આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા મોડેમોડેથી દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી છેલ્લા દોઢ મહિનાથી સતત દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી રહી હતી, પરંતુ ત્યારે ભાજપના નેતાઓ દુષ્કાળ ન હોવાનું રટણ કરતા હતા. અંતે, દ્વારકા જિલ્લાની ભાડથર પેટા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની થયેલી હાર અને જનતાના ભારે રોષના કારણે સરકારની બુદ્ધિ ઠેકાણે આવી છે અને મજબૂરીવશ દુષ્કાળ સ્વીકારવો પડ્યો છે. હાલમાં ગુજરાતભરમાં પશુપાલકો માટે પૂરતો પશુઘાસારો નથી, અને હજુ ઉનાળો બાકી હોવાથી પીવાનું પાણી, વીજળી અને ઘાસારાની ત્રણેય મોટી સમસ્યાઓ માથું ઊંચકી રહી છે, છતાં સરકાર પાસે કોઈ નક્કર આયોજન નથી.
સરકારે ખેડૂતો માટે જે ૮૫૦૦ રૂપિયાની સહાય જાહેર કરી છે તે ખેડૂતોની મજાક સમાન છે. એક તરફ ભાજપના નાનામાં નાના પેજ પ્રમુખો રોડ, ગટર, પાણી અને વૃક્ષો કાપવાના કોન્ટ્રાક્ટ્સમાં વર્ષે દહાડે દોઢ-બે કરોડ રૂપિયાની કટકી કરી જાય છે, ત્યારે ખેડૂતોને મહિનાના માંડ ૮૫૦૦ રૂપિયા આપીને લાચાર બનાવવામાં આવી રહ્યા છે. આ સહાય ખૂબ જ અપૂરતી છે અને તેના બદલે ખેડૂતોને સન્માનજનક અને નુકસાન મુજબનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ. માત્ર માલિક જ નહીં, પરંતુ ખેતી કરનાર ભાગિયાઓ અને ખેત મજૂરોને પણ આર્થિક સહાય મળવી અનિવાર્ય છે. ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિથી નુકસાન પામેલા તમામ ખેડૂતો માટે વ્યાપક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી અમારી પ્રબળ માંગ છે.
https://www.facebook.com/share/v/1TC3JW4RXT/




