અંડર-૧૯ એશિયા કપની ફાઇનલના હીરો મોહિત ઉલ્વાને સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં સ્થાન પાકિસ્તાન સામે અણનમ ૪૯ રનની ઇનિંગ રમી ભારતને અપાવી હતી જીત, હવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમવાની તક અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૬ની ફાઇનલમાં પાકિસ્તાન સામે શાનદાર બેટિંગ કરીને ભારતીય ટીમને યાદગાર જીત અપાવનાર ગુજરાતના યુવા ક્રિકેટર મોહિત ઉલ્વાને મોટી તક મળી છે. તેના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને તેને સિનિયર ટીમમાં સ્થાન આપ્યું છે. હવે મોહિત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. તેને ટૂંક સમયમાં ઇન્દોરમાં ટીમ સાથે જાેડાવા માટે સૂચના આપવામાં આવી છે. અંડર-૧૯ એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાન સામે ૩૩૮ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. એક સમયે ભારતીય ટીમે ૨૫૨ રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી અને જીત મુશ્કેલ લાગી રહી હતી. આવી સ્થિતિમાં ૧૦મા ક્રમે બેટિંગ કરવા આવેલા મોહિત ઉલ્વાએ જવાબદારી સંભાળી હતી. મોહિતે મનાલ ચૌહાણ સાથે મળીને નવમી વિકેટ માટે ૫૭ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. મનાલ ૪૭ રન બનાવીને આઉટ થયા બાદ ભારતને જીતવા માટે વધુ ૩૬ રનની જરૂર હતી અને માત્ર એક વિકેટ બાકી હતી. અંતિમ ઓવરમાં પણ મોહિતે ધીરજ અને આત્મવિશ્વાસ જાળવી રાખ્યો હતો.મેચના છેલ્લા બોલે ભારતને જીતવા માટે ત્રણ રનની જરૂર હતી. મોહિતે દબાણ વચ્ચે જાેરદાર બાઉન્ડ્રી ફટકારીને ભારતને એક વિકેટથી ઐતિહાસિક જીત અપાવી હતી. તેણે અણનમ ૪૯ રન બનાવીને ટીમની જીતમાં નિર્ણાયક યોગદાન આપ્યું હતું.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે મોહિતના પ્રદર્શનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, તેણે ખૂબ જ હિંમત અને લડાયક મનોભાવ દર્શાવ્યો છે. તેના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને એસોસિએશને તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ટીમમાં સામેલ કરવાનો ર્નિણય લીધો છે.જયદેવ શાહે વધુમાં જણાવ્યું હતું કે મોહિતને સીધા ઇન્દોર પહોંચીને સૌરાષ્ટ્રની ટીમ સાથે જાેડાવા માટે સૂચના આપવામાં આવી છે. સુરેન્દ્રનગરના સામાન્ય પરિવારમાંથી આવતા અને હાલમાં રાજકોટમાં રહેતા મોહિતમાં સારી પ્રતિભા છે. યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી તેને સિનિયર ટીમમાં તક આપવામાં આવી છે.અંડર-૧૯ એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામેનું પ્રદર્શન મોહિત ઉલ્વા માટે કારકિર્દીનું મહત્ત્વપૂર્ણ સોપાન બની શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરની યુવા સ્પર્ધામાં દબાણ વચ્ચે શાનદાર બેટિંગ કર્યા બાદ હવે તેને સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં રમવાની તક મળી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેનું પ્રદર્શન કેવું રહે છે તેના પર ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે.




