આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તથા નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ આજે પોતાની ટીમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હડતાલ પર બેઠેલા કર્મચારીઓની મુલાકાત લીધી અને આ મુદ્દે તેમણે વાત કરતા જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારીમાં છેલ્લા આઠ વર્ષથી કામ કરતા 200 થી પણ વધારે કર્મચારીઓનું અલગ અલગ એજન્સીઓ દ્વારા શોષણ થતું હતું. છેલ્લા ત્રણ વર્ષથી આ તમામ કર્મચારીઓ રિલાયન્સના અંડરમાં છે. અહીંયા મારી આસપાસ બેઠેલા કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી હડતાલ પર બેઠા છે. અહીંયા આ લોકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડિપાર્ટમેન્ટ દ્વારા કે એજન્સીઓ દ્વારા આ લોકો માટે પાણી કે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ કર્મચારીઓને છેલ્લા આઠ વર્ષથી 15000 રૂપિયા આપીને તેમનું શોષણ કરવામાં આવે છે. અહીંયા દેશના વડાપ્રધાન અને મંત્રીઓ આવે છે અને કરોડોનો તાયફો કરવામાં આવે છે. 31 ઓક્ટોબરના રોજ અહીંયા 200 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો, અહીંયા આદિવાસી સમાજના લોકોએ જમીનો આપી અને એ લોકોને યોગ્ય વળતર પણ મળ્યું નથી. અહીંયા જે કી-પોસ્ટ પર બેઠેલા લોકો છે તેમનો દોઢ લાખ કે લાખ જેટલો પગાર હોય છે, જ્યારે દુનિયાભરમાંથી આવનારા ટુરિસ્ટોની સેવામાં ખડે પગે ઊભા રહેનાર આ લોકોનો પગાર ફક્ત 15,000 છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, અહીંયા વ્યક્તિદીઠ 200 રૂપિયા એન્ટ્રી ફિ લેવામાં આવે છે અને હજારો-લાખોની સંખ્યામાં ટુરીસ્ટ આવે છે છતાં કર્મચારીઓને ફક્ત 15000 આપવામાં આવે છે. અહીંયા રિલાયન્સ હોય કે વંતારા હોય કે ચેકમેટ એજન્સી હોય આ તમામ લોકો દ્વારા આ કર્મચારીઓનું શોષણ થઇ રહ્યું છે. તો હવે આ શોષણને આવનાર દિવસોમાં અટકાવવું પડશે. અત્યારે સરદાર પટેલ જીઓલોજીકલ પાર્કને બંધ કરવામાં આવેલ છે. જો આ લોકોનું શોષણ બંધ કરવામાં નહીં આવે તો બીજા જેટલા પણ પ્રોજેક્ટ છે અને બીજા જેટલા પણ કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે તમામની સાથે રાખીને લડતને મજબૂત કરીશું. તો અમારી માંગ છે કે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પણ લોકો વહીવટ કરે છે એ લોકો દ્વારા આ મુદ્દે નિરાકરણ લાવવામાં આવે.




