મુંબઈમાં પ્રદૂષણ-મુક્ત દિવાળીના અભિયાનને લઈને રાજકીય વિવાદ બીએમસીએ અભિનેત્રી દિયા મિર્ઝાનો વીડિયો હટાવ્યો
મુંબઈમાં વધી રહેલા વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લેવા તથા બોમ્બે હાઈકોર્ટના નિર્દેશો અનુસાર બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા એક વિશેષ પ્રદૂષણ મુક્ત દિવાળી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત દિયા મિર્ઝા, માધુરી દીક્ષિત, નિશિગંધા વાડ અને ક્રિકેટર અજિંક્ય રહાણે જેવી જાણીતી હસ્તીઓના પ્રમોશનલ વીડિયો બીએમસીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર અપલોડ કરવામાં આવ્યા હતા, જેને લઈને મોટો રાજકીય વિવાદ સર્જાયો છે.
મુંબઈ ભાજપના અધ્યક્ષ અમીત સાતમે સોશિયલ મીડિયા પર અભિનેત્રી દિયા મિર્ઝાના આ અભિયાનમાં સામેલ થવા સામે આકરો વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપણે દિવાળી કેવી રીતે ઉજવવી તે દિયા મિર્ઝા પાસેથી શીખવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સમૃદ્ધ છે. આ રાજકીય દબાણ વધતા બીએમસી કમિશનર અશ્વિની ભીડે દ્વારા રવિવારે દિયા મિર્ઝાનો વીડિયો હટાવી લેવામાં આવ્યો હતો, જાેકે અન્ય હસ્તીઓના વીડિયો યથાવત રાખવામાં આવ્યા હતા.
આ પગલાં બાદ મુંબઈના મેયર ઋતુ તાવડે અને મંત્રી નીતિશ રાણેએ દિયા મિર્ઝા પર આકરા પ્રહાર કર્યા હતા, જ્યારે શિવસેના (MNS)ના નેતા કિશોરી પેડણેકર અને મનસે (UBT) દ્વારા ભાજપની નીતિની ટીકા કરવામાં આવી હતી.
આ સમગ્ર વિવાદ પર પ્રતિક્રિયા આપતા દિયા મિર્ઝાએ દુ:ખ વ્યક્ત કર્યું હતું કે આ વીડિયો સંપૂર્ણપણે હાઈકોર્ટ અને બીએમસી દ્વારા જનહિતમાં શૂટ કરાયો હતો અને આ માટે તેમણે એક પણ રૂપિયાની ફી લીધી નહોતી.




