કાર અને બાઇક પર દરરોજ અનેક પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફર આવતી રહે છે. આ વખતે દિલ્હી પોલીસ લોકો સામે એક નવી જ ઓફર લાવી છે. ટ્રાફિક પોલીસે દિલ્હીના લોકો માટે ચલણ વસૂલવા માટે ડિસ્કાઉન્ટ સ્કીમ મૂકી છે. આ નવા ટ્રાફિક ચલણ ઓફર હેઠળ લોકોને જૂના ચલણ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
કયા ચલણમાં ડિસ્કાઉન્ટ મળશે?
દિલ્હી પોલીસ લોકોને ચલણ ભરવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ ડિસ્કાઉન્ટ ઓફર લઈને આવી છે. દિલ્હી ટ્રાફિક પોલીસ કેટલાક ચલણ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે.
આ ઓફર અમુક નિયમોના ઉલ્લંઘન પર જ લાગુ થશે. જેમાં લાયસન્સ વિના ડ્રાઇવિંગ, જોખમી ડ્રાઇવિંગ, અનફિટ હોવા પર ડ્રાઇવિંગ વગેરે જેવા નિયમોના ઉલ્લંઘન માટે ચલણ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરીની રાહ જોવાઈ રહી છે
દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે ટ્રાફિક ચલનની આ નવી નીતિ સાથે જોડાયેલી માહિતી શેર કરી છે. કૈલાશ ગેહલોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે આ પગલું લોકોની સુવિધા અને ટ્રાફિક ચલણના સમાધાન માટે લેવામાં આવી રહ્યું છે. પરિવહન મંત્રીએ વધુમાં કહ્યું કે આ નિયમને લાગુ કરવા માટે તેને ઉપરાજ્યપાલને મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે.
ઓફરનો લાભ લેવા માટે સમય મર્યાદા
લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી બાદ જ દિલ્હીમાં આ ટ્રાફિક ચલાન ડિસ્કાઉન્ટ લાગુ કરવામાં આવશે. આ ઓફર હાલના ચલણો માટે માત્ર 90 દિવસ માટે માન્ય રહેશે, એટલે કે 50 ટકા ડિસ્કાઉન્ટ માત્ર 90 દિવસ માટે જ આપવામાં આવશે. જ્યારે નવા ચલણ માટે, લોકોએ આ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લેવા માટે 30 દિવસની અંદર ચલણ ચૂકવવું પડશે.