દશરથ-દશાનન અને દશેરાનો આધ્યાત્મિક અર્થ
રામાયણ, શ્રીરામચરિતમાનસ અને અન્ય રામકથાઓમાં અનેક શબ્દો, પાત્રો અને પ્રસંગોનો પ્રતીકાત્મક ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ તેમની પાછળ રહેલા આધ્યાત્મિક અર્થને સમજવાથી માનવજીવનનાં અનેક રહસ્યો પણ ઉઘડે છે. આ પાત્રોને માત્ર કથાના પાત્રો તરીકે જોવાને બદલે માનવજીવનની આંતરિક શક્તિઓ, વૃત્તિઓ અને આધ્યાત્મિક સંઘર્ષનાં પ્રતીક તરીકે સમજીએ તો રામકથાનો સંદેશ વધુ ઊંડાણપૂર્વક સમજાય છે. દશરથ, દશાનન રાવણ, શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ, ભરત, વિભીષણ અને હનુમાનજીનાં પાત્રો આપણને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, ઇન્દ્રિયસંયમ અને મોહમુક્તિની પ્રેરણા આપે છે.આવો આ પાત્રોના પ્રતીકાત્મક અર્થ દ્વારા દશેરાના આધ્યાત્મિક રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ.. અયોધ્યા એટલે શરીર અને દશરથ એટલે જીવ.અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે.
ગોસ્વામી તુલસીદાસજીની શ્રીરામચરિતમાનસમાં કહે છે કે..
સોઈ અવધ જહં રામ નિવાસુ, સોઈ દિવસ જહં ભાનુ પ્રકાશુ..
જ્યાં રામનો નિવાસ છે તે જ અવધ અને જ્યાં સૂર્યનો પ્રકાશ છે તે જ દિવસ.આ ચોપાઇને આધ્યાત્મિક પ્રતીક તરીકે સમજીએ તો અયોધ્યાને માનવદેહ અને દશરથને જીવના પ્રતીક તરીકે જોઈ શકાય છે.જીવ દસ ઇન્દ્રિયો દ્વારા સંસારના વિષયોનો અનુભવ કરે છે,જ્યારે જીવ વિવેક અને સંયમથી ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે ત્યારે તેના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટવાની ભૂમિકા તૈયાર થાય છે.આ પ્રતીકાત્મક અર્થઘટનમાં દશરથનો અર્થ દસ ઇન્દ્રિયો પર સંયમ રાખનાર પુરૂષ એવો કરવામાં આવે છે. આવા સંયમિત જીવનમાં જ્ઞાનરૂપી રામનો ઉદય થાય છે.રામ એટલે અહીં જ્ઞાન-વિવેક અને ધર્મનું પ્રતીક. જ્યાં જ્ઞાનનો પ્રકાશ છે ત્યાં જીવનમાં શાંતિ-પવિત્રતા અને સદાચારનો વસંત ખીલે છે પરંતુ જ્યારે જીવ વિષયભોગ અને મોહમાં ફસાઈને સંયમ ગુમાવે છે ત્યારે જીવનમાંથી જ્ઞાનનો પ્રકાશ ઓસરવા લાગે છે.આ જ ભાવને પ્રતીકાત્મક રીતે સમજાવતાં કહી શકાય કે રામ વિના દેહરૂપી અયોધ્યાની સ્થિતિ
અંધકારમય બની જાય છે.શ્રીરામના વનગમન પછી અયોધ્યામાં છવાયેલા શોકનું વર્ણન શ્રીરામચરિતમાનસમાં વર્ણવતાં તુલસીદાસે લખ્યું છે કે..
લાગતિ અવધ ભયાવનિ ભારી, માનહું કાલરાતિ અંધિયારી આ ચોપાઇ અયોધ્યાના શોકનું વર્ણન કરે છે,તેના આધ્યાત્મિક અર્થઘટનમાં જ્ઞાન અને વિવેકથી વિમુખ થયેલા જીવનમાં ઊભી થતી આંતરિક અશાંતિનું ચિત્ર પણ જોઈ શકાય છે.
