પીયૂષ ગોયલની બેઠકમાં ઝડપી મંજૂરી અને ફંડિંગ પર ભાર ભારતની બાયોઇકોનોમીને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવાની તૈયારી કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭માં જાહેર કરાયેલી ‘બાયોફાર્મા શક્તિ‘ પહેલના મહત્વ અંગે પણ ચર્ચા થઈ હતી
ભારતના બાયોટેકનોલોજી અને બાયોફાર્મા ક્ષેત્રને નવી ગતિ આપવા કેન્દ્ર સરકારે પ્રયાસો તેજ કર્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે નવી દિલ્હીના વાણિજ્ય ભવન ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમાં બાયોફાર્મા સ્ટાર્ટઅપ્સના વિકાસ, રોકાણ અને નવીન સંશોધનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં પર ચર્ચા કરવામાં આવી હતી.
DPIIT દ્વારા નીતિ આયોગ અને નીતિ ફ્રન્ટિયર ટેક હબના સહયોગથી યોજાયેલી બેઠકમાં ઝડપી નિયમનકારી મંજૂરી, સરળ પેટન્ટ અરજી પ્રક્રિયા અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ જેવા મુદ્દાઓ પર ભાર મૂકાયો હતો. પ્રસ્તાવિત રેગ્યુલેટરી સેન્ડબોક્સ દ્વારા નવી ટેક્નોલોજી અને ઉત્પાદનોના પરીક્ષણને પણ પ્રોત્સાહન મળી શકે છે.કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭માં જાહેર કરાયેલી ‘બાયોફાર્મા શક્તિ‘ પહેલના મહત્વ અંગે પણ ચર્ચા થઈ હતી. સ્ટાર્ટઅપ્સ માટે પ્રયોગશાળાઓ, પરીક્ષણ કેન્દ્રો અને ક્લિનિકલ ટ્રાયલ સુવિધાઓ જેવી સહિયારી માળખાકીય સુવિધાઓ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.
બેઠકમાં સંશોધન સંસ્થાઓ, ઉદ્યોગો અને સરકાર વચ્ચે સહયોગ વધારવા તેમજ સ્વદેશી લાઇફ સાયન્સ ઉત્પાદનને મજબૂત કરવા ચર્ચા થઈ હતી. લેબોરેટરી ઉપકરણો અને રીએજન્ટ્સના કસ્ટમ્સ ક્લિયરન્સને ઝડપી બનાવવાની જરૂરિયાત પણ રજૂ કરવામાં આવી હતી.




