સુરેશ રૈનાની ભવિષ્યવાણી ચર્ચામાં ભુવનેશ્વર બાદ શમી પણ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવશે સુરેશ રૈનાએ મોહમ્મદ શમીના સારા પ્રદર્શન અને ઘરેલુ ક્રિકેટમાં ક્ષમતા સાબિત કરવા બદલ પ્રશંસા કરી છે ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ટીમમાં વાપસી અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ શમીની વાપસી અંગે આશા વ્યક્ત કરતાં કહ્યું છે કે તેણે સારું પ્રદર્શન કર્યું છે અને ઘરેલુ ક્રિકેટમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. જાેકે, ભારતીય ટીમમાં શમીની પસંદગી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઇન્ડિયન સોફ્ટબોલ ક્રિકેટ લીગની જર્સી લોન્ચ દરમિયાન રૈનાએ ભુવનેશ્વર કુમારની પણ પ્રશંસા કરી હતી.
૩૬ વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં સ્થાન મેળવવું મોટી સિદ્ધિ હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે ભુવીએ પોતાની ફિટનેસ પર કામ કર્યું છે અને રમત પ્રત્યે શિસ્ત જાળવી રાખી છે. તેના કારણે તેને ફરી ટીમમાં સ્થાન મેળવવામાં મદદ મળી છે. શમીની વાપસી અંગે રૈનાએ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું, “મને લાગે છે કે શમીએ સારું પ્રદર્શન કર્યું છે અને ઘરેલુ ક્રિકેટમાં પણ સારું રમ્યો છે. હવે ભુવીનો વારો છે અને શમી પણ તેની પાછળ આવી રહ્યો છે. ચિંતા કરશો નહીં.” મોહમ્મદ શમીએ ભારત માટે છેલ્લી મેચ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેની છેલ્લી હાજરી ૨૦૨૧-૨૩ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હતી. ત્યારથી તે ઘરેલુ ક્રિકેટમાં રમીને પોતાની લય અને ટીમમાં વાપસી માટેનો દાવો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. રણજી ટ્રોફી ૨૦૨૬-૨૭ની શરૂઆતની મેચોમાં બંગાળ તરફથી તેનું પ્રદર્શન પસંદગીની દૃષ્ટિએ મહત્ત્વનું રહેશે. શમી માટે સતત સારી બોલિંગ કરવાની સાથે ફિટનેસ સાબિત કરવી પણ જરૂરી છે. આઈપીએલની ૨૦૨૫ અને ૨૦૨૬ની સિઝનમાં તેણે કુલ ૨૨ મેચમાં ૧૮ વિકેટ લીધી હતી. આ દરમિયાન તેની ઇકોનોમી ૧૦ રન પ્રતિ ઓવર રહી હતી.
આઈપીએલ ૨૦૨૬માં ભુવનેશ્વર કુમારે ૨૮ વિકેટ લીધી હતી અને તેની ઇકોનોમી ૮.૦૭ રહી હતી. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં બીજા ક્રમે રહ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ખિતાબી જીતમાં પણ તેનું યોગદાન મહત્ત્વનું રહ્યું હતું. ભુવનેશ્વરની સ્વિંગ, સચોટ લાઇન-લેન્થ અને ડેથ ઓવર્સમાં અસરકારક બોલિંગે ફરી સાબિત કર્યું છે કે અનુભવ અને શિસ્તના આધારે બોલર લાંબી કારકિર્દી જાળવી શકે છે. જાેકે, શમીની વાપસી અંગે અંતિમ ર્નિણય પસંદગીકારો જ લેશે. ઘરેલુ ક્રિકેટમાં તેનું સતત પ્રદર્શન અને ફિટનેસ તેની દાવેદારી માટે નિર્ણાયક બની શકે છે.




