આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકાર સમક્ષ ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવ્યું છે કે રાજ્યમાં અપૂરતા વરસાદને કારણે ભયંકર દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે અને માત્ર ચાર જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કરવાને બદલે આખા સૌરાષ્ટ્ર અને પોણા ગુજરાતના ખેડૂતોને રાહત આપવી જોઈએ. આ કુદરતી આપત્તિના સમયનો સદુપયોગ કરીને સરકારે આખો શિયાળો અને ઉનાળો ખેડૂતોને ગુજરાતના તમામ મોટા ડેમો, ચેકડેમો અને તળાવોમાંથી કાંપ (માટી/ગાળ) કાઢવાની છૂટ આપવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે વર્ષોથી ડેમોમાં કાંપ ભરાવાને કારણે પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટી ગઈ છે, ત્યારે ખેડૂતો જો આ કાંપ કાઢીને પોતાના ખેતરોમાં નાખે તો ખેતરોની ફળદ્રુપતા વધશે, આગામી ચોમાસા માટે ડેમોની પાણી સંગ્રહ શક્તિ (બમણી) થશે અને બેકાર બેસવા કરતાં ખેડૂતોને આખો શિયાળો-ઉનાળો રોજીરોટી તથા કામ મળી રહેશે.
વધુમાં સરકારની બેવડી નીતિ સામે આક્રોશ વ્યક્ત કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે રેતી માફિયાઓ અને ખનીજચોરો બેરોકટોક ડુંગરાઓ, જંગલો અને નદીઓમાંથી ખનીજ લૂંટી રહ્યા છે ત્યારે જો કોઈ ખેડૂત પોતાના ખેતરમાં બે-ચાર ટ્રેક્ટર કાંપ ભરીને લઈ જાય તો તેમાં કોઈ રોકટોક ન હોવી જોઈએ. ભાજપ સરકાર અને તેના ધારાસભ્યો-સાંસદોએ પણ ખેડૂતોના આ હિતમાં આગળ આવીને પોતાના લેટરપેડ પર સરકારને રજૂઆત કરવી જોઈએ જેથી ડેમોમાંથી કાંપ કાઢવાની સત્તાવાર છૂટ મળે અને કાઠિયાવાડના ખેડૂતોનો ધંધો-રોજગાર તથા ખેતી બેઠી થઈ શકે.




