આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય બન્યા બાદ ચૈતરભાઈ વસાવાએ આદિવાસી સમાજ માટે કરેલા કામોને કારણે અંબાજીથી ઉમરગામ સુધીનો આખો સમાજ તેમના સમર્થનમાં જોડાઈ ગયો છે અને જાગૃત થયો છે. આદિવાસી સમાજ વધુ જાગૃત ન થાય, તેમના મુદ્દાઓ ન ઉઠે અને ચૈતરભાઈને સમર્થન ન મળે તે હેતુથી ભાજપે પોલીસ અને કર્મચારીઓનો દુરુપયોગ કરીને ખોટા કેસમાં તેમને જેલમાં પૂર્યા છે, અને ત્યારબાદ મુખ્યમંત્રી, મંત્રીઓ તથા ગૃહમંત્રી આદિવાસી વિસ્તારોમાં રાતો રોકાઈને લોકોને ભ્રમિત કરવા અને મત માટે લોભાવવા ઉતરી પડ્યા છે. મુખ્યમંત્રી આદિવાસી વિસ્તારમાં પહોંચ્યા છે ત્યારે તેમનો ત્રણ દિવસનો પ્રવાસ પૂરો થાય તે પહેલાં આદિવાસી સમાજ માટે માંગણીઓ પૂરી કરવા અને જાહેરાતો કરવા તેમણે વિનંતી કરી હતી, જેમાં આદિવાસીઓને ‘વનવાસી’ કે ‘જનજાતિ’ને બદલે ‘મૂળ આદિવાસી’ કહેવાનું ચાલુ રાખી પેસા એક્ટનો યોગ્ય અમલ કરવા, મુખ્યમંત્રીને બદલે આદિજાતિ સલાહકાર સમિતિના ચેરમેન પદે આદિવાસીને બેસાડવા, જમીન સનદની હજારો પેન્ડિંગ અરજીઓનો તુરંત નિકાલ કરી સોંપવા તથા ડેમો અને તળાવો ભરીને નર્મદાના પાણી દ્વારા સિંચાઈની પૂરતી વ્યવસ્થા કરવાની માંગણીઓનો સમાવેશ થાય છે.
વધુમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જો ચૈતરભાઈ વસાવા જેલમાં ન હોત તો તેઓ આજે સરકારને સવાલ પૂછત; સુરત તક્ષશિલા કાંડ, રાજકોટ અગ્નિકાંડ, વડોદરા હરણી કાંડ, મોરબી બ્રિજ કાંડ અને લઠ્ઠાકાંડ જેવા અનેક કાંડોમાં ભાજપના મળતિયાઓ સામે હજુ સુધી કોઈ સજા થઈ નથી, જ્યારે સનદની જમીનના મામલે ખેતરમાં ઊભો પાક કાપવાના કેસમાં ચૈતરભાઈ જેલમાં છે. ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને અપીલ કરી હતી કે જો તેઓ ઈશ્વરમાં માનતા હોય તો ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવ્યા હોવાની અને પોલીસ-કર્મચારીઓના દુરુપયોગની વાત સ્વીકારી તેમને ન્યાય અપાવવા તથા મુક્ત કરાવવા માટે અવાજ ઉઠાવે અને પગલાં ભરે. ચૂંટણી નજીક આવતી હોવાથી અને આદિવાસી વિસ્તારમાં ભાજપનો સપાટો બોલી ગયો હોવાથી નેતાઓને પ્રવાસ કરવા પડ્યા છે, પરંતુ આ માંગણીઓ પૂરી કર્યા વિના ગમે તેટલા પ્રયત્નો કરશે તો પણ અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી સમાજ હવે ભ્રમિત થવાનો નથી તેમ ઇસુદાન ગઢવીએ ઉમેર્યું હતું.




