(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
આજના આધુનિક યુગમાં ટેકનોલોજીની કહેવાતી પ્રગતિ હવે માનવજાત માટે એક અનિયંત્રિત ડિજિટલ જેલ
બની ચૂકી છે. આપણે સ્માર્ટફોન, આઈપેડ, સ્માર્ટ હોમ ડિવાઈસીસ અને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ વાપરીને પોતાની
જાતને આધુનિક અને સુરક્ષિત માનીએ છીએ. પરંતુ વાસ્તવમાં આપણે એક કાચના ઘરમાં વસીએ છીએ જ્યાં અદ્રશ્ય
શિકારીઓ ચોવીસે કલાક આપણી દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા છે.
જ્યારે એક નાગરિક પોતાની કોઈપણ ભૂલ કે બેદરકારી વગર, માત્ર સામાન્ય સમાચાર વાંચતી
વખતે સ્ક્રીન પર દેખાતી જાહેરાતથી ગુલામ બની જતો હોય, ત્યારે સ્પષ્ટ થાય છે કે ડિજિટલ દુનિયામાં માનવ
અધિકારો અને કાયદાનું શાસન સંપૂર્ણપણે પડી ભાંગ્યું છે. માત્ર કાગળ ઉપર પ્રતિબંધો લાદવાથી કે કેન્ડિરુ જેવી
કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાથી કશું જ વળવાનું નથી.
કારણ કે આ કંપનીઓ રાતોરાત નવા નામે અને નવી એજન્સીઓ ઊભી કરીને ફરી મેદાનમાં આવી જાય છે.
જ્યાં સુધી સાયબર એટેક ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જૈવિક કે રાસાયણિક હથિયારો જેટલો જ ગેરકાયદે અને ઘાતક
જાહેર કરવામાં નહીં આવે, અને જ્યાં સુધી નફાખોર બિગ-ટેક કંપનીઓને તેમની જાહેરાતો દ્વારા ફેલાતા માલવેર
(ખરાબ સોફ્ટવેર એક પ્રકારનો વાયરસ જે ડેટાને ખતમ કરે છે.)
માટે સીધી રીતે ગુનાહિત જવાબદાર નહીં ઠેરવવામાં આવે, ત્યાં સુધી પૃથ્વી પરનો કોઈપણ સ્માર્ટફોન
વપરાશકર્તા સલામત નથી. આ "ઝીરો-ક્લિક" સાયબર હુમલો એ સમગ્ર માનવજાત માટે અત્યંત જોખમી રેડ એલર્ટ
છે. અગાઉના સમયમાં સાયબર હુમલાખોરોને તમારો ફોન નંબર કે ઈમેઈલ આઈડી જોઈતા હતા, ત્યારે તેઓ ફિશિંગ
ઈમેઈલ કે SMS મોકલતા હતા. જેમાં યુઝરની (વપરાશકાર) ની સતર્કતા કામ આવી શકતી હતી.




