મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતના અંતિમ દિવસે ગરબાડા ખાતે આવેલા ઐતિહાસિક રામનાથ તળાવની મુલાકાત લઈ તેના સર્વાંગી વિકાસ અને સૌંદર્યીકરણ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીની સૂચનાના માત્ર આઠ કલાકમાં જ તળાવની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્વાટિક વીડ હાર્વેસ્ટર મશીનની મદદથી અને જેસીબી સહિતના સાધનોથી તળાવમાં સફાઈ કામગીરીનો પ્રારંભ કરાયો છે. પ્રથમ તબક્કામાં તળાવની ફરતે જામી ગયેલી જળચર વનસ્પતિ અને કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત દરમિયાન તળાવની હાલની સ્થિતિ, આસપાસના વિસ્તાર અને ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. તળાવના વિકાસમાં પર્યાવરણની જાળવણી સાથે નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તેવું સુવ્યવસ્થિત આયોજન કરવા પણ સૂચના આપી હતી.
મુખ્યમંત્રીશ્રીની સૂચના બાદ તાત્કાલિક શરૂ થયેલી કામગીરીથી સ્થાનિક નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી છે. રામનાથ તળાવના સૌંદર્યીકરણ અને વિકાસથી ગરબાડાના નાગરિકોને હરવા-ફરવા માટે સુંદર સ્થળ ઉપલબ્ધ થશે તેમજ સ્થાનિક પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે.




