ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી બંગાળની ખાડીમાં તોફાની મુરાસુ વાવાઝોડું સક્રિય આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ૩ નવેમ્બરની સવારે લેન્ડફોલની શક્યતા; ૧૦૦થી ૧૧૦ કિમીની ઝડપે ફૂંકાશે પવન
દિવાળી પહેલાં દેશના હવામાનમાં ફરી પલટો આવવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ચક્રવાતી તોફાન મુરાસુ વધુ તીવ્ર બનતાં દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું ૨ નવેમ્બરની મોડી રાતથી ૩ નવેમ્બરની વહેલી સવાર દરમિયાન આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, મુરાસુ વાવાઝોડું નેલ્લોર અને નરસાપુર વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ ૧૦૦થી ૧૧૦ કિમી પ્રતિ કલાક રહેવાની અને ઝટકાની ઝડપ ૧૨૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. વાવાઝોડાની અસરથી આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ૨ નવેમ્બરના રોજ ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં વરસાદ અને ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા, કર્ણાટક, સિક્કિમ અને આસામમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.
કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે. હવામાનમાં આવેલા ફેરફારને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
IMD ના અહેવાલ પ્રમાણે, ૨ નવેમ્બરની વહેલી સવારે મુરાસુ ચેન્નાઈથી આશરે ૨૬૦ કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં સક્રિય હતું. વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું હતું. તેની અસરથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પવનની ગતિ વધવાની શક્યતા છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ વરસાદ અને ગાજવીજ સાથે પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે ઠંડીનો અહેસાસ વધશે.
ઉત્તરપ્રદેશના ઉન્નાવ, હરદોઈ, ઇટાવા, હમીરપુર, અમેઠી, મેરઠ અને મોરાદાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જ્યારે બિહારના સુપૌલ, પૂર્ણિયા, કિશનગંજ, જહાનાબાદ, પટના, ભોજપુર, ગયા અને ગોપાલગંજમાં પણ વરસાદ પડી શકે છે. વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂર છે. હવામાન વિભાગની તાજી સૂચનાઓ પર નજર રાખવી હિતાવહ છે.




