ભારતીય ઓટો રિક્ષાનું બ્રિટિશ કપલને ઘેલું ચેન્નાઈથી ખરીદેલી ઓટો હવે લંડનની સડકો પર દોડશે ભારતમાં ૪,૨૧૮ કિલોમીટરની સફર કરનાર હેલેન અને મિક છ મહિના બાદ ઓટો સાથે લંડન પહોંચ્યા ઘણા વિદેશીઓ ભારત પ્રવાસે આવતાં હોય છે અને અહીંથી પરત ફરતી વખતે તેમની સાથે નાની-મોટી યાદો લઈ જતા હોય છે. પરંતુ આ દરમિયાન એક વિદેશી કપલે જે કર્યું, તેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.બ્રિટનના કપલે ભારત પ્રત્યેના પોતાના અનોખા લગાવનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચેન્નાઈથી ખરીદેલી ઓટો રિક્ષા હવે લંડનની સડકો પર દોડાવશે. કપલે ઓટો રિક્ષાને ટિમ્મી નામ આપ્યું છે, તે હવે ભારતમાં ૪,૨૧૮ કિલોમીટરની સફર બાદ લંડન પહોંચી ગઈ છે. કપલે આ લાલ રંગની ઓટો દ્વારા રાજસ્થાન, આગ્રા અને શ્રીલંકા સુધી પ્રવાસ કર્યાે હતો. તેઓ તેનાથી એટલા પ્રભાવિત થયા કે દરિયાઈ માર્ગે શિપિંગ કરાવીને તેને પોતાની સાથે યુકે લઈ ગયા હતા. છ મહિનાના શિપિંગ પછી ઓટો રિક્ષા લંડન પહોંચી હતી. આ દંપતીનું નામ હેલેન અને મિક છે. બંનેએ ચેન્નાઈમાં લાલ રંગની એક ઓટો રિક્ષા ખરીદી હતી. જેનું નામ તેમણે રાખ્યું. ઓટો પર કાર્ટૂન જેવી આંખો અને સ્માઇલ બનાવેલી છે. ભારતમાં પોતાના પ્રવાસ દરમિયાન આ કપલે ઇન્સ્ટાગ્રામ પર ઓટોનું એક યુઝર આઈડીથી એકાઉન્ટ પણ બનાવ્યું હતું.આ એકાઉન્ટ પર ૧૭ હજારથી વધુ ફોલોઅર્સ છે અને ૧૦૦થી પોસ્ટ કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ કપલે ઓટો દ્વારા ભારતમાં કરેલી મુસાફરી સાથે જાેડાયેલા વીડિયો પોસ્ટ કર્યા છે. કપલે આ ઓટો દ્વારા ઉત્તર ભારતથી લઈને શ્રીલંકા સુધીના રૂટ પર મુસાફરી કરી હતી. તેઓ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દક્ષિણ ભારતના જુદા જુદા ભાગોમાં આ જ ઓટો લઈને ગયા હતા. તેઓ ઓટો ચલાવીને ગોવાના બીચ સુધી પણ પહોંચ્યા હતા.




