૮ છગ્ગા, ૧૯ ચોગ્ગા, ૧૭૩ રન… વીરેન્દ્ર સેહવાગના દીકરાની ક્રિકેટના મેદાનમાં તોફાની બેટિંગ પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે વીનુ માંકડ ટ્રોફીમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે વીનુ માંકડ ટ્રોફીમાં શાનદાર બેટિંગ કરીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. ૧૬ ઑક્ટોબરે ચંડીગઢ સામે રમાયેલી અંડર-૧૯ મેચમાં ૧૮ વર્ષીય આર્યવીરે ૧૪૩ બોલમાં ૧૭૩ રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગ્સમાં ૧૯ ચોગ્ગા અને ૮ છગ્ગાનો સમાવેશ થાય છે. તેના આક્રમક પ્રદર્શનને કારણે દિલ્હીની ટીમે ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૮૯ રન બનાવ્યા હતા.
વિજયનગરમના ડૉ. પીવીજી રાજુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી આ મેચમાં આર્યવીરે મુશ્કેલ સમયે ટીમની જવાબદારી સંભાળી હતી. બીજા છેડે ઓપનર અર્ણવ બુગ્ગાએ ૪૭ રન બનાવ્યા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે ૯૮ રનની ભાગીદારી થઈ હતી. અર્ણવના આઉટ થયા બાદ આર્યવીરે અભિરાજ સિંહ સાથે ત્રીજી વિકેટ માટે ૪૮ રન ઉમેર્યા હતા.
અભિરાજે ૧૮ રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હીનો સ્કોર ૪ વિકેટે ૧૭૯ રન હતો ત્યારે આર્યવીરે શાંતનુ યાદવ સાથે પાંચમી વિકેટ માટે ૮૯ રનની ભાગીદારી કરી હતી. શાંતનુ ૨૭ રન બનાવી અણનમ રહ્યો હતો. ચંડીગઢ તરફથી રૂપેશ યાદવે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.
આર્યવીર માટે આ ઇનિંગ્સ ખાસ રહી હતી. અગાઉ કર્ણાટક સામેની મેચમાં દિલ્હીનો ૧૯૮ રનથી પરાજય થયો હતો. કર્ણાટકે ૪૧૮ રન બનાવ્યા હતા, જ્યારે દિલ્હીની ટીમ ૨૨૦ રનમાં સમેટાઈ ગઈ હતી. તે મેચમાં આર્યવીરે ૩૨ રન બનાવ્યા હતા. આર્યવીર વીનુ માંકડ ટ્રોફીની દિલ્હી અંડર-૧૯ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. સપ્ટેમ્બરમાં તેણે ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની યુવા વનડે શ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્રણ ઇનિંગ્સમાં તેણે ૧૦૯ રન બનાવ્યા હતા. હવે ચંડીગઢ સામેની મોટી ઇનિંગ્સ બાદ દિલ્હી ટીમને આગામી મેચોમાં પણ તેના સાતત્યપૂર્ણ પ્રદર્શનની આશા રહેશે.




