અંતરિક્ષમાં પાકિસ્તાની મહેમાનગતિની અનોખી તૈયારી પાકિસ્તાની અવકાશયાત્રી માટે ચીને તૈયાર કરી ૧૦૦થી વધુ વાનગીઓ બીફ નિહારીથી બટર ચિકન સુધીની વાનગીઓ મેનૂમાં સામેલ, મોંઘવારી વચ્ચે શાહી ભોજનની ચર્ચા તેજ બની પાકિસ્તાન જેવા દેશમાં જ્યાં લોકોને ખાવા માટે પૂરતું ભોજન નથી મળતું એવામાં પાકિસ્તાની અંતરિક્ષયાત્રી જુદી જુદી વાનગીઓનો આનંદ માણતાં જાેવા મળી રહ્યા છે. પાકિસ્તાનના પહેલા અંતરિક્ષયાત્રી મોહમ્મદ ઝીશાન અલી બુધવારે ચીનના તિયાગોંગ સ્પેસ સ્ટેશન પહોંચી ગયા. તેમના આ સફરની ચર્ચા માત્ર વૈજ્ઞાનિક ઉપલબ્ધીઓ સુધી સીમિત નથી. અંતરિક્ષમાં તેમના ભોજન માટે ચીને ખાસ વ્યવસ્થા કરી છે.વિગતે વાત કરીએ તો, ઝીશાન અલીની ભોજન સંબંધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ૧૦૦ થી પણ વધારે વાનગીઓના વિકલ્પ તૈયાર કર્યા છે. જેમાં બીફ નિહારી, લેમ્બ કોરમા, બટર ચિકન અને મસાલેદાર છોલે સમાવિષ્ટ છે. આ ખાસ મેનૂની જાણકારી સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર પણ આની ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાનમાં મોંઘવારી અને આર્થિક પડકારની વચ્ચે આ સમાચાર અલગ જ કારણથી ચર્ચામાં છે. ૪૦ વર્ષના ઝીશાન અલી શેનઝોઉ-૨૪ મિશન હેઠળ ચીનમાં પહોંચનાર પહેલા વિદેશી અંતરિક્ષયાત્રી છે. ઝીશાન અલી પાકિસ્તાન વાયુસેનાના ભૂતપૂર્વ અધિકારી છે અને તેમને લશ્કરી વિમાનો ઉડાવવાનો અનુભવ છે. એપ્રિલ ૨૦૨૬માં, પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંયુક્ત અવકાશ કાર્યક્રમના ભાગરૂપે તેમની પસંદગી કરવામાં આવી હતી. તેમણે ચીનમાં અવકાશયાત્રી તરીકેની તાલીમ લીધી, જ્યાં તેમને અવકાશયાનના સંચાલન અને વૈજ્ઞાનિક પ્રયોગો વિશે શીખવવામાં આવ્યું. તેમણે કટોકટીની પરિસ્થિતિઓને સંભાળવાની અને ઓછા ગુરુત્વાકર્ષણવાળા વાતાવરણમાં કામ કરવાની પણ પ્રેક્ટિસ કરી છે.આ ઉપરાંત, ચીની સહકર્મીઓ સાથે વાતચીત કરવામાં સરળતા રહે એ માટે અલીએ ચીની ભાષા પણ શીખી છે. તાલીમ પૂર્ણ થયા બાદ, તેમની પસંદગી ‘શેનઝોઉ-૨૪’ મિશન માટે કરવામાં આવી હતી. અવકાશમાં ઝીશાન અલી લગભગ એક અઠવાડિયા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન, તેઓ ચીની અવકાશયાત્રીઓ સાથે મળીને નિયમિત કામગીરીમાં ભાગ લેશે. ભારતની જેમ, પાકિસ્તાન પણ અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાની ક્ષમતાઓ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. આ મિશનમાં બંને દેશો વચ્ચેનો વૈજ્ઞાનિક સહયોગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અવકાશ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ‘શેન્ઝોઉ-૨૪’ મિશન દરમિયાન લગભગ ૯૦ વૈજ્ઞાનિક પ્રયોગો અને તકનીકી પરીક્ષણો હાથ ધરવાનું આયોજન છે. અલી ચીન-પાકિસ્તાનના સંયુક્ત અવકાશ પ્રયોગો પર કામ કરશે, જેમાં પ્રાયોગિક નમૂનાઓ અને સાધનો ગોઠવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ નિર્ધારિત કાર્યક્રમ મુજબ અવકાશમાં વિવિધ પરીક્ષણો પણ કરશે. મિશન પૂર્ણ થયા બાદ, અલી અન્ય બે ‘શેન્ઝોઉ-૨૩’ અવકાશયાત્રીઓ સાથે ‘શેન્ઝોઉ-૨૩’ અવકાશયાનમાં પૃથ્વી પર પરત ફરશે.




