ગુજરાત અને પૂર્વાંચલ વચ્ચે રેલ સંપર્ક સુદ્રઢ બનશે સાબરમતી-વારાણસી નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને રેલવે બોર્ડની મંજૂરી અજમેર અને પાલનપુર સહિતના પ્રમુખ સ્ટેશનો પર સ્ટોપેજ સાથે ટૂંક સમયમાં સેવા શરૂ થવાના એંધાણ ગુજરાત તથા પૂર્વી ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ ક્ષેત્ર વચ્ચેની રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા માટે રેલવે બોર્ડ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા સાબરમતી અને વારાણસી વચ્ચે નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા માટે સત્તાવાર મંજૂરી પ્રદાન કરી દેવામાં આવી છે.
આ પ્રસ્તાવિત દૈનિક ટ્રેન સેવા શરૂ થવાથી ગુજરાત અને પૂર્વીય ઉત્તર પ્રદેશની લાંબી સફર ખેડતા પ્રવાસીઓ માટે અવરજવરનો વધુ એક સરળ વિકલ્પ ઉપલબ્ધ બનશે તેવી પૂરી આશા છે. નક્કી કરાયેલા પ્રસ્તાવિત સમયપત્રક પ્રમાણે, ટ્રેન નંબર ૧૨૨૦૬ વારાણસીથી સંધ્યાકાળે ૫:૩૦ કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રાત્રે ૮:૧૫ કલાકે સાબરમતી સ્ટેશને આવી પહોંચશે, જેમાં આશરે ૨૬ કલાક અને ૪૫ મિનિટનો સમય લાગશે. જ્યારે સામે પક્ષે, ટ્રેન નંબર ૧૨૨૦૫ સાબરમતીથી વહેલી સવારે ૫:૨૦ કલાકે ઉપડીને બીજા દિવસે સવારે ૬:૩૦ કલાકે વારાણસી પહોંચશે, જે આ મુસાફરી અંદાજે ૨૫ કલાક અને ૧૦ મિનિટમાં પૂર્ણ કરશે. હાલની સ્થિતિએ સૌથી ઝડપી ગણાતી ૨૨૫૮૬ અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ આશરે ૨૩ કલાકનો સમય લે છે, પરંતુ તે માત્ર સાપ્તાહિક ધોરણે જ દોડે છે. તદ્વિરુદ્ધ, આ નવી પ્રસ્તાવિત સાબરમતી-વારાણસી એક્સપ્રેસ દરરોજ નિયમિત રૂપે દોડશે, જાેકે તેનો મુસાફરીનો સમય બંને દિશામાં થોડો લંબાયેલો રહેશે, જેથી આગામી સમયમાં તેની ઝડપમાં વધારો કરવાની પૂરતી સંભાવનાઓ રહેલી છે. આ મહત્ત્વપૂર્ણ ટ્રેન ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત રાજ્યના અનેક અગ્રણી તથા વ્યૂહાત્મક સ્ટેશનોને પરસ્પર સાંકળશે. તેના નિર્ધારિત કોમર્શિયલ સ્ટોપેજમાં મિર્ઝાપુર, સુબેદારગંજ, ગોવિંદપુરી, ટુંડલા જંક્શન, ઇદગાહ આગ્રા જંક્શન, ભરતપુર, નદબઇ, ખેડલી, મંડાવર મહવા રોડ, બાંદીકુઈ, ગાંધીનગર જયપુર, જયપુર, કિશનગઢ, અજમેર, બ્યાવર, ફાલના, આબુ રોડ, પાલનપુર તેમજ મહેસાણાનો સમાવેશ કરાયો છે. સંબંધિત રેલવે ઝોનને રેલવે બોર્ડ દ્વારા સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા છે કે શક્ય એટલી વહેલી તકે અનુકૂળ તારીખે આ સુવિધાનો પ્રારંભ કરવામાં આવે અને તેનો વ્યાપક સ્તરે પ્રચાર પ્રસાર કરાય. નિયમિત ધોરણે સેવાઓ શરૂ થાય તે પૂર્વે વિશેષ રેલ સેવાના રૂપમાં તેનું એક ઉદ્ઘાટન ફેરૂ પણ ચલાવવામાં આવી શકે છે. આ સમગ્ર ટ્રેનને કુલ ત્રણ એલએચબી રેક સાથે સંચાલિત કરવાનો પ્રસ્તાવ છે, જેનું યોગ્ય મેઇન્ટેનન્સ વારાણસી ખાતે કરવામાં આવશે. આ ઉપરાંત, આગામી સંચાલન માટે જયપુર ખાતે વોટરિંગ સ્ટેશનની વિશેષ વ્યવસ્થા નિયુક્ત કરવામાં આવી છે.




