૨૪૦૦ વધારાની બસો અને ૮૦૦૦થી વધુ ટ્રીપનું આયોજન દિવાળી ટાણે મુસાફરોની ભીડ હળવી કરવા એસટી નિગમનો માસ્ટરપ્લાન વતન જતા પ્રવાસીઓની સુવિધાર્થે ૪થી ૭ નવેમ્બર દરમિયાન વિશેષ સંચાલન; સુરતથી સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત રૂટ પર ભાર
દિવાળીના તહેવાર નિમિત્તે વતન જતા મુસાફરોના વધતા જતા ધસારાને પહોંચી વળવા માટે ગુજરાત એસટી નિગમ દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
તહેવારના દિવસોમાં વતન તરફ પ્રયાણ કરનારા પ્રવાસીઓને પરિવહનની યોગ્ય સુવિધા મળી રહે તે માટે કુલ ૨૪૦૦ વધારાની બસો દોડાવવાનો ર્નિણય લેવાયો છે. ખાસ કરીને સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરોની સગવડ માટે ૮ હજારથી વધુ વધારાની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે.
એસટી નિગમ દ્વારા આગામી તા. ૪ થી ૭ નવેમ્બર દરમિયાન આ વધારાની બસોનું સુચારુ સંચાલન કરવામાં આવશે. આ વિશેષ વ્યવસ્થાના અમલીકરણથી ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ તરફ જતા મુસાફરોને મોટી રાહત અનુભવાશે.
આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર સહિતનાં શહેરો તરફ પણ વધારાની બસો દોડાવવામાં આવશે.
સુરતમાં રોજગાર અર્થે સ્થાયી થયેલા ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના મુસાફરો દિવાળીના પર્વ પર મોટી સંખ્યામાં વતન જતા હોય છે, તેમજ પંચમહાલ અને ઉત્તર ગુજરાત તરફ પ્રવાસ કરતા નાગરિકોને પણ આ વધારાની બસોનો પૂરતો લાભ મળશે. તહેવારોની આ ભાગદોડ વચ્ચે મુસાફરોને ટિકિટ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મુસાફરો વધારાની બસોમાં મુસાફરી કરવા માટે નિગમની વિભાગીય કચેરીઓ અને ડેપો પરથી તેમજ જીએસઆરટીસી (GSRTC) ની અધિકૃત વેબસાઇટ www.gsrtc.in પરથી એડવાન્સ તેમજ કરંટ ઓનલાઈન બુકિંગ કરાવી શકશે. આ ઉપરાંત, મુસાફરી સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૬૬૬૬૬૬ પર ૨૪ કલાક સંપર્ક સાધી શકાશે. એસટી નિગમના આ વ્યાપક આયોજનથી દિવાળીના તહેવારમાં મુસાફરોની અવરજવર અત્યંત સરળ અને સુગમ બનવાની પૂરી આશા છે.




