બાળપણની નિર્દોષતા-શિક્ષણ-સંસ્કાર અને ઉજ્જવળ રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ
ભારતના રાષ્ટ્રીય જીવનમાં ૧૪ નવેમ્બરનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન અને આધુનિક ભારતના ઘડવૈયા તરીકે જાણીતા પંડિત જવાહરલાલ નહેરૂની જન્મજયંતી તરીકે ઊજવવામાં આવે છે. સમગ્ર દેશમાં આ દિવસ ‘બાળ દિવસ’ તરીકે પણ ઊજવાય છે. બાળકો પ્રત્યેના તેમના વિશેષ પ્રેમને કારણે બાળકો તેમને પ્રેમથી ‘ચાચા નહેરૂ’ કહીને સંબોધતા હતા. બાળકો દેશનું ભવિષ્ય છે,આજનું બાળક આવતીકાલનો નાગરિક, વૈજ્ઞાનિક, શિક્ષક, સૈનિક, સમાજસેવક અને રાષ્ટ્રનાયક બની શકે છે તેથી બાળકોને યોગ્ય શિક્ષણ, સારા સંસ્કાર, પ્રેમ, સુરક્ષા અને વિકાસની સમાન તકો આપવી એ માત્ર માતા-પિતાની જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રની જવાબદારી છે. બાળ દિવસ આપણને આ જ જવાબદારીનું સ્મરણ કરાવે છે.
પંડિત નહેરૂનું જીવન અને રાષ્ટ્રસેવામાં યોગદાન..
પંડિત જવાહરલાલ નહેરૂનો જન્મ ૧૪ નવેમ્બર-૧૮૮૯ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ (હાલનું પ્રયાગરાજ) ખાતે થયો હતો, તેમના પિતાનું નામ મોતીલાલ નહેરૂ અને માતાનું નામ સ્વરૂપ રાણી નહેરૂ હતું, તેમનો પરિવાર શિક્ષિત અને સમૃદ્ધ હતો. નહેરૂજીએ પ્રારંભિક શિક્ષણ ઘરે પ્રાપ્ત કર્યું હતું, ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા અને હેરો તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, તેમણે વિજ્ઞાનનો અભ્યાસ કર્યા બાદ કાયદાનું શિક્ષણ પણ મેળવ્યું હતું. વિદેશમાં શિક્ષણ મેળવવા છતાં તેમના હૃદયમાં ભારતની સ્વતંત્રતા અને દેશના ઉત્થાનની ભાવના સતત પ્રબળ રહી. ભારત પર અંગ્રેજોનું શાસન હતું ત્યારે તેમણે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય ભાગ લીધો. દેશની આઝાદી માટે અનેક વખત જેલવાસ ભોગવ્યો અને પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા માટે સમર્પિત કર્યું.
૧૫ ઓગસ્ટ-૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું અને પંડિત જવાહરલાલ નહેરૂ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા, તેમણે દેશના વિકાસ માટે શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, ઉદ્યોગ, કૃષિ અને લોકશાહી સંસ્થાઓના વિકાસ ઉપર વિશેષ ભાર મૂક્યો. આધુનિક ભારતના નિર્માણમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે, તેમના કાર્યકાળ દરમિયાન ઉચ્ચ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપતી અનેક સંસ્થાઓના વિકાસને વેગ મળ્યો હતો.નહેરૂજીનું વ્યક્તિત્વ માત્ર રાજકીય નેતા પૂરતું સીમિત નહોતું, તેઓ ઉત્તમ લેખક-વિચારક અને બાળકોના સાચા હિતેચ્છુ હતા. તેમણે ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’, ‘ગ્લિમ્પ્સિસ ઓફ વર્લ્ડ હિસ્ટરી’ અને ‘એન ઓટોબાયોગ્રાફી’ જેવા પુસ્તકોની રચના કરી હતી, તેમની લેખનશૈલીમાં ઇતિહાસ, સંસ્કૃતિ, માનવતા અને વિશ્વબંધુત્વની ભાવના જોવા મળે છે.
બાળકો પ્રત્યેનો પ્રેમ અને ‘ચાચા નહેરૂ’નું નામ..