કૌશલ્યા-સુમિત્રા અને કૈકેયી..જીવનની ત્રણ શક્તિઓ છે. માનવજીવનમાં ત્રણ મહત્વપૂર્ણ શક્તિઓ રહેલી છેઃવિવેકશક્તિ- પાસનાશક્તિ અને ક્રિયાશક્તિ.આ ત્રણ રાણીઓ દ્વારા આ શક્તિઓને પ્રતીકાત્મક રીતે સમજી શકાય છે. કૌશલ્યા એટલે વિવેકશક્તિ-વિવેક મનુષ્યને સત્ય-અસત્ય અને ધર્મ-અધર્મ વચ્ચેનો ભેદ સમજાવે છે.આ અર્થઘટનમાં કૌશલ્યાની કોખમાંથી જ્ઞાનરૂપી રામનો જન્મ થવો એ દર્શાવે છે કે વિવેકના આશ્રયથી જ્ઞાનનો વિકાસ થાય છે. સુમિત્રા એટલે ઉપાસનાશક્તિ-ઉપાસના મનને પવિત્ર બનાવે છે અને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા-પ્રેમ તથા સમર્પણની ભાવના જગાડે છે.સુમિત્રાના પુત્ર લક્ષ્મણને રામના અખંડ સેવક અને પાસક તરીકે જોવામાં આવે છે,આથી ઉપાસનાશક્તિ અને સમર્પણ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થાય છે. કૈકેયી એટલે ક્રિયાશક્તિ-ક્રિયાશક્તિ મનુષ્યને કર્મ કરવાની પ્રેરણા આપે છે,તેનો ઉપયોગ વિવેકપૂર્વક થાય તો તે સેવા અને કલ્યાણનું સાધન બને છે પરંતુ મોહ અને સ્વાર્થથી પ્રેરિત થાય તો જીવનનું સંતુલન બગાડી શકે છે. રાજા દશરથ દ્વારા ત્રણેય રાણીઓને પાયસ કે ખીરનું વિતરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ ચાર પુત્રોનો જન્મ થયો-આ પ્રસંગને પ્રતીકાત્મક રીતે જીવનની ત્રણેય શક્તિઓના સંતુલન સાથે સાંકળી શકાય
છે.આ ચિંતન અનુસાર જ્ઞાન-ઉપાસના અને ક્રિયાનો સમન્વય થાય ત્યારે જીવનમાં સંતુલન અને આધ્યાત્મિક વિકાસની સંભાવના વધે છે.
દસ માથાં ધરાવતા રાવણને દશાનન કહેવામાં આવે છે.આ વર્ણનનો આધ્યાત્મિક અર્થ સમજવા માટે તેને પ્રતીકાત્મક રીતે જોવો જરૂરી છે.રાવણ મોહનું પ્રતીક છે.મોહરૂપી રાવણ દસ ઇન્દ્રિયો દ્વારા વારંવાર માયાના વિષયોનો ભોગ કરે છે છતાં તેની તૃષ્ણા શમતી નથી.મોહ એવું માનસિક બંધન છે જેમાં મનુષ્ય કોઈ વ્યક્તિ,વસ્તુ,સંપત્તિ કે વિષય પ્રત્યેની આસક્તિને કારણે સત્ય અને વિવેકને ભૂલી જાય છે. રાવણ પાસે વિદ્યા,શક્તિ,સંપત્તિ અને વૈભવ હોવા છતાં તે મોહ અને અહંકારથી મુક્ત થઈ શક્યો નહીં. રાવણની સોનાની લંકા એ એવા જીવનનું પ્રતીક બની શકે છે જેમાં ધનસંગ્રહ અને ભૌતિક વૈભવને જ સર્વસ્વ માનવામાં આવે છે.બહારથી સમૃદ્ધિ હોવા છતાં અંતરમાં મોહ અને અશાંતિ હોય તો જીવનનું સાચું કલ્યાણ થઈ શકતું નથી. રાવણના પરિવારનાં અન્ય પાત્રોને પણ વિવિધ દુર્ગુણોનાં પ્રતીક તરીકે સમજાવવામાં આવ્યાં છે: કુંભકર્ણ-અહંકારનું પ્રતીક છે, મેઘનાદ-કામવાસનાનું પ્રતીક છે, અતિકાય-લોભનું પ્રતીક છે, મહોદર-મત્સર કે ઈર્ષ્યાનું પ્રતીક છે, ખર-દંભનું પ્રતીક છે, દુર્મુખ-દ્વેષનું પ્રતીક છે, અકંપન-કપટનું પ્રતીક છે, ક્રોધ,મદ,દર્પ
અને અન્ય દુર્ગુણો પણ મોહના આ પ્રતીકાત્મક પરિવારના ભાગ છે. ભગવાન શ્રીરામ જ્ઞાનનું,માતા સીતા ભક્તિનું અને લક્ષ્મણ વૈરાગ્યનું પ્રતીક છે.જ્ઞાન મનુષ્યને સત્યનો પરિચય કરાવે છે.ભક્તિ હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ અને સમર્પણ જગાડે છે.વૈરાગ્ય મનુષ્યને
અનાવશ્યક આસક્તિમાંથી મુક્ત થવામાં મદદ કરે છે.
