હરિયાણામાં ગેંગવૉરથી ચાર યુવકોની હત્યા રોહતકના ઢાબા પર જમતા ચાર મિત્રો પર અંધાધૂંધ ગોળીબાર સ્વિફ્ટ કારમાં આવેલા પાંચ હુમલાખોરોએ વરસાવી ગોળીઓ, પોલીસ ચોકીથી માત્ર ૫૦ ડગલાં દૂર બની ઘટના હરિયાણાના રોહતકમાં બુધવારે મોડી રાત્રે ગેંગવૉરની એક ઘટના સામે આવી છે. રોહતકના ‘મિલન ઢાબા’ પર સ્વિફ્ટ કારમાં આવેલા હથિયારધારી બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કરીને ૪ યુવકોની હત્યા કરી નાખી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર હત્યાકાંડ ખરાવડ પોલીસ ચોકીથી માત્ર ૫૦ ડગલાંના અંતરે જ બન્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.મળતી માહિતી મુજબ, સ્વિફ્ટ કારમાં સવાર થઈને આવેલા ૫ હથિયારધારી હુમલાખોરો ઢાબા પર પહોંચ્યા હતા અને ત્યાં બેસીને ભોજન કરી રહેલા યુવકો પર અચાનક ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. ગોળીબારના અવાજથી ઢાબા પર હાજર લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ટેબલ તથા ખુરશીઓની પાછળ છુપાઈ જવું પડ્યું હતું.આ અંધાધૂંધ ફાયરિંગમાં ૩ યુવકોના તો જમવાના ટેબલ પર જ ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે, પોતાનો જીવ બચાવીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ચોથા યુવકનો પણ બદમાશોએ પીછો કર્યાે હતો અને તેને પણ ગોળીઓથી વીંધી નાખતા તેનું મોત થયું હતું.આ લોહિયાળ ખેલ ખેલ્યા બાદ બદમાશોમાં કાયદાનો કોઈ ડર ન હોય તેમ તેઓ ઘટનાસ્થળે જ થોડી મિનિટો સુધી ખુલ્લેઆમ હથિયારો લહેરાવતા ફરતા રહ્યા હતા અને ત્યારબાદ કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ રોહતક પોલીસ રેન્જના IG હામિદ અખ્તર અને SP ગૌરવ રાજપુરોહિત સહિત જિલ્લા પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત CIA, સ્પેશિયલ સેલ અને FSL ની ટીમોએ પણ સ્થળ પર પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર હત્યાકાંડને ‘ભાઉ રિટોલિયા’ અને ‘સન્ની રિટોલિયા’ ગેંગ વચ્ચે ચાલી રહેલી જૂની અદાવત અને ગેંગવૉર સાથે જાેડીને જાેવામાં આવી રહ્યો છે.