પંડિત નહેરૂને બાળકો પ્રત્યે અપાર પ્રેમ અને લાગણી હતી, તેઓ જ્યાં પણ બાળકોને મળતા ત્યાં તેમની સાથે હળવાશથી વાતો કરતા, તેમના પ્રશ્નો સાંભળતા અને તેમના નિર્દોષ હાસ્યમાં આનંદ અનુભવતા. બાળકો પણ તેમને ખૂબ પ્રેમ કરતા હતા અને પ્રેમથી ‘ચાચા નહેરૂ’ કહીને બોલાવતા હતા, તેમના મતે બાળકો કોઈપણ દેશની સૌથી અમૂલ્ય સંપત્તિ છે. બાળકોના સર્વાંગી વિકાસમાં જ રાષ્ટ્રનું ઉજ્જવળ ભવિષ્ય સમાયેલું છે. બાળકને માત્ર પુસ્તકીયું જ્ઞાન આપવાથી તેનું જીવન સફળ બનતું નથી પરંતુ તેની અંદર જિજ્ઞાસા,આત્મવિશ્વાસ,શિસ્ત,સર્જનાત્મકતા,માનવતા અને સારા વિચારોનું સિંચન કરવું પણ એટલું જ જરૂરી છે.
નહેરૂજી માનતા હતા કે બાળકને પ્રેમ-સ્વતંત્ર વિચારવાની તક અને યોગ્ય માર્ગદર્શન મળે તો તે પોતાની પ્રતિભાનો શ્રેષ્ઠ વિકાસ કરી શકે છે. બાળકો ઉપર ભય કે દબાણ લાદવાને બદલે તેમને સમજણ-પ્રોત્સાહન અને હૂંફ આપવી જોઈએ, તેમણે એક પ્રસંગે બાળકોને સંબોધતાં કહ્યું હતું કે બાળકો ફૂલો સમાન છે અને પોતાના સદ્ગુણોથી દેશને સુગંધિત બનાવવો જોઈએ, તેમણે બાળકોને વાંચવા, લખવા, રમવા, નાચવા, ગાવા અને આનંદપૂર્વક જીવન જીવવાની પ્રેરણા આપી હતી.
૧૪ નવેમ્બર..બાળ દિવસની ઉજવણીનું મહત્વ..
ભારતમાં દર વર્ષે ૧૪ નવેમ્બરના રોજ બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસ પંડિત જવાહરલાલ નહેરૂની જન્મજયંતી હોવાથી તેમના બાળકો પ્રત્યેના પ્રેમ અને બાળકલ્યાણ માટેની ભાવનાને યાદ કરીને ઊજવવામાં આવે છે. ૧૯૬૪માં તેમના અવસાન બાદ તેમની જન્મજયંતીને બાળ દિવસ તરીકે ઊજવવાની પરંપરાને વિશેષ સ્વરૂપ મળ્યું.આ દિવસે શાળાઓ-કોલેજો અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બાળકો માટે વક્તૃત્વ, ચિત્રકામ, નિબંધલેખન, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન થાય છે. બાળકોને તેમની પ્રતિભા દર્શાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે પરંતુ બાળ દિવસની ઉજવણી માત્ર મીઠાઈ વહેંચવા, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા કે બાળકોને ભેટ આપવાથી પૂર્ણ થતી નથી, આ દિવસનો સાચો હેતુ દરેક બાળકને શિક્ષણ, પોષણ, આરોગ્ય, સુરક્ષા, સમાનતા અને સન્માન મળે તેવા સમાજનું નિર્માણ કરવાનો છે.બાળકોના અધિકારોનું રક્ષણ થાય, કોઈ બાળક ગરીબી કે મજબૂરીને કારણે શિક્ષણથી વંચિત ન રહે, બાળમજૂરી અને બાળશોષણનો અંત આવે તથા દરેક બાળકને પોતાની ક્ષમતા વિકસાવવાની તક મળે એ જ બાળ દિવસની સાચી સાર્થકતા છે.
બાળપણ..જીવનના ઘડતરનો પાયો..
બાળપણ એ માનવજીવનનો સૌથી નિર્દોષ-સુંદર અને સંવેદનશીલ તબક્કો છે. આ અવસ્થામાં બાળક જે જુએ છે, સાંભળે છે અને અનુભવે છે તેની ઊંડી અસર તેના વ્યક્તિત્વ ઉપર પડે છે. બાળકનું મન કોરી સ્લેટ જેવું હોય છે, તેના ઉપર માતા-પિતા, શિક્ષકો, પરિવાર અને સમાજ જે સંસ્કારોનું લેખન કરે છે તે જ તેના જીવનનું ઘડતર કરે છે.આપણા ભારતીય ધર્મશાસ્ત્રો અને સંસ્કૃતિમાં પણ બાળપણથી જ સારા સંસ્કારો આપવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
મનુસ્મૃતિમાં કહેવાયું છે કે બાળકને યોગ્ય ઉછેર-શિક્ષણ અને સંસ્કાર આપવાની જવાબદારી વડીલોની છે. ભારતીય સંસ્કૃતિમાં ગર્ભાધાનથી લઈને અંતિમ સંસ્કાર સુધીના સંસ્કારોની પરંપરા પણ માનવજીવનને સંસ્કારયુક્ત બનાવવાના હેતુથી વિકસિત થઈ છે.ભગવદ્ ગીતાઃ૧૬/૧માં ભગવાન શ્રીકૃષ્ણએ દૈવી ગુણોનું મહત્વ સમજાવતાં અભય, સત્ય, અહિંસા, ક્ષમા, દયા, શૌચ અને વિનમ્રતા જેવા ગુણોનું વર્ણન કર્યું છે.
अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्
નિર્ભયતા,અંતઃકરણની શુદ્ધિ,જ્ઞાનમાં સ્થિરતા,દાન,ઇન્દ્રિયસંયમ,સ્વાધ્યાય અને સરળતા જેવા ગુણો માનવજીવનને ઉત્તમ બનાવે છે.આવા ગુણોનું સિંચન બાળપણથી કરવામાં આવે તો બાળક માત્ર બુદ્ધિશાળી જ નહીં પરંતુ સંસ્કારી, જવાબદાર અને માનવતાવાદી નાગરિક બની શકે છે.શિક્ષણ સાથે સંસ્કાર અને માનવતાનું સિંચન જરૂરી છે.આજના સમયમાં શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રગતિ થઈ છે. બાળકો પાસે આધુનિક ટેકનોલોજી, ઇન્ટરનેટ, મોબાઇલ અને જ્ઞાનના અસંખ્ય સાધનો ઉપલબ્ધ છે તેમ છતાં એક પ્રશ્ન વિચારવા જેવો છે કે શું આપણે બાળકોને માત્ર સફળ કારકિર્દી બનાવવા માટે તૈયાર કરી રહ્યા છીએ કે તેમને સારા માણસ બનાવવાનું પણ એટલું જ મહત્વ આપીએ છીએ? માત્ર ઊંચી ડિગ્રી મેળવવી એ શિક્ષણની પૂર્ણતા નથી. સાચું શિક્ષણ એ છે જે વ્યક્તિને સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજાવે, બીજાના દુઃખને અનુભવતાં શીખવે, વડીલોનું સન્માન કરતાં શીખવે અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીનું ભાન કરાવે.
આજે બાળકો ઉપર અભ્યાસ-સ્પર્ધા અને સફળતાનું ઘણું દબાણ જોવા મળે છે. માતા-પિતાએ બાળકોની તુલના બીજાં બાળકો સાથે કરવાને બદલે તેમની સ્વાભાવિક પ્રતિભાને ઓળખવી જોઈએ. દરેક બાળકની ક્ષમતા-રસ અને વ્યક્તિત્વ અલગ હોય છે. કોઈ બાળક વિજ્ઞાનમાં આગળ હોય તો કોઈ કલા, સંગીત, રમતગમત કે સાહિત્યમાં વિશેષ પ્રતિભા ધરાવતું હોય છે. બાળકોને પોતાની ભૂલોમાંથી શીખવાની તક આપવી જોઈએ,તેમની વાત સાંભળવી, પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરવા અને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રેમ અને શિસ્ત બંનેનું સંતુલન જરૂરી છે.પંડિત નહેરૂએ પણ પ્રાથમિક શિક્ષણ અને બાળકોના ઘડતરને રાષ્ટ્રના ભવિષ્યનો પાયો ગણાવ્યો હતો, તેમના વિચારોમાં રમત દ્વારા શિક્ષણ-આનંદદાયક અભ્યાસ અને બાળકના વ્યક્તિત્વ વિકાસને વિશેષ સ્થાન હતું.
આજના સમયમાં બાળ દિવસનો સંદેશ..
આજના આધુનિક યુગમાં બાળકો અનેક પડકારોનો સામનો કરી રહ્યાં છે. મોબાઇલ અને સોશિયલ મીડિયાનો અતિરેક, ઓનલાઈન રમતોનું વ્યસન, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, એકલતા અને માનસિક દબાણ જેવી સમસ્યાઓ બાળકોના સ્વસ્થ વિકાસને અસર કરી શકે છે.આથી બાળકોને ટેકનોલોજીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરતાં શીખવવું જોઈએ, તેમને પ્રકૃતિ સાથે જોડવા, પુસ્તકો વાંચવાની ટેવ પાડવા, રમતગમતમાં ભાગ લેવા અને પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવા પ્રોત્સાહિત કરવા જોઈએ.બાળકોને માત્ર પોતાના માટે જ નહીં પરંતુ બીજાના સુખ અને કલ્યાણ માટે પણ જીવતાં શીખવવું જોઈએ,તેમનામાં સેવાભાવ, સહિષ્ણુતા, પરોપકાર, સહકાર અને વિશ્વબંધુત્વની ભાવના વિકસાવવી જોઈએ.
