ભારતીય સંસ્કૃતિમાં લાભ પાંચમનું મહત્વ
ભારતીય સંસ્કૃતિમાં દરેક તિથિ અને તહેવારની પાછળ કોઈ ને કોઈ ધાર્મિક માન્યતા-આધ્યાત્મિક ભાવના અને જીવનઉપયોગી સંદેશ રહેલો છે. કારતક સુદ પાંચમ એટલે લાભ પાંચમ જેને સૌભાગ્ય પંચમી-જ્ઞાન પંચમી કે લાભ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળીના પાવન પર્વો પૂર્ણ થયા બાદ આવતી આ તિથિ નવા સંકલ્પો, શુભ કાર્યોના પ્રારંભ, વેપાર-ધંધાની નવી શરૂઆત અને જીવનમાં સુખ-સમૃદ્ધિની મંગલકામના સાથે જોડાયેલી છે.
ગુજરાતમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. વેપારીઓ નવા વર્ષના ચોપડા ખોલીને શુભ મુહૂર્તમાં વેપારનો પ્રારંભ કરે છે. ઘરો અને દુકાનોમાં લક્ષ્મીજી તથા ગણેશજીનું પૂજન કરવામાં આવે છે પરંતુ લાભ પાંચમનો સાચો આધ્યાત્મિક અર્થ માત્ર ધન-વૈભવ કે વ્યવસાયમાં વૃદ્ધિ મેળવવા પૂરતો સીમિત નથી. જીવનમાં સદ્ગુણોનો લાભ,સદ્વિચારોનો લાભ,સત્સંગનો લાભ અને પરમાત્માના જ્ઞાનનો લાભ પ્રાપ્ત કરવો એ પણ આ પર્વનો મહત્વપૂર્ણ સંદેશ છે.
લાભ પાંચમનો શાબ્દિક અને આધ્યાત્મિક અર્થ..
‘લાભ’ એટલે પ્રાપ્ત થતું હિત-કલ્યાણ-ઉન્નતિ અને શુભ પરિણામ. જ્યારે ‘પંચમી’ એટલે શુક્લ પક્ષની પાંચમી તિથિ. આમ કારતક સુદ પાંચમનો દિવસ જીવનમાં શુભ લાભ પ્રાપ્ત કરવાની ભાવના સાથે ઉજવવામાં આવે છે પરંતુ ભારતીય દર્શન પ્રમાણે લાભનો અર્થ માત્ર ધનપ્રાપ્તિ નથી. ધનથી સુખ- સગવડ મળી શકે પરંતુ મનની શાંતિ,સંતોષ,સદબુદ્ધિ અને આત્મજ્ઞાન વિના જીવનની સાચી સમૃદ્ધિ પ્રાપ્ત થતી નથી.માણસે જીવનમાં ચાર પ્રકારના લાભ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધનલાભઃ મહેનત-પ્રમાણિકતા અને નીતિપૂર્વક ધન કમાવું, જ્ઞાનલાભ: સત્સંગ-સ્વાધ્યાય અને સદવિચારોથી જીવનને ઉજ્જવળ બનાવવું, સદગુણ લાભ: દયા,ક્ષમા,નમ્રતા,સત્ય,સંયમ અને પરોપકાર જેવા ગુણો કેળવવા, આત્મલાભ: પોતાના સાચા સ્વરૂપને ઓળખીને પરમાત્મા સાથે આત્મિક સંબંધ જોડવો. આ ચારેય લાભનું સંતુલન જ જીવનની સાચી સમૃદ્ધિ છે.
શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ ધન અને ધર્મનો સંબંધ..
ભારતીય શાસ્ત્રોમાં ધનને જીવનનિર્વાહ અને લોકકલ્યાણનું સાધન માનવામાં આવ્યું છે. ધનનો ત્યાગ કરવો એ જ આધ્યાત્મિકતા નથી પરંતુ ધનનો સદુપયોગ કરવો એ પણ ધર્મનું એક મહત્વપૂર્ણ અંગ છે.શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કર્મયોગનો ઉપદેશ આપતાં કહે છે કે મનુષ્યે આસક્તિ છોડીને પોતાનું કર્તવ્યકર્મ કરવું જોઈએ.
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયઃ૩/૧૯માં ભગવાન કહે છે કે..
अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः
स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः
જે મનુષ્ય કર્મફળની આસક્તિ રાખ્યા વિના પોતાનું કર્તવ્યકર્મ કરે છે તે જ સાચો યોગી અને સંન્યાસી છે. આ શ્લોક આપણને સમજાવે છે કે વેપાર હોય, નોકરી હોય કે કોઈ પણ વ્યવસાય હોય, દરેક કાર્ય નિષ્ઠા અને કર્તવ્યભાવથી કરવું જોઈએ. માત્ર નફો મેળવવાની લાલસા રાખવાને બદલે કાર્યમાં પ્રમાણિકતા-ન્યાય અને માનવતાને સ્થાન આપવું જોઈએ.લાભ પાંચમના દિવસે વેપારીઓ નવા ચોપડામાં ‘શુભ’ અને ‘લાભ’ લખીને નવા વ્યવસાયની શરૂઆત કરે છે. આ પરંપરાનો સાચો ભાવ એવો હોવો જોઈએ કે આપણા વ્યવહારમાં શુભતા રહે અને આપણા દ્વારા થતો લાભ કોઈના શોષણ કે અન્યાયનું કારણ ન બને.
શુભ-લાભ અને ગણેશ-લક્ષ્મી પૂજનનું મહત્વ..
હિન્દુ પરંપરામાં ભગવાન ગણેશને બુદ્ધિ-વિવેક અને વિઘ્નવિનાશક દેવતા તરીકે પૂજવામાં આવે છે જ્યારે માતા લક્ષ્મી ધન,ઐશ્વર્ય,સૌભાગ્ય અને સમૃદ્ધિનાં પ્રતીક છે. લાભ પાંચમના દિવસે ગણેશજી અને લક્ષ્મીજીનું પૂજન કરીને જીવનમાં બુદ્ધિ,સુખ,શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.આ પૂજન પાછળનો ગૂઢ સંદેશ પણ સમજવા જેવો છે. ધન આવે તેની સાથે વિવેક પણ આવવો જોઈએ. સંપત્તિ વધે તેની સાથે ઉદારતા પણ વધવી જોઈએ. વ્યવસાયનો વિકાસ થાય તેની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી
પણ વધવી જોઈએ.માત્ર ધનવાન બનવું એ સફળતા નથી પરંતુ ધનનો ઉપયોગ કરીને બીજાના જીવનમાં આનંદ અને સુખ લાવી શકવું એ સાચી સફળતા છે.શાસ્ત્રોમાં દાન-સેવા અને પરોપકારને પણ પુણ્યકર્મ ગણાવ્યાં છે તેથી કમાણીનો એક ભાગ જરૂરિયાતમંદોની સેવા, ગરીબોને સહાય, અન્નદાન, શિક્ષણ અને સમાજકલ્યાણનાં કાર્યોમાં વાપરવો જોઈએ.
જૈન પરંપરામાં જ્ઞાનપંચમીનું મહત્વ..
કારતક સુદ પાંચમનું જૈન ધર્મમાં પણ વિશેષ મહત્વ છે. શ્વેતાંબર જૈન પરંપરામાં આ દિવસને ‘જ્ઞાનપંચમી’ તરીકે ઉજવવામાં આવે છે,આ દિવસે જ્ઞાનની ઉપાસના કરવામાં આવે છે. જૈન ધર્મનાં પવિત્ર આગમો-ધાર્મિક ગ્રંથો અને હસ્તપ્રતોનું પૂજન કરવામાં આવે છે. જ્ઞાનભંડારોની સ્વચ્છતા, ગ્રંથોની જાળવણી અને સ્વાધ્યાય પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે.જૈન દર્શનમાં સમ્યક્ દર્શન-સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રને મોક્ષમાર્ગનાં ત્રણ રત્ન માનવામાં આવ્યાં છે તેમાંથી સમ્યક્ જ્ઞાન મનુષ્યને સત્યનો બોધ કરાવે છે અને યોગ્ય-અયોગ્યનો ભેદ સમજાવે છે. આ રીતે જ્ઞાનપંચમી આપણને યાદ અપાવે છે કે ભૌતિક સંપત્તિની સાથે જ્ઞાનની સંપત્તિ પણ પ્રાપ્ત કરવી જોઈએ. ધન ચોરાઈ શકે છે, નાશ પામી શકે છે પરંતુ સાચું જ્ઞાન જીવનને સતત પ્રકાશિત કરે છે.આ જ્ઞાનની ભાવના લાભ પાંચમના આધ્યાત્મિક સંદેશને પણ વધુ વ્યાપક બનાવે છે.
