(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આજે દેશના યુવાનો પહેલેથી જ બેરોજગારીના ભાર હેઠળ દબાયેલા છે. સરકારી નોકરી મેળવવા માટે વર્ષો સુધી મહેનત, તૈયારી અને આર્થિક સંઘર્ષ કરવો પડે છે. ભરતીની અનિશ્ચિતતા અને પરીક્ષાઓમાં થતી ગેરરીતિથી યુવાનોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. આવી સ્થિતિમાં રોજગારની તકને વિરોધ પ્રદર્શન સાથે જોડવાથી યુવાનોમાં ભય અને અસલામતી વધવાની શક્યતા છે. સરકારની જવાબદારી યુવાનોને રોજગાર આપવાની અને ભરતી પ્રક્રિયા પારદર્શક બનાવવાની છે, તેમની વાણી પર નિયંત્રણ મૂકવાની નહીં.
યોગી સરકાર જો ખરેખર હિંસા અટકાવવા માગતી હોય તો કાયદાનો નિષ્પક્ષ અમલ કરે, હિંસામાં સામેલ લોકોને પુરાવાને આધારે સજા અપાવે અને શાંતિપૂર્ણ વિરોધને પૂરતું રક્ષણ આપે. નિયમો એવા હોવા જોઈએ કે તેનો દુરુપયોગ કરીને સરકારના ટીકાકારોને નિશાન બનાવી ન શકાય. સત્તામાં બેઠેલા લોકોએ એ પણ યાદ રાખવું જોઈએ કે આજે જે વિરોધ પક્ષમાં છે તે આવતીકાલે સત્તામાં આવી શકે છે અને આજે જે સત્તામાં છે તે કાલે વિરોધ પક્ષમાં હોઈ શકે છે.
લોકશાહીની કસોટી સરકારની ટીકા કેટલી થાય છે તેમાં નહીં, પરંતુ સરકાર ટીકા સહન કરવાની કેટલી ક્ષમતા ધરાવે છે તેમાં છે. હિંસા રોકવી સરકારની ફરજ છે, પરંતુ અસહમતિને દબાવવી તેનો અધિકાર નથી. યુવાનોને સરકારી નોકરીની તક તેમના ચારિત્ર્ય, લાયકાત અને ક્ષમતાના આધારે મળવી જોઈએ, સરકાર પ્રત્યેની તેમની અસહમતિના આધારે નહીં. કારણકે જે દેશમાં રોજગાર મેળવવાની આશા રાખતો યુવાન ન્યાય માટે અવાજ ઉઠાવતા પણ ડરવા લાગે, ત્યાં લોકશાહી માત્ર બંધારણના પાનામાં જ જીવંત રહી જાય એવો ખતરો ઊભો થાય છે.




