
જેલમાંથી બહાર આવતા જ રાજપાલ યાદવની ભાવુક અપીલ
‘કામ આપો, પૈસા તમારે આપવા હોય એટલા આપજાે’ બાળકોથી લઈને વડીલો સુધી તમામે મને ભારતીય સિનેમામાં મારી સફરમાં પ્રેમ આપ્યો છે: રાજપાલ
રાજપાલ યાદવ ૧૨ દિવસ જેલમાં રહ્યા બાદ જામીન મળતાં તિહાર જેલમાંથી બહાર આવી ગયા છે. દિલ્હી હાઈકોર્ટે તેમને ૯ કરોડના લોન કેસમાં વચગાળાના જામીન આપ્યા હતા. ૧૭ ફેબ્રુઆરીના રોજ જેલમાંથી મુક્ત થયા પછી, રાજપાલે તેમના મુશ્કેલ સમયમાં તેઓને ટેકો આપનારા બધા લોકોનો આભાર માન્યો હતો. આ સાથે રાજપાલે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પાસે કામને લઈને ભાવુક અપીલ કરી છે.રાજપાલ યાદવે કહ્યું કે, ‘મારા માટે પ્રેમ અને લાગણી વ્યક્ત કરનારા તમામ ફેન્સનો આભાર માનુ છું. મને સપોર્ટ કરવા માટે તમારા બધાનો આભારી છું. બાળકોથી લઈને વડીલો સુધી તમામે મને ભારતીય સિનેમામાં મારી સફરમાં પ્રેમ આપ્યો છે. એટલાં માટે હું તમામનો દીલથી આભાર વ્યક્ત કરુ છું.’
વધુમાં રાજપાલે કહ્યું કે, ‘હું તમારા બધાની દુઆ અને આશીર્વાદના કારણે આગળ વધ્યો છું. સોશિયલ મીડિયા માધ્યમ પર મારું સમર્થન કરનાર તમામનો હું આભારી છું.’રાજપાલે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પાસે કામની અપીલ કરતાં કહ્યું કે, ‘જે લોકોએ પહેલા મને મદદ કરી છે, તેઓ મને સારો રોલ આપીને સપોર્ટ કરી શકે છે. મને કામ આપો, જેમાં રોલ મારી મરજીનો અને પૈસા તમારે આપવા હોય એટલા.’રાજપાલે જેલમાં રહેવાનો અનુભવ શેર કર્યાે હતો. તેમણે જણાવ્યુ કે, તિહાર જેલ સારી રીતે મેનેજ કરવામાં આવી છે. જેલમાં ખાવાનું સારું હતું. તમને જણાવી દઈએ કે, ભત્રીજીના લગ્નને લઈને રાજપાલ વચગાળાના જામીન પર બહાર આવ્યા છે. જેમાં તેઓને ૧૮ માર્ચ સુધીના જામીન મંજૂર થયા છે. આમ, તેમની મુશ્કેલી હજુ ઓછી થઈ નથી. ૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ રાજપાલની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ હતી. રાજપાલે તેને બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ૫ કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. જાે કે, ફિલ્મ નિષ્ફળ ગઈ અને રાજપાલને નોંધપાત્ર નુકસાન થયું. મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે પૈસા પાછા માંગ્યા, જે રાજપાલ ચૂકવી શક્યા નહીં.મામલો કોર્ટ સુધી પહોંચ્યો. ૨૦૧૮ માં, મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે કાનૂની કાર્યવાહી કરી. રાજપાલ અને તેની પત્ની સામે કેસ દાખલ કરવામાં આવ્યો. વ્યાજ સાથે ૫ કરોડ રૂપિયાની આ રકમ વધીને ૯ કરોડ રૂપિયા થઈ ગઈ. આ કેસમાં અભિનેતાને બે વાર જેલ થઈ ચૂકી છે. ઘણી વખત મુદત લંબાવ્યા પછી, જ્યારે તે પૈસા ચૂકવી શક્યો નહીં, ત્યારે તેને આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી.




