ન્યૂઝીલેન્ડ સામે ભારતની ૧૧૮ રનની સરસાઈ રાહુલની સદી બાદ ગિલ સદીથી માત્ર બે રન દૂર અટક્યો વેલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે ભારતનો દબદબો; રાહુલના ૧૩૬, ગિલના ૯૮ અને પંતની અણનમ ૫૫ રનની ઇનિંગ્સ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી છે. કેએલ રાહુલની શાનદાર સદી અને કેપ્ટન શુભમન ગિલની આક્રમક બેટિંગના સહારે ભારતે દિવસના અંતે ચાર વિકેટે ૪૮૬ રન બનાવી લીધા હતા. આ સાથે જ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવના ૩૬૮ રનના જવાબમાં ૧૧૮ રનની મહત્વપૂર્ણ સરસાઈ મેળવી છે.
ભારતીય કેપ્ટન શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતાં ૯૮ રન બનાવ્યા હતા. જાેકે, સદીથી માત્ર બે રન દૂર હતો ત્યારે બોલ્ડ થતાં તેની ટેસ્ટ કારકિર્દીની ૧૨મી સદી ચૂકી ગયો હતો. ગિલના આઉટ થવાથી ભારતીય છાવણીમાં નિરાશા જાેવા મળી હતી. સામે છેડે બેટિંગ કરી રહેલો ઋષભ પંત પણ આ વિકેટથી આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
ભારત તરફથી કેએલ રાહુલે ૨૯૦ બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૩૬ રન બનાવ્યા હતા. તેણે લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી રહીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. નાથન સ્મિથે તેને બોલ્ડ કરીને તેની શાનદાર ઇનિંગ્સનો અંત લાવ્યો હતો. રાહુલ અને ગિલ વચ્ચે ત્રીજી વિકેટ માટે ૯૧ રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. આ પહેલાં યશસ્વી જયસ્વાલે ૮૫ રન બનાવીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. જયસ્વાલ અને રાહુલ વચ્ચે પ્રથમ વિકેટ માટે ૧૩૦ રનની ભાગીદારી નોંધાઈ હતી. ત્યારબાદ રાહુલ અને દેવદત્ત પડિક્કલ વચ્ચે બીજી વિકેટ માટે ૧૬૫ રનની શાનદાર ભાગીદારી થઈ હતી. પડિક્કલે પણ ૮૦ રનનું યોગદાન આપ્યું હતું.
ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતે ચાર વિકેટ ગુમાવીને ૪૮૬ રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ૫૫ રન સાથે અણનમ હતો, જ્યારે અંશુલ કંબોજ તેની સાથે ક્રીઝ પર હતો. ભારતીય ટીમ પાસે હવે ૧૧૮ રનની સરસાઈ છે અને ચોથા દિવસે વધુ રન ઉમેરીને ન્યૂઝીલેન્ડ સામે મોટો પડકાર ઊભો કરવાની તક રહેશે.
આ પહેલાં ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવ ૩૬૮ રનમાં સમેટાયો હતો. કિવી ટીમ તરફથી હેનરી નિકોલ્સે અણનમ ૧૭૫ રન અને ગ્લેન ફિલિપ્સે ૧૧૮ રન બનાવ્યા હતા. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૨૧૬ રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે આકાશ દીપે ત્રણ વિકેટ મેળવી હતી. અંશુલ કંબોજને બે અને પ્રસિદ્ધ કૃષ્ણાને એક વિકેટ મળી હતી. હવે ચોથા દિવસની રમત પર સૌની નજર રહેશે, જ્યાં ભારતીય ટીમ પોતાની સરસાઈ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.




