
માધુરીની નવી ફિલ્મ મા બહેન ૪ જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થશે ‘ત્યાં કોઈને ખબર નહોતી કે હું કોણ છું, ત્યાં હું માત્ર મિસિસ નેને હતી’ : માધુરી અભિનેત્રી માધુરી ૨૦૧૧થી તેનાં પતિ અને બે પુત્રો અરિન અને રાયન સાથે ફરી મુંબઈમાં સ્થાઇ થઈ છે
માધુરી દીક્ષિતે તાજેતરમાં તેની ફિલ્મ ‘મા-બહેન’નાં સહ-કલાકારો તૃપ્તિ ડિમરી અને ધરણા દુર્ગા સાથે દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે પોતાનાં જીવનનાં એ સમય વિશે વાત કરી જ્યારે લગ્ન બાદ તે પતિ શ્રીરામ નેને સાથે લગભગ એક દાયકાથી વધુ સમય માટે ડેનવરમાં સ્થાઇ થઈ હતી. માધુરી ૨૦૧૧થી તેનાં પતિ અને બે પુત્રો અરિન અને રાયન સાથે ફરી મુંબઈમાં સ્થાઇ થઈ છે. કાર્યક્રમ દરમિયાન એક ચાહકે સેલિબ્રિટી હોવા છતાં તેમને ક્યારેય સામાન્ય લોકોની જેમ પાણીપુરી ખાવાની ઈચ્છા થાય છે કે નહીં તેમ પૂછ્યું હતું. તેના જવાબમાં માધુરીએ કહ્યું, “હા, હું એવું કરું છું. ધીમેથી, ટોપી પહેરીને… લોકોને ખબર પણ નથી પડતી. હું સામાન્ય કાર લઈને જાઉં છું, ઝડપથી ખાઈ લઉં છું અને પાછી આવી જાઉં છું.”જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું અજાણ્યા રહેવામાં તેને આનંદ મળતો હતો, ત્યારે માધુરીએ ડેન્વરનાં દિવસો યાદ કરતાં કહ્યું, “ડેન્વરમાં તો વધુ સારું હતું, કારણ કે ત્યાં ભારતીયો ઓછાં હતાં. જ્યાં હું રહેતી હતી ત્યાં મોટાભાગે અમેરિકન લોકો હતાં અને લાંબા સમય સુધી તેમને ખબર જ નહોતી કે હું કોણ છું. અમે પણ તેમને કહ્યું નહોતું. ત્યાં હું માત્ર ‘મિસિસ નેને’ હતી, એક મેડિકલ સર્જનની પત્ની. હું બાળકોને શાળાએ મૂકવા જતી, તેમને લેવાં જતી અને સામાન્ય જીવન જીવતી હતી.”એક રસપ્રદ ઘટના યાદ કરતાં માધુરીએ કહ્યું, “એક દિવસ એક કાર મારા ઘરની આસપાસ વારંવાર ફરી રહી હતી. મારી પાડોશીએ મને ફોન કર્યાે. ત્યાં લોકો સુરક્ષાને લઈને બહુ સચેત રહે છે. તેણે પૂછ્યું, ‘શું હું પોલીસને બોલાવું?’ મેં તરત કહ્યું, ‘ના, ના, મહેરબાની કરીને પોલીસને ન બોલાવશો!’ પછી મારે સમજાવવું પડ્યું કે હું એક સેલિબ્રિટી છું અને કદાચ કોઈ મારી એક ઝલક મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.” હવે માધુરીની નવી ફિલ્મ મા બહેન ૪ જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.