લાભ પાંચમની ઉજવણી અને ધાર્મિક પરંપરાઓ..
લાભ પાંચમના દિવસે લોકો પોતાની શ્રદ્ધા અને પરંપરા અનુસાર વિવિધ ધાર્મિક કાર્યો કરે છે. વહેલી સવારે સ્નાન કરીને ઘર-મંદિર અને વ્યવસાયના સ્થળની સ્વચ્છતા કરવામાં આવે છે. ભગવાન ગણેશ-માતા લક્ષ્મી અને કુળદેવી-કુળદેવતાનું પૂજન કરવામાં આવે છે.વેપારીઓ નવા ચોપડા ખોલીને સ્વસ્તિક બનાવી ‘શુભ’ અને ‘લાભ’ લખે છે. નવા વ્યવસાય-દુકાન કે કાર્યની શરૂઆત માટે શુભ સંકલ્પ કરવામાં આવે છે.મંદિરોમાં દર્શન, પૂજન, ભજન, કીર્તન અને સત્સંગ કરવામાં આવે છે.જરૂરિયાતમંદોને અન્ન-વસ્ત્ર અને અન્ય ઉપયોગી વસ્તુઓનું દાન કરવામાં આવે છે.પરિવારજનો-મિત્રો અને સ્નેહીજનોને મળીને પરસ્પર સુખ-સમૃદ્ધિની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.આ બધી પરંપરાઓનો મુખ્ય હેતુ જીવનમાં શુભતાનો સંચાર કરવો અને દરેક કાર્યની શરૂઆત ઈશ્વર સ્મરણ તથા સદભાવનાથી કરવી એ છે.
અહીં એ સમજવું જરૂરી છે કે લાભ પાંચમની ઉજવણી અને ચોપડા પૂજન મુખ્યત્વે પ્રચલિત પ્રાદેશિક ધાર્મિક પરંપરા છે તેને કોઈ એક વિશિષ્ટ વૈદિક કે પુરાણોક્ત વ્રતવિધિ તરીકે ગણાવવાને બદલે તેના ધાર્મિક-સાંસ્કૃતિક અને નૈતિક ભાવને સમજવો વધુ યોગ્ય છે.
સાચો લાભ એટલે સંતોષ અને પરમાત્માનું સ્મરણ..
માણસ આખી જિંદગી લાભ મેળવવાની દોડમાં રહે છે. ધન મેળવવું, ઘર બનાવવું, પરિવારની સુખાકારી વધારવી, વ્યવસાયમાં પ્રગતિ કરવી વગેરે જીવનની સ્વાભાવિક જરૂરિયાતો છે પરંતુ આ બધું પ્રાપ્ત કર્યા પછી પણ જો મનમાં અસંતોષ, ઈર્ષ્યા, દ્વેષ અને અહંકાર રહે તો જીવનમાં સાચો લાભ થયો કહેવાય નહીં. કબીર સાહેબે પણ સંતોષ અને સદવિચારનું મહત્વ સમજાવતાં કહ્યું છે કે મનુષ્યે પોતાના જીવનમાં લોભ અને મોહથી દૂર રહીને સદ્ગુણોનું ધન એકત્ર કરવું જોઈએ. સંતોષી મનુષ્ય પાસે ભલે ભૌતિક સંપત્તિ ઓછી હોય છતાં તે આંતરિક રીતે સમૃદ્ધ હોય છે, જ્યારે લોભી મનુષ્ય પાસે અઢળક સંપત્તિ હોવા છતાં તેના મનમાં અભાવની લાગણી રહે છે.
સંત નિરંકારી મિશનના આધ્યાત્મિક વિચાર અનુસાર પણ મનુષ્યજીવનની સાચી સાર્થકતા બ્રહ્મજ્ઞાન દ્વારા નિરાકાર પરમાત્માની ઓળખ પ્રાપ્ત કરવામાં, તેને જીવનમાં અપનાવવામાં અને માનવતાના માર્ગે ચાલવામાં રહેલી છે. સત્સંગથી સદવિચારો મળે છે, સુમિરણથી મનને શાંતિ મળે છે અને સેવાથી જીવનમાં નમ્રતા તથા પરોપકારની ભાવના વિકસે છે-આ ત્રણેય જીવનમૂલ્યો મનુષ્યને આંતરિક સમૃદ્ધિ તરફ દોરી જાય છે.આથી લાભ પાંચમના દિવસે આપણે એવો સંકલ્પ કરીએ કે જીવનમાં ધનલાભની સાથે જ્ઞાનલાભ, સદ્ગુણલાભ અને આત્મલાભ પણ પ્રાપ્ત કરીએ.
