ફિલ્મમેકર રિચી મહેતા દ્વારા દિગ્દર્શિત ‘ફૂલન’નું ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર થશે ફિલ્મ એક ૧૭ વર્ષની ગરીબ યુવતીની સફર રજૂ કરે છે, જે આગળ જઈને દેશની સૌથી ચર્ચિત અને કુખ્યાત ડાકુઓમાંની એક બની હતી
ફિલ્મમેકર રિચી મહેતા દ્વારા દિગ્દર્શિત અને કુખ્યાત ચંબલ ડાકુથી રાજકારણી બનેલા ફૂલન દેવીનાં જીવન પર આધારિત ફિલ્મ ‘ફૂલન’નું વર્લ્ડ પ્રીમિયર પ્રતિષ્ઠિત ૫૧મા ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે. ત્યારબાદ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે, જાેકે તેની રિલીઝ ડેટની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મનું પ્રીમિયર ૧૬ સપ્ટેમ્બરના રોજ પ્રિન્સેસ ઑફ વેલ્સ થિયેટરમાં ફેસ્ટિવલના સ્પેશિયલ પ્રેઝન્ટેશન્સ વિભાગ હેઠળ યોજાશે. ફિલ્મ વર્ષ ૧૯૯૭માં પ્રકાશિત પુસ્તક ‘આઇ, ફૂલન – ધ ઓટોબાયોગ્રાફી ઓફ ઇન્ડિયાઝ બેન્ડિટ ક્વીન’ પરથી પ્રેરિત છે.ફિલ્મમાં ફૂલન દેવીના જીવનના એક અત્યંત નિર્ણાયક તબક્કાને દર્શાવવામાં આવ્યો છે, જ્યારે તેમને મારી નાખવાના હેતુથી ૨,૦૦૦થી વધુ હથિયારધારી લોકોએ એક ગામને ઘેરી લીધું હતું. ભારતના અંતરિયાળ પ્રદેશોની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ એક ૧૭ વર્ષની ગરીબ યુવતીની સફર રજૂ કરે છે, જે આગળ જઈને દેશની સૌથી ચર્ચિત અને કુખ્યાત ડાકુઓમાંની એક બની હતી.નિર્માતાઓના જણાવ્યા અનુસાર ફિલ્મનો મુખ્ય ભાગ ૪૮ કલાક સુધી ચાલેલા ઘેરાવ પર કેન્દ્રિત છે, જેમાં હજારો સશસ્ત્ર લોકો ફૂલન દેવીને શોધી રહ્યા હતા.ફિલ્મમાં સ્નેહા કુમારી ફૂલન દેવીની મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. આ ઉપરાંત અનુરાગ ઠાકુર, વિક્રમ પ્રતાપ સિંહ, આકાશ દહિયા, પ્રતીક પછોરી અને દેવ દત્ત બુધોલિયા મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજર આવશે.ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ મહોત્સવોમાંનો એક માનવામાં આવે છે. આ વર્ષે મહોત્સવ ૧૦ સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે અને આંતરરાષ્ટ્રીય સિનેમાના મહત્વપૂર્ણ મંચ તરીકે ઓળખાય છે. ફૂલન દેવી, જેમને ‘બેન્ડિટ ક્વીન’ તરીકે ઓળખવામાં આવે છે, તેમના જીવન પર અગાઉ પણ ફિલ્મ બની ચૂકી છે. વર્ષ ૧૯૯૪માં શેખર કપૂરે દિગ્દર્શિત ‘બેન્ડિટ ક્વીન’માં સીમા બિસ્વાસે ફૂલન દેવીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં ર્નિમલ પાંડે, આદિત્ય શ્રીવાસ્તવ, ગજરાજ રાવ, સૌરભ શુક્લા, મનોજ બાજપેયી અને રઘુવીર યાદવ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં હતા.





