
કાલા હિરણ ફિલ્મ વિવાદ સલમાન ખાનના વકીલ આક્રમક, હાઈકોર્ટે સોમવાર સુધી આપી રાહત માત્ર પોસ્ટરના આધારે કેસ દાખલ કરાયો: મેકર્સની દલીલ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના પર્સનાલિટી રાઈટ્સ ના ઉલ્લંઘન સાથે જાેડાયેલા એક મામલામાં દિલ્હી હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી થઈ છે. આ સમગ્ર વિવાદ કાલા હિરણ ફિલ્મ અંગેનો છે, જેને લઈને સલમાન ખાને કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. આ મામલે કોર્ટે હવે આગામી સુનાવણી સોમવાર પર નક્કી કરી છે. સુનાવણી દરમિયાન ફિલ્મ મેકર્સે કોર્ટને ખાતરી આપી છે કે, આગામી થોડા દિવસોમાં ફિલ્મ રિલીઝ થશે નહીં અને તેનું ટ્રેલર પણ સામે આવશે નહીં. મેકર્સે કોર્ટ સમક્ષ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ સોમવાર સુધી આ ફિલ્મને સેન્સર બોર્ડ (CBFC) પાસે સર્ટિફિકેશન માટે પણ મોકલશે નહીં. જસ્ટિસ જ્યોતિ સિંહની બેંચે આ નિવેદનને રેકોર્ડ પર લઈને હાલ પૂરતો આ મામલો સોમવાર સુધી ટાળી દીધો છે.
કોર્ટની કાર્યવાહી દરમિયાન ફિલ્મ કાલા હિરણ ના મેકર્સના વકીલે સલમાન ખાનની આ અરજી પર પોતાનો પક્ષ રાખ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે, બજારમાં અત્યારે માત્ર ફિલ્મનું એક ટીઝર જ જાહેર કરવામાં આવ્યું છે. સલમાન ખાન તરફથી જે કેસ દાખલ કરવામાં આવ્યો છે, તે માત્ર એક પોસ્ટરને આધાર બનાવીને લાવવામાં આવ્યો છે, જ્યારે ફિલ્મ હજુ રિલીઝથી ઘણી દૂર છે. વકીલે કોર્ટને જણાવ્યું કે, તેઓ આ સમગ્ર અરજી પર એક વિગતવાર અને ઔપચારિક જવાબ દાખલ કરવા જઈ રહ્યા છે, જેમાં પોતાની સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરશે.
જ્યારે મેકર્સે કહ્યું કે ફિલ્મ અત્યારે રિલીઝ નથી થઈ રહી, ત્યારે જસ્ટિસ જ્યોતિ સિંહે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જાે તમને આ વાતનો પૂરો ભરોસો હોય, તો તેને માત્ર મૌખિક ન રાખતા રેકોર્ડ પર લેખિત નિવેદન તરીકે નોંધાવો. કોર્ટે વકીલને ૫ મિનિટની અંદર પોતાના ક્લાયન્ટ પાસેથી જરૂરી નિર્દેશો લઈને સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું હતું. ત્યારબાદ જ મેકર્સ તરફથી આ સત્તાવાર નિવેદન અદાલત સમક્ષ રાખવામાં આવ્યું હતું.
ફિલ્મ મેકર્સના વકીલે ટેકનિકલ પાસાઓ પર પણ સવાલો ઉભા કર્યા હતા. તેમણે દલીલ કરી કે, અરજીકર્તા (સલમાન ખાન) એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને આ મામલામાં પક્ષકાર (પાર્ટી) બનાવ્યા જ નથી. તેમણે અદાલતને પૂછ્યું કે, શું કોઈ પણ ફિલ્મ સેન્સર બોર્ડના સર્ટિફિકેટ વિના સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે? જ્યારે ફિલ્મને હજી સુધી સર્ટિફિકેશન માટે મોકલવામાં જ આવી નથી, અને સોમવાર સુધી તેને મોકલવાનો કોઈ ઈરાદો પણ નથી, તો પછી આવી ઉતાવળની કોઈ જરૂર નથી.
બીજી તરફ, સલમાન ખાનના વકીલે કોર્ટમાં પોતાની દલીલો કરતા વચગાળાના આદેશ જાહેર કરવાની માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે, આ સીધી રીતે સલમાન ખાનના પર્સનાલિટી રાઈટ્સ ના ઉલ્લંઘનનો મામલો છે. સલમાનના વકીલે ભારપૂર્વક કહ્યું કે, અદાલતે ઓછામાં ઓછું ફિલ્મ નિર્માતાઓ પાસેથી આ નિવેદન તો રેકોર્ડ પર જરૂર લેવું જાેઈએ કે, તેઓ હાલ પૂરતી ફિલ્મને રિલીઝ નથી કરી રહ્યા, જેથી એક્ટરના અધિકારોની રક્ષા થઈ શકે.