માનવસેવા એ સૌથી મોટો લાભ..
ભારતીય સંસ્કૃતિમાં ‘પરોપકારાય સતામ્ વિભૂતયઃ’ એટલે કે સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે હોય છે એવો ઉદાત્ત ભાવ જોવા મળે છે.આપણે જે કંઈ મેળવીએ છીએ તેમાં સમાજ-કુદરત અને અનેક લોકોનો પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ રહેલો છે તેથી આપણી આવકનો ઉપયોગ માત્ર પોતાના પરિવારના સુખ માટે જ નહીં પરંતુ સમાજના કલ્યાણ માટે પણ થવો જોઈએ. ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, નિરક્ષરને શિક્ષણ આપવું, બીમારની સેવા કરવી, દુઃખી વ્યક્તિને આશ્વાસન આપવું અને નિરાશ વ્યક્તિમાં આશાનો દીપ પ્રગટાવવો એ જીવનના અમૂલ્ય લાભ છે. ધનથી ખરીદી ન શકાય તેવી અનેક વસ્તુઓ છે જેમકે પ્રેમ, વિશ્વાસ, શાંતિ, સંતોષ અને આત્મીયતા. આ બધું સારા આચરણ અને નિઃસ્વાર્થ સેવાથી પ્રાપ્ત થાય છે.આથી લાભ પાંચમ આપણને માત્ર વેપારની નવી શરૂઆતનો જ નહીં પરંતુ જીવનને નવી દિશા આપવાનો પણ અવસર પૂરો પાડે છે.
લાભ પાંચમ એટલે ધનલાભથી આત્મલાભ સુધીની યાત્રા..
કારતક સુદ પાંચમ એટલે લાભ પાંચમનો પર્વ આપણને શુભ કાર્યની શરૂઆત,પ્રામાણિક વ્યવહાર, જ્ઞાનની ઉપાસના, ધર્મનું પાલન અને માનવસેવાની પ્રેરણા આપે છે.આપણે નવા ચોપડામાં ‘શુભ-લાભ’ લખીએ ત્યારે આપણા જીવનના ચોપડામાં પણ શુભ કર્મોનો હિસાબ લખવાનો સંકલ્પ કરીએ. આપણા વ્યવહારમાં સત્ય હોય, વાણીમાં મીઠાશ હોય, વિચારોમાં પવિત્રતા હોય, હૃદયમાં દયા હોય અને કર્મોમાં પરોપકારની ભાવના હોય તો જીવન સાચા અર્થમાં લાભદાયી બની શકે છે.
જીવનમાં ધન આવે પણ ધર્મ ન જાય, સમૃદ્ધિ આવે પણ સંસ્કાર ન છૂટે, સફળતા મળે પણ અહંકાર ન આવે અને સુખ મળે પણ બીજાનાં દુઃખ પ્રત્યે સંવેદનશીલતા જળવાઈ રહે એ જ સાચા શુભ-લાભની નિશાની છે.આ પાવન અવસરે આપણે સૌ પ્રાર્થના કરીએ કે પરમાત્માની કૃપાથી સૌનાં જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદ્બુદ્ધિનો સંચાર થાય. દરેકના ઘરમાં આનંદ અને હૃદયમાં માનવતાનો દીપ પ્રગટે, આપણું જીવન સત્કર્મ, સત્સંગ, સુમિરણ અને સેવાથી સુશોભિત બને કારણ કે સાચો લાભ માત્ર ધન કમાવવામાં નથી પરંતુ જીવનને ધન્ય બનાવવામાં છે. ધનથી સમૃદ્ધિ મળે છે, જ્ઞાનથી સમજણ મળે છે, ભક્તિથી શાંતિ મળે છે અને માનવસેવાથી જીવનની સાચી સાર્થકતા પ્રાપ્ત થાય છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