રાવણ દ્વારા સીતાનું હરણ કરવામાં આવ્યું તે પ્રસંગને આ દ્રષ્ટિએ સમજીએ તો મોહરૂપી રાવણ ભક્તિરૂપી સીતાને પોતાની કેદમાં રાખે છે. જ્યારે મનુષ્ય મોહ-લોભ અને અહંકારમાં ફસાઈ જાય છે ત્યારે તેની ભક્તિ નબળી પડી શકે છે અને જ્ઞાન તથા ભક્તિ વચ્ચેનું સંતુલન ખોરવાય છે.આથી ભક્તિની રક્ષા માટે મોહનો નાશ કરવો જરૂરી છે.જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્યનો સમન્વય થાય ત્યારે મનુષ્યનું જીવન આધ્યાત્મિક માર્ગે આગળ વધે છે. રાવણના વિશાળ રાક્ષસી પરિવારમાં વિભીષણનું પાત્ર વિશેષ મહત્વ ધરાવે છે.વિભીષણ રાવણનો ભાઈ હોવા છતાં અધર્મનો વિરોધ કરે છે અને શ્રીરામનો આશ્રય સ્વીકારે છે.દશરથ જ્ઞાનવાન જીવનું જ્યારે વિભીષણ જ્ઞાન મેળવવા આતુર એવા જિજ્ઞાસુ જીવનું પ્રતીક છે.દશરથનો જીવ કૈકેયીના મોહમાં ફસાઈને રામને વનવાસ આપે છે જ્યારે વિભીષણ સત્યની શોધમાં રામનો આશ્રય સ્વીકારે છે. વિભીષણની યાત્રામાં હનુમાનજીનું પાત્ર પણ મહત્વપૂર્ણ છે.હનુમાનજી સંત-સેવક અને ભક્તિના પ્રતીક છે.પ્રતીકાત્મક રીતે આ યાત્રાને સમજીએ તો જિજ્ઞાસુ જીવને પહેલાં સંતનો સત્સંગ મળે છે ત્યારબાદ સદગુરૂના જ્ઞાનનો આશ્રય પ્રાપ્ત થાય છે અને પછી તેના અંતરમાં અવિચળ ભક્તિ વિકસે છે.
જ્ઞાનપ્રાપ્તિનો હેતુ માત્ર જાણકારી મેળવવાનો નથી પરંતુ કામ,ક્રોધ,લોભ,મોહ અને અહંકાર જેવી વૃત્તિઓમાંથી મુક્ત થવાનો છે.વિભીષણનું પાત્ર આપણને શીખવે છે કે સત્યનો સ્વીકાર કરવા માટે જૂની આસક્તિઓ અને ખોટી વફાદારીઓ છોડવાની હિંમત હોવી જોઈએ. રાવણ દ્વારા દેવતાઓને કેદમાં રાખવાના પ્રસંગોનું પણ પ્રતીકાત્મક ચિંતન કરીએ તો મોહની શક્તિ મોટા મોટા વિદ્વાનો-જ્ઞાનીઓ અને દેવતાઓને પણ પોતાના બંધનમાં રાખી શકે છે.મનુષ્ય ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરે છતાં જો તે મોહ-અહંકાર અને સ્વાર્થથી મુક્ત ન થાય તો તેનું જ્ઞાન જીવનમાં સાચું પરિવર્તન લાવી શકતું નથી.આવા બંધનમાંથી મુક્ત થવા માટે સત્યનું જ્ઞાન અને યોગ્ય માર્ગદર્શન જરૂરી છે. સદગુરૂનું જ્ઞાન મનુષ્યને પોતાના સ્વરૂપની ઓળખ કરાવે છે,અજ્ઞાન દૂર કરે છે અને જીવનને સત્ય તથા ભક્તિના માર્ગે દોરી જાય છે.
દશેરા એટલે દસ ઇન્દ્રિયોને માયામાંથી હટાવી પરમાત્મા તરફ વાળવી..
