યુવકોના ક્ષતવિક્ષત મૃતદેહો મળતાં કુકી સમુદાયમાં ભારે આક્રોશ, રસ્તાઓ પર આગચંપી અને પથ્થરમારો
મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી જાતીય હિંસા વચ્ચે બે કુકી યુવકોની ઘાતકી હત્યાની ઘટનાએ ફરી રાજ્યમાં તણાવ વધારી દીધો છે. કાંગપોકપી જિલ્લામાં રહેતા ટી. ચોંગલોઈ (૨૧) અને પાઓગિનલાલ હેંગશિંગ (૨૦)ના ક્ષતવિક્ષત મૃતદેહો પડોશી સેનાપતિ જિલ્લાના પહાડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા. આ ઘટનાથી કુકી સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે અને અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયાં છે.
હત્યાના વિરોધમાં કુકી સંગઠન કમિટી ઓન ટ્રાઇબલ યુનિટી (COTU)એ અગાઉ જાહેર કરેલા ૨૪ કલાકના બંધને વધુ ૪૮ કલાક લંબાવવાની જાહેરાત કરી છે. બીજી તરફ, વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
મળતી માહિતી અનુસાર, તાફોઉ કુકી ગામના રહેવાસી ટી. ચોંગલોઈ અને પાઓગિનલાલ હેંગશિંગ ૨૯ ઑક્ટોબરથી ગુમ હતા. બંને યુવકોની શોધખોળ દરમિયાન રવિવારે સવારે સેનાપતિ જિલ્લાના પહાડી વિસ્તારમાં આવેલા કેળાના બગીચામાંથી બોરીઓમાં ભરેલા તેમના મૃતદેહો મળી આવ્યા હતા.
મૃતદેહોની હાલત અત્યંત ખરાબ હોવાનું જણાવાયું છે. આ ઘટનાને પગલે કુકી સંગઠનોએ ન્યાય અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે. COTU રાજ્યપાલ અને વહીવટી તંત્ર પર યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ પણ કર્યો છે.
બંને યુવકોના મૃતદેહો મળ્યા બાદ કાંગપોકપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. પ્રદર્શનકારીઓએ રસ્તાઓ પર ટાયર સળગાવ્યા હતા તેમજ લાકડાં અને મોટા પથ્થરો મૂકીને વાહનવ્યવહાર અવરોધ્યો હતો.
સોમવારે સ્થિતિ વધુ વણસી હતી. રસ્તા પરથી અવરોધો દૂર કરાવવા પહોંચેલા સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે ભીડને વિખેરવા માટે ટિયર ગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. સામે પ્રદર્શનકારીઓએ સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો.
આ અથડામણ દરમિયાન ટિયર ગેસનો શેલ વાગવાથી એક પ્રદર્શનકારીને માથામાં ઈજા થઈ હતી. જાેકે, અધિકારીઓના જણાવ્યા અનુસાર તેની હાલત સ્થિર છે.
જિલ્લામાં પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનાં સુરક્ષાદળો તહેનાત કરવામાં આવ્યાં હતાં.
બંધ લંબાવવાના ર્નિણયને કારણે સામાન્ય જનજીવન, વાહનવ્યવહાર અને સ્થાનિક વેપાર-ધંધા પર પણ અસર થવાની શક્યતા છે. સુરક્ષાદળો સતત સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.
મણિપુરમાં અગાઉથી ચાલી રહેલા જાતીય તણાવ વચ્ચે બે યુવકોની હત્યાએ શાંતિ સ્થાપવાના પ્રયાસો સામે નવો પડકાર ઊભો કર્યો છે. વારંવાર બનતી હિંસક ઘટનાઓને કારણે સ્થાનિક લોકોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે.
હવે સમગ્ર રાજ્યની નજર તપાસની દિશા, હત્યાના જવાબદારો સામે થનારી કાર્યવાહી અને કાંગપોકપીમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવનારા પગલાં પર છે.




