સુપ્રીમ કોર્ટની વિરોધ પ્રદર્શન કરનારાઓને સ્પષ્ટ ચેતવણી આંદોલનના નામે કોઈ જગ્યા પર કાયમી કબજાે ન કરી શકાય વિરોધ કરવાનો અધિકાર અન્ય નાગરિકોના અધિકારો કરતાં મોટો ન હોઈ શકે; નિર્ધારિત સમયમર્યાદામાં જ પ્રદર્શનની મંજૂરી આપવા સૂચન
દેશમાં વિરોધ પ્રદર્શન અને આંદોલનોને લઈને સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે વિરોધ કરવાનો અધિકાર દરેક નાગરિકને છે, પરંતુ તેના નામે કોઈ એક જૂથ જાહેર સ્થળ પર અનિશ્ચિત સમય સુધી કબજાે જમાવી શકે નહીં. વિરોધ પ્રદર્શનના અધિકાર અને સામાન્ય નાગરિકોના અધિકારો વચ્ચે સંતુલન જળવાવું જરૂરી છે. દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને કારણે વેપાર-ધંધા પર થતી અસર અંગે દાખલ અરજીઓની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ ટિપ્પણી કરી હતી.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે કોઈ પણ સંગઠન કે જૂથને નિર્ધારિત વિરોધ સ્થળ પર કાયમી કબજાે કરવાનો અધિકાર નથી. ખેડૂતો, પત્રકારો અને અન્ય સંગઠનોને પણ વિરોધ કરવાનો અધિકાર છે. તેથી એક જૂથને અનિશ્ચિત સમય સુધી એક જ સ્થળે વિરોધ કરવાની મંજૂરી આપી શકાય નહીં.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન માટે નિર્ધારિત સમયગાળો હોવો જાેઈએ. પ્રદર્શનને મંજૂરી આપતા અથવા નકારતા સત્તાધિકારીઓએ પોતાના ર્નિણય પાછળનાં કારણો પણ સ્પષ્ટ કરવાં જાેઈએ. કોઈ એક સંગઠન વિરોધ કરી રહ્યું હોય તો અન્ય સંગઠનોને ત્યાં વિરોધ કરતાં રોકી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટમાં વેપારી સંગઠનો દ્વારા દાખલ અરજીઓમાં વિરોધ પ્રદર્શનને કારણે વેપાર-ધંધા પર થતી અસરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. વેપારીઓના વકીલે રજૂઆત કરી હતી કે વિરોધ સ્થળની આસપાસના વિસ્તારોમાં અંદાજે ૫૦ લાખ લોકો વસે છે.
તેમના જણાવ્યા અનુસાર, દેખાવોને કારણે આસપાસની દુકાનો બંધ રાખવાની સ્થિતિ સર્જાય છે અને કનોટ પ્લેસ જેવા વ્યસ્ત વ્યાપારી વિસ્તારમાં પણ ખરીદી માટે લોકોની અવરજવર ઘટી જાય છે. આ ઉપરાંત પોલીસ દ્વારા કથિત બળપ્રયોગ, મોટા પાયે અટકાયત, મેટ્રો સ્ટેશન બંધ કરવા અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાના મુદ્દાઓ પણ અરજીઓમાં ઉઠાવવામાં આવ્યા હતા.
દિવાળીના તહેવારો દરમિયાન વિરોધ પ્રદર્શન રોકવાની માગ સાથે દિલ્હી કિરાના કમિટી દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને નોટિસ પાઠવી હતી.
જાેકે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે વિરોધ પ્રદર્શનો સાથે સંકળાયેલા સંગઠનોને કેસમાં પક્ષકાર બનાવ્યા વિના વેપારીઓની ફરિયાદો અંગે અંતિમ ર્નિણય લઈ શકાય નહીં. વેપારી સંગઠનોને મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધના વિરોધ પ્રદર્શનના આયોજકોને પણ કેસમાં પક્ષકાર બનાવવા સૂચના આપવામાં આવી હતી.
આ સુનાવણી એવા સમયે થઈ રહી છે જ્યારે કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલાં જ જંતર-મંતરને નિર્ધારિત વિરોધ સ્થળોની યાદીમાંથી દૂર કર્યું હતું. તેના વિકલ્પ તરીકે રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને CBD ગ્રાઉન્ડને વિરોધ પ્રદર્શન માટેનાં સ્થળ તરીકે ઓળખવામાં આવ્યાં છે.
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીથી ફરી એકવાર જાહેર સ્થળો પર વિરોધ પ્રદર્શન કરવાની મર્યાદા, સામાન્ય નાગરિકોની સુવિધા અને લોકશાહી અધિકારો વચ્ચે સંતુલન જાળવવાની ચર્ચા શરૂ થઈ છે.




