ઈન્ડોનેશિયામાં ગેરકાયદે ખાણમાં મોટી દુર્ઘટના સોનાની ખાણમાં પાણી ભરાતાં ૮ શ્રમિકોનાં મોત, ૧૮થી વધુ ફસાયા વેસ્ટ જાવામાં ભારે વરસાદથી ૧૦૦ મીટર ઊંડી ખાણમાં પાણી ભરાયું, બચાવ કામગીરીમાં સાંકડો રસ્તો અને અંધારું બન્યાં મોટો પડકાર
ઈન્ડોનેશિયાના વેસ્ટ જાવા પ્રાંતમાં આવેલી એક સોનાની ખાણમાં ભયાનક દુર્ઘટના સજાર્ી છે. મૂશળધાર વરસાદના કારણે ૧૦૦ મીટર (૩૨૮ ફૂટ) ઊંડી ખાણમાં પાણી ભરાઈ જતાં ૮ કામદારોના મોત થયા છે, જ્યારે ૧૮ જેટલા શ્રમિકો હજુ પણ અંદર ફસાયેલા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સી દ્વારા મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.રાજધાની જેકારતાથી આશરે ૬૦ કિલોમીટર દૂર બોગોરના પૌંગકોર પહાડી વિસ્તારમાં સોમવારથી આ દુર્ઘટના સજાર્ી હતી. સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ખાણની મુખ્ય શાફ્ટમાં પાણી ભરાઈ ગયા હતા. અંદર ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવા માટે સુરક્ષા દળો અને બચાવ ટુકડીઓ દ્વારા પંપ મૂકીને પાણી બહાર કાઢવાની કામગીરી ઝડપથી ચલાવવામાં આવી રહી છે.જેકારતા સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓફિસના વડા દેસિયાના કાર્તિકા બહારીના જણાવ્યા અનુસાર, ખાણની ઊંડાઈ વધુ હોવાની સાથે તેનો પ્રવેશદ્વાર ખૂબ જ સાંકડો છે. ઉપરાંત, ભારે વરસાદના કારણે રસ્તો અત્યંત લપસણો બની ગયો છે અને અંદર પૂરતું અંધારું હોવાથી રેસ્ક્યૂકર્મીઓ માટે કામગીરી કરવી અત્યંત જાેખમી અને પડકારજનક બની રહી છે.ઈન્ડોનેશિયાની સ્ટેટ માઈનિંગ કંપની ‘અંતમ‘, જે તે વિસ્તારમાં સોનાનું સત્તાવાર ઉત્ખનન કરે છે, તેણે સ્પષ્ટતા કરી છે કે આ દુર્ઘટના તેમની કોઈ ખાણમાં નથી થઈ પરંતુ તે એક ગેરકાયદેસર અને અનધિકૃત રીતે ચાલતી સોનાની ખાણ હતી. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયાના દુર્ગમ વિસ્તારોમાં આવા નાના પાયાના અનધિકૃત માઈનિંગના કારણે અગાઉ પણ અનેક જીવલેણ અકસ્માતો સજાર્ી ચૂક્યા છે.




