પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો ઈરાન દ્વારા બહેરીનમાં યુએસ સૈન્ય ઠેકાણા પર મિસાઈલ-ડ્રોન હુમલાનો દાવો હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઓઈલ ટેન્કરોમાં આગ અને બે યુએસ ડ્રોન તોડી પાડવાના દાવાથી દરિયાઈ સુરક્ષા સામે ચિંતા પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે બહેરીનના અલ-રફા અને અવાલી એરબેઝ પર તૈનાત અમેરિકાના બે પેટ્રિઅટ એર ડિફેન્સ રડાર સિસ્ટમને મિસાઈલો અને ડ્રોનથી નિશાન બનાવી છે. ઈરાને આ કાર્યવાહીને તેના હવાઈ ક્ષેત્રના કથિત ઉલ્લંઘન અને હેંગમ ટાપુ પર રડાર ઇન્સ્ટોલેશન પર અમેરિકાના હુમલાના જવાબ તરીકે ગણાવી છે. દરમિયાન બહેરીનમાં એક ઔદ્યોગિક સુવિધા પર હુમલા બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેને કાબૂમાં લેવા અગ્નિશામકો અને નાગરિક સંરક્ષણ ટીમો કાર્યરત છે. જાેકે આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી અને બહેરીને જાહેર ચેતવણી પાછી ખેંચી પરિસ્થિતિ સામાન્ય થઈ હોવાનું જણાવી નાગરિકોને સતર્ક રહેવા સૂચન કર્યું છે. દરિયાઈ ક્ષેત્રમાં પણ તણાવ વકર્યો છે. ઈરાની નૌકાદળના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટની પૂર્વમાં પ્રતિબંધિત વિસ્તારમાં એક ઓઈલ ટેન્કર લેન્ડમાઈન સાથે અથડાતાં તેમાં આગ લાગી હતી, જ્યારે ઓમાનના ખાસાબ ક્ષેત્રના ઉત્તર અને પૂર્વમાં બે ઓઈલ ટેન્કર પર અજાણ્યા પ્રોજેક્ટાઈલ દ્વારા હુમલો થયાનો યુકે મેરીટાઇમ એજન્સીએ અહેવાલ આપ્યો છે. આ ઉપરાંત IRGC એ અલગ-અલગ ઘટનાઓમાં હોર્મુઝની સામુદ્રધુની ઉપર એક MQ-9 અને એક MQ-1 પ્રિડેટર ડ્રોન એમ બે યુએસ ડ્રોન તોડી પાડવાનો દાવો કર્યો છે.
બીજી તરફ, ઈરાની સંસદની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના પ્રવક્તા ઈબ્રાહિમ રેઝાઈએ ચેતવણી આપી છે કે ઈરાની માળખાકીય સુવિધાઓ પર હુમલો થશે તો તેહરાન ઈઝરાયલી ઠેકાણાઓને નિશાન બનાવશે. આ દરમિયાન સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધને યમનના હુથી બળવાખોરો દ્વારા પશ્ચિમ સાઉદી અરેબિયા તરફ છોડવામાં આવેલી બેલિસ્ટિક મિસાઈલને અટકાવી નાશ કર્યાનો દાવો કર્યો છે, જ્યારે હુથી પ્રવક્તા યાહ્યા સારીએ મક્કાને નિશાન બનાવવાનો ઈનકાર કર્યો છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે તેહરાનની શરતો પૂર્ણ થાય તો હોર્મુઝની સ્ટ્રેટ ફરી ખોલી શકાય, પરંતુ ૬૦ ટકા સુધી સમૃદ્ધ યુરેનિયમ ભંડાર અન્ય દેશમાં મોકલવાની શક્યતા તેમણે નકારી કાઢી છે.