આપણી ભારતીય સંસ્કૃતિનો મહાન સંદેશ છે કે..
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः
સૌ સુખી થાય-સૌ નિરોગી રહે અને સૌનું કલ્યાણ થાય.
આવો સર્વકલ્યાણનો ભાવ બાળકોના હૃદયમાં બાળપણથી જ વિકસે તો આવતીકાલનું ભારત વધુ સુંદર-શાંતિમય અને માનવતાવાદી બની શકે છે.બાળકોને પ્રેમ આપવો એ જ સાચી રાષ્ટ્રસેવા છે.કોઈપણ રાષ્ટ્રનું ભવિષ્ય તેની ઇમારતો-રસ્તાઓ કે આર્થિક સમૃદ્ધિથી જ નક્કી થતું નથી પરંતુ તે રાષ્ટ્રના નાગરિકો કેટલા શિક્ષિત, સંસ્કારી, પ્રામાણિક અને માનવતાવાદી છે તેના ઉપર પણ આધાર રાખે છે.બાળકોને પ્રેમ આપવો,તેમની લાગણીઓ સમજવી,તેમના અધિકારોનું રક્ષણ કરવું અને તેમને સારા નાગરિક બનાવવામાં સહયોગ આપવો એ દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે.
પંડિત નહેરૂનું જીવન આપણને શીખવે છે કે દેશપ્રેમ માત્ર ભાષણો કે સૂત્રોચ્ચાર પૂરતો સીમિત ન હોવો જોઈએ.દેશના ભવિષ્ય એવા બાળકોના જીવનમાં શિક્ષણ-સંસ્કાર અને ઉજ્જવળ તકોનું નિર્માણ કરવું એ પણ સાચી રાષ્ટ્રસેવા છે.આપણે સૌએ સંકલ્પ કરવો જોઈએ કે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે, કોઈ બાળક બાળમજૂરીનો ભોગ ન બને, કોઈ બાળક સાથે ભેદભાવ ન થાય અને દરેક બાળકને પ્રેમ, સુરક્ષા તથા સન્માનપૂર્ણ જીવન જીવવાની તક મળે.
કારતક સુદ પાંચમના આ પાવન અવસરે ઊજવાતી પંડિત જવાહરલાલ નહેરૂની જન્મજયંતી અને બાળ દિવસ આપણને જીવનના એક મહત્વપૂર્ણ સત્યનું સ્મરણ કરાવે છે કે બાળકો માત્ર પરિવારની ખુશી નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રની અમૂલ્ય મૂડી અને આવતીકાલની આશા છે.નહેરૂજીનું બાળકો પ્રત્યેનું વાત્સલ્ય, શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને રાષ્ટ્રનિર્માણનું સ્વપ્ન આપણને પ્રેરણા આપે છે કે બાળકોને માત્ર ભૌતિક સુખસુવિધાઓ આપવાને બદલે તેમને જ્ઞાન, સંસ્કાર, સદાચાર અને માનવતાની અમૂલ્ય ભેટ આપીએ. બાળકોના નિર્દોષ સ્મિતમાં ઈશ્વરની સુંદરતા છુપાયેલી છે,તેમનાં સપનાઓમાં આવતીકાલના ભારતની સંભાવનાઓ રહેલી છે તેથી તેમના બાળપણને પ્રેમ,આનંદ,જ્ઞાન અને સંસ્કારોથી સમૃદ્ધ બનાવવું એ જ આપણી સાચી જવાબદારી છે.
ચાલો..આ બાળ દિવસે સંકલ્પ કરીએ કે બાળકોને માત્ર સફળ વ્યક્તિઓ નહીં પરંતુ સારા માણસો બનાવીશું કારણ કે સંસ્કારી બાળકો જ સમૃદ્ધ સમાજ અને સુખી રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.બાળકોના ચહેરા ઉપરનું નિર્દોષ સ્મિત જ આવતીકાલના ઉજ્જવળ ભારતની સાચી ઓળખ બને એવી શુભકામના. બાળ દિવસની હાAર્દિક શુભેચ્છાઓ !
સંકલનઃ
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
છક્કડીયા(ધાણીત્રા) તા.ગોધરા જી.પંચમહાલ




