાજેતરમાં લસ્ટ સ્ટોરીઝ ૩ માં વીસેક વર્ષની ઉંમરનાં બે પાત્રો વચ્ચેના જટિલ સંબંધને રજૂ કરનાર બત્રાનું માનવું છે કે દિગ્દર્શકોએ દર્શકોને શું ગમશે તે વિચારવાને બદલે પોતાની અનુભૂતિ અને વિચારધારાને પ્રામાણિક રીતે પડદા પર રજૂ કરવી જાેઈએ. તેમના મતે, સર્જકનું કામ દર્શકોની પસંદગી પ્રમાણે વાર્તા ઘડવાનું નહીં, પરંતુ પોતાની વાત અસરકારક રીતે રજૂ કરવાનું છે. જાે સર્જક પોતાનું કામ પ્રામાણિકતાથી કરે, તો કદાચ દર્શકોને તેની વાત તરત ન સમજાય, પરંતુ સમય જતાં તેઓ તેને સમજી અને સ્વીકારી શકે છે.યુવા દર્શકોને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ તેમની પસંદગીનું અનુમાન લગાવીને વાર્તા તૈયાર કરવી યોગ્ય નથી, એવું બત્રા માને છે. ફિલ્મ ઉદ્યોગમાં ઘણી વાર કોઈ ચોક્કસ પ્રકારની વાર્તા કે વિષય લોકપ્રિય હોવાની દલીલ સાથે સર્જકોને તે જ દિશામાં કામ કરવા માટે કહેવામાં આવે છે. જાેકે, બત્રા આવા વલણ સાથે સહમત નથી. તેઓ કહે છે કે જાે કોઈ ટ્રેન્ડને અનુસરવું પોતાની સર્જનાત્મકતા સાથે મેળ ન ખાતું હોય, તો માત્ર સફળતાની આશામાં તેને અપનાવવાનો કોઈ અર્થ નથી. શકુન બત્રાના મતે, ભારતીય સિનેમાએ પ્રેમની કલ્પનાને પણ ઘણી હદે સરળ બનાવી દીધી છે. વર્ષાેથી ફિલ્મોમાં પ્રેમને એવી રીતે રજૂ કરવામાં આવ્યો છે કે જાણે જીવનસાથી મળી જાય એટલે જીવનમાં બધું સુંદર બની જાય. વાસ્તવિક જીવનમાં જાેકે પ્રેમ સાથે મતભેદો, જવાબદારીઓ અને અનેક પડકારો પણ જાેડાયેલા હોય છે.આવી ફિલ્મી કલ્પનાઓને કારણે લગ્નજીવનમાં પ્રવેશનારા લોકોને વાસ્તવિકતા પોતાની અપેક્ષાઓથી અલગ લાગે છે. બત્રાનું માનવું છે કે પ્રેમને માત્ર આદર્શ અને સુખદ અનુભવ તરીકે નહીં, પરંતુ તેની જટિલતાઓ સહિત રજૂ કરવો જરૂરી છે. કદાચ યુવા પેઢી સાથે જાેડાણ સાધતી પ્રેમકથાઓની સાચી ચાવી પણ આ જ છે.




