વિશ્વના ધાર્મિક સમીકરણોમાં મોટો બદલાવ ૨૦૩૫ સુધીમાં ઇસ્લામ બનશે વિશ્વનો સૌથી મોટો ધર્મ ૨૦૭૦ સુધીમાં ભારતમાં હિન્દુ વસ્તી ૭૬% અને મુસ્લિમ ૨૦% રહેવાનો પ્યુ રિસર્ચ સેન્ટનો અંદાજ પ્યુ રિસર્ચ સેન્ટરના વૈશ્વિક અભ્યાસમાં ચોંકાવનારા તારણો; ભારત અને નેપાળ જ હિન્દુ બહુમતીવાળા દેશો તરીકે જળવાઈ રહેશે, જ્યારે પાકિસ્તાન વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બનશે અને અમેરિકામાં ખ્રિસ્તી બહુમતી ઘટશે.
આગામી દાયકાઓમાં વૈશ્વિક ધાર્મિક વસ્તીના માળખામાં મોટા પાયે ફેરફાર થવાના સંકેતો મળી રહ્યા છે. પ્યુ રિસર્ચ સેન્ટર (Pew Research Center) દ્વારા જારી કરવામાં આવેલા એક વિસ્તૃત અભ્યાસ અહેવાલ મુજબ, જાે વર્તમાન જનસંખ્યાકીય વલણો યથાવત રહેશે તો વર્ષ ૨૦૩૫ સુધીમાં ઇસ્લામ ધર્મ ખ્રિસ્તી ધર્મને પાછળ છોડીને સમગ્ર વિશ્વમાં સૌથી વધુ અનુયાયીઓ ધરાવતો ટોચનો ધર્મ બની જશે.
અહેવાલ અનુસાર, વર્ષ ૨૦૭૦ સુધીમાં વિશ્વભરમાં મુસ્લિમ સમુદાયની વસ્તી ૩.૬ અબજથી પણ વધુ થવાની સંભાવના છે, જ્યારે ખ્રિસ્તીઓની વસ્તી ૩ અબજથી થોડી ઓછી રહેશે. આ સમયગાળા દરમિયાન અમેરિકા પણ ખ્રિસ્તી બહુમતીવાળો દેશ નહીં રહે તેવું અનુમાન વ્યક્ત કરાયું છે.
ભારતના સંદર્ભમાં આ સ્ટડીમાં મહત્ત્વપૂર્ણ તારણો રજૂ કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, ભારતમાં આવનારા દાયકાઓ સુધી હિન્દુઓની સ્પષ્ટ બહુમતી યથાવત રહેશે, પરંતુ દેશના ધાર્મિક વસ્તી-ગણિતમાં ધીમે ધીમે પરિવર્તન જાેવા મળશે. વર્ષ ૨૦૨૦ થી ૨૦૭૦ દરમિયાન ભારતમાં હિન્દુઓની કુલ સંખ્યામાં ૧૭.૬ કરોડનો વધારો થશે, તેમ છતાં અન્ય સમુદાયોની સરખામણીએ વૃદ્ધિ દર ધીમો હોવાથી કુલ વસ્તીમાં હિન્દુઓની ભાગીદારી ૭૯ ટકાથી ઘટીને ૭૬ ટકા થવાનો અંદાજ છે. બીજી તરફ, દેશમાં મુસ્લિમ વસ્તીનો હિસ્સો ૧૫ ટકાથી વધીને ૨૦ ટકા સુધી પહોંચી શકે છે.
નિષ્ણાતોના મતે ભારતમાં કુલ પ્રજનન દર (ફર્ટિલિટી રેટ)માં ઝડપી ઘટાડો નોંધાયો હોવા છતાં, હિન્દુ મહિલાઓની સરખામણીએ મુસ્લિમ મહિલાઓમાં બાળકોની સંખ્યા વધુ હોવાથી આ તફાવત જાેવા મળી રહ્યો છે.
વૈશ્વિક સ્તરે હિન્દુ વસ્તીની સ્થિતિ પર નજર કરીએ તો, ૬ વર્ષ પૂર્વે વિશ્વમાં ૧૦૦ કરોડથી વધુ હિન્દુઓ હતા, જેમાંથી ૬.૫ કરોડ હિન્દુઓ ભારત બહાર મુખ્યત્વે બાંગ્લાદેશ અને નેપાળમાં વસવાટ કરતા હતા. વર્ષ ૨૦૨૦ થી ૨૦૭૦ વચ્ચે વૈશ્વિક સ્તરે હિન્દુઓની સંખ્યામાં ૧૯.૯ કરોડનો વધારો થઈને કુલ આંકડો લગભગ ૧.૪ અબજ સુધી પહોંચશે. જાેકે, વિશ્વની કુલ જનસંખ્યામાં હિન્દુઓનો હિસ્સો વર્ષ ૨૦૨૦ના ૧૫ ટકાની સામે ઘટીને ૨૦૭૦માં ૧૪ ટકા રહી જશે. ભારત બહાર હિન્દુ વસ્તીમાં સૌથી વધુ વધારો પાકિસ્તાનમાં ૫૦ લાખ અને અમેરિકામાં ૪૦ લાખ જેટલો થવાની શક્યતા છે, જેના પગલે હિન્દુઓની સંખ્યાની દૃષ્ટિએ અમેરિકા વિશ્વમાં પાંચમા ક્રમે પહોંચશે.
આ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૭૦ સુધીમાં સમગ્ર વિશ્વમાં માત્ર ભારત અને નેપાળ જ એવા બે દેશો રહેશે જ્યાં હિન્દુઓ બહુમતીમાં હશે. સુરીનામ, ફિજી અને મોરેશિયસ જેવા દેશોમાં હિન્દુ વસ્તીના હિસ્સામાં ૫ ટકા અંક કે તેથી વધુનો ઘટાડો નોંધાઈ શકે છે. સાથોસાથ, મુસ્લિમ વસ્તીમાં થઈ રહેલા સતત વધારાને કારણે વર્ષ ૨૦૭૦ સુધીમાં પાકિસ્તાન વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે અને ઇસ્લામ દુનિયાનો સૌથી વધુ ફેલાયેલો ધર્મ બની રહેશે.




