આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની હંમેશા ખેડૂત વિરોધી નીતિ રહી છે, પછી તે વીજળીના થાંભલાની વાત હોય, બિયારણ-દવાની વાત હોય કે ખાતર માટે લાઈનમાં ઊભા રાખવાની વાત હોય, ભાજપે હંમેશા પ્રાઈવેટ કંપનીઓને ફાયદો કરાવી માલામાલ કરવાની અને પોતાનું ફંડ મેળવવાની નીતિ અપનાવી છે. છેલ્લા છ મહિનાથી ધોળકા તાલુકાના સરગવાળા ગામે ખેતરોમાં ગેસ પાઈપલાઈન નાખવાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું, છતાં પ્રાઈવેટ કંપની સાથે સેટલમેન્ટ ધરાવતા ભાજપના સ્થાનિક ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશ નેતાઓની ઈચ્છા મુજબ કોઈપણ વળતર કે ખેડૂતોની પરવાનગી વગર ખેતરોમાં ઘૂસણખોરી કરવામાં આવી રહી છે. આ મામલે ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ, પદાધિકારીઓ અને ખાસ કરીને પાર્ટીના દિગ્ગજ નેતા બ્રિજરાજભાઈ સોલંકી ખેડૂતોની વહારે જતાં ભાજપના નેતાઓ અને આકાઓના પેટમાં તેલ રેડાયું હતું, જેના પગલે પોલીસે કંપનીના ગુંડાઓને સાથે લાવીને વાતાવરણ તંગ કરી અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો અને પોતાની જ ગાડીઓ પર પોતાના જ ગુંડાઓ દ્વારા પથ્થરમારો કરાવીને તેનો દોષનો ટોપલો બ્રિજરાજભાઈ સોલંકી, AAPના કાર્યકરો અને ખેડૂતો પર ઢોળવાનો પ્રયાસ કરી બ્રિજરાજભાઈ સોલંકીની ધરપકડ કરી તેમને અમદાવાદના મકરબા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.
વધુમાં યોગેશ જાદવાણીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર પોલીસનો જેટલો દુરુપયોગ કરવો હોય તેટલો કરી લે, પરંતુ અમે ડરવાવાળા નહીં પણ લડવાવાળા માણસો છીએ અને ગુજરાતના તમામ ખેડૂતો, વંચિતો, મધ્યમ વર્ગ, ભાગિયાઓ, મજૂરો, શોષિતો અને ગરીબોની સાથે હંમેશા ઊભા છીએ અને ઊભા રહેવાના છીએ. પોલીસના દંડાથી, ખોટી FIR થી કે ષડયંત્ર રચીને જેલમાં નાખવાના પ્રયાસોથી આમ આદમી પાર્ટી ડરવાની નથી, પરંતુ ગુજરાતની જનતાના સહારે આ તમામ મુદ્દે આંદોલન કરીને જડબાતોડ જવાબ આપશે. ગુજરાતની સ્વમાની અને ખુમારીભરી જનતા આ બધું જોઈ રહી છે અને ક્યારેય સહન નહીં કરે, તેથી પ્રાઈવેટ કંપનીઓના સહારે ખેડૂતોને દબાવવાનું તાત્કાલિક બંધ કરી દેજો, નહિતર ભાજપના નેતાઓને આગામી ૨૦૨૭ની ચૂંટણીમાં તે ભારે પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.