દશેરા આસુરી શક્તિ પર દૈવી શક્તિના અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે.દશેરાનો એક પ્રતીકાત્મક અર્થ દસ ઇન્દ્રિયોને વિષયાસક્તિમાંથી હટાવી જ્ઞાન અને ભક્તિના માર્ગે વાળવાનો છે.મોહરૂપી રાવણ સામાન્ય શત્રુ નથી,તેને વારંવાર હરાવવાનો પ્રયત્ન કરવા છતાં તે ફરી માથું ઊંચકે છે,તેનો અર્થ એ છે કે મનુષ્ય કોઈ એક ક્ષણે દુર્ગુણ પર કાબૂ મેળવે છતાં યોગ્ય સાવચેતી ન રાખે તો તે ફરી મોહમાં ફસાઈ શકે છે.આથી દસ ઇન્દ્રિયોની શક્તિને સદમાર્ગે વાળવી જરૂરી છે. આંખો દ્વારા પરમાત્માનું સ્મરણ અને સદગુણોનું દર્શન કરવું, કાન દ્વારા હરિચરિત્ર,સત્સંગ અને જ્ઞાનવર્ધક વચનો સાંભળવાં, જીભ દ્વારા પરમાત્માના ગુણગાન અને સત્યવચન બોલવાં, હાથ દ્વારા સેવા, પરોપકાર અને સત્કાર્યો કરવાં, પગ દ્વારા સત્સંગ-સેવા અને સદકાર્યો તરફ આગળ વધવું, નાક,ત્વચા તથા અન્ય ઇન્દ્રિયોના વિષયોમાં પણ સંયમ અને પવિત્રતા જાળવવી. ઇન્દ્રિયસંયમનો અર્થ ઇન્દ્રિયોને દબાવી દેવાનો નથી પરંતુ તેમની શક્તિને અનિયંત્રિત ભોગ વિલાસમાંથી હટાવીને સત્ય,ભક્તિ,સેવા અને કલ્યાણમાં લગાડવાનો છે.આ રીતે દસ ઇન્દ્રિયો પર વિવેકપૂર્ણ
સંયમ સ્થાપિત કરવો એ દશેરાના આધ્યાત્મિક સંદેશનું મહત્વ છે.
મોહરૂપી રાવણનો અંત થતાં જ્ઞાનરૂપી રામ અને ભક્તિરૂપી સીતા ફરી અયોધ્યા એટલે કે દેહરૂપી જીવનમાં પાછાં ફરે છે,આ પ્રતીકાત્મક અર્થઘટન પ્રમાણે દશેરા પછી દિવાળી આવવાનો આધ્યાત્મિક સંદેશ એ છે કે આંતરિક દુર્ગુણો પર વિજય મેળવ્યા પછી જીવનમાં જ્ઞાન-ભક્તિ અને શાંતિનો પ્રકાશ પ્રગટે છે. દશેરા આપણને મોહ-અહંકાર અને દુર્ગુણોનો ત્યાગ કરવાની પ્રેરણા આપે છે,જ્યારે દિવાળી આંતરિક પ્રકાશ-આનંદ અને સદગુણોની સ્થાપનાનું પ્રતીક બને છે.
ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો તેની સ્મૃતિમાં આપણે દર વર્ષે રાવણનું પૂતળું બાળીએ છીએ પરંતુ આ પર્વની સાચી સાર્થકતા ત્યારે છે જ્યારે આપણે પોતાના અંતરમાં રહેલા કામ,ક્રોધ,મદ,લોભ,મોહ, મત્સર,કપટ,દંભ,ઈર્ષ્યા અને દ્વેષ જેવા દુર્ગુણોને દૂર કરવાનો પ્રયત્ન કરીએ.આ વિજયાદશમીએ સંકલ્પ કરીએ કે ઇન્દ્રિયોનો ઉપયોગ સત્ય,જ્ઞાન,ભક્તિ અને સેવા માટે કરીશું. મોહને બદલે વિવેક, અહંકારને બદલે વિનમ્રતા, દ્વેષને બદલે પ્રેમ અને સ્વાર્થને બદલે પરોપકારને જીવનમાં સ્થાન આપીશું.
સાચો દશેરો એ છે જ્યારે દસ ઇન્દ્રિયો કુમાર્ગમાંથી પાછી ફરીને જ્ઞાન અને ભક્તિના સુમાર્ગે ચાલે. સાચો વિજય એ છે જ્યારે મોહરૂપી રાવણનો અંત થાય અને જીવનમાં જ્ઞાનરૂપી રામ તથા ભક્તિરૂપી સીતા ફરીથી બિરાજે. આ દશેરાએ બહારના રાવણના દહનની સાથે પોતાના અંતરમાં રહેલી આસુરી વૃત્તિઓનો પણ નાશ કરીએ અને જ્ઞાન,ભક્તિ,વૈરાગ્ય,સેવા તથા સદાચારથી જીવનને ઉજ્જવળ બનાવીએ.
આલેખન:
વિનોદભાઈ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫ (મો)




