ભાવુક વીડિયો શેર કરી નિવૃત્તિની જાહેરાત મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા મોહમ્મદ શમીએ વર્ષ ૨૦૧૩માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું : ૬૪ ટેસ્ટમાં ૨૨૯ વિકેટ ઝડપી ભારતીય ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો ર્નિણય કર્યો છે. શમીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કરીને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ટેસ્ટ ક્રિકેટની સફર દરમિયાન મળેલા સાથ, સમર્થન અને યાદો બદલ સાથી ખેલાડીઓ, કોચ, પરિવાર, ભારતીય ક્રિકેટ બોર્ડ અને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. મોહમ્મદ શમીએ પોતાના ઠ એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તે હવે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી રહ્યો છે. તેણે પોતાની ભાવુક પોસ્ટમાં લખ્યું હતું કે, જ્યારે પહેલીવાર ભારતની ટેસ્ટ જર્સી પહેરી હતી ત્યારે દેશ માટે કંઈક ખાસ કરવાની ઈચ્છા હતી. ટેસ્ટ ક્રિકેટ દરમિયાન મળેલી દરેક વિકેટ, સંઘર્ષ, ઈજા અને વાપસીએ તેને ઘણું શીખવ્યું છે. શમીએ વધુમાં જણાવ્યું કે ટેસ્ટ ક્રિકેટ તેના માટે માત્ર એક ફોર્મેટ નહોતું, પરંતુ તેના જીવનનો અત્યંત ખાસ હિસ્સો રહ્યું છે. ભારે હૃદય અને સુંદર યાદો સાથે તેણે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો ર્નિણય કર્યો છે. નિવૃત્તિની જાહેરાત કરતી વખતે શમીએ પોતાના સાથી ખેલાડીઓ, કોચ, પરિવાર અને લાખો ભારતીય ચાહકોનો વિશેષ આભાર માન્યો હતો. તેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)નો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ સંસ્થાઓએ તેની પ્રતિભા પર વિશ્વાસ મૂક્યો અને કારકિર્દીમાં આગળ વધવાની તકો આપી હોવાનું તેણે જણાવ્યું હતું. શમીએ ભાવુક સંદેશમાં કહ્યું હતું કે ભલે તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો છેલ્લો બોલ ફેંકી દીધો હોય, પરંતુ ભારત માટે રમ્યાનો ગર્વ હંમેશાં તેના હૃદયમાં જીવંત રહેશે. મોહમ્મદ શમીએ વર્ષ ૨૦૧૩માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ખાસ વાત એ છે કે આ જ શ્રેણીમાં મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. શમીએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતાં કુલ ૬૪ ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેણે ૧૨૨ ઇનિંગ્સમાં ૨૭.૭૧ની સરેરાશથી કુલ ૨૨૯ વિકેટ ઝડપી હતી. એક ઇનિંગ્સમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન ૫૭ રન આપીને ૭ વિકેટ લેવાનું રહ્યું હતું. શમીએ ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી હતી. આ મુકાબલામાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેને ટેસ્ટ ફોર્મેટમાં રમવાની તક મળી નહોતી. હાલમાં શમી વન-ડે અને ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ટીમોમાં પણ સ્થાન મેળવી શક્યો નથી. જાેકે, ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિના તેના ર્નિણય સાથે ભારતીય ક્રિકેટમાં તેની સફરનો એક મહત્વપૂર્ણ અધ્યાય પૂર્ણ થયો છે.




