
૭૬ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ સુપરહિટ ફિલ્મો આપનારા પહલાજ નિહલાનીનું નિધન બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તેમને લીવરને લગતી સમસ્યાઓ હતી ભારતીય સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશ(ન CBFC)ના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીનું મુંબઈમાં નિધન થયું છે. તેઓ ૭૬ વર્ષના હતા.
પારિવારિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નિહલાની છેલ્લા કેટલાક સમયથી તબિયત નાદુરસ્ત હતી, જેના પછી આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ લીવર સંબંધિત સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા. જાે કે, તેમના મૃત્યુના ચોક્કસ કારણની સત્તાવાર પુષ્ટિ થવાની હજી બાકી છે. તેમના અવસાનના સમાચારથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. માહિતી મુજબ, તેમના અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્થિત સ્મશાનગૃહમાં કરવામાં આવી શકે છે. ઘણી ફિલ્મી હસ્તીઓ અને સહયોગીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
પહલાજ નિહલાની ભારતીય સિનેમાના એવા નિર્માતાઓમાંથી એક હતા, જેમણે ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં ઘણી વ્યવસાયિક અને લોકપ્રિય ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેમણે પોતાની કરિયરમાં ઘણી હિટ અને માસ એન્ટરટેઈનર ફિલ્મો દર્શકો સુધી પહોંચાડી હતી. તેમની મુખ્ય ફિલ્મોમાં ગુનાહોં કા ફેસલા, પાપ કી દુનિયા, મિટ્ટી ઔર સોના, શોલા ઔર શબ્નમ અને આંખેં જેવી ચર્ચિત ફિલ્મો સામેલ છે. નિહલાનીને ખાસ કરીને કમર્શિયલ સિનેમા માટે જાણવામાં આવતા હતા. તેમની ફિલ્મોમાં એક્શન, ડ્રામા અને મનોરંજનનું મજબૂત મિશ્રણ જાેવા મળતું હતું, જે તે સમયના દર્શકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય રહ્યું હતું. તેમણે ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું અને તેમની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન પણ કર્યું હતું.
પછીના વર્ષોમાં તેમણે ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડની કમાન પણ સંભાળી અને CBFC ના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન તેઓ ઘણી વખત પોતાના કડક ર્નિણયો અને નિયમોને લઈને ચર્ચામાં રહ્યા હતા. તેમના કાર્યકાળમાં સેન્સરશિપને લઈને ઘણી ચર્ચાઓ અને વિવાદો પણ સામે આવ્યા, જેના કારણે તેઓ સતત લાઇમલાઇટમાં બનેલા રહ્યા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના યોગદાનને યાદ કરતા ઘણા લોકોએ કહ્યું કે, તેઓ એક એવા નિર્માતા હતા જેમણે કમર્શિયલ સિનેમાની પરંપરાને મજબૂતી આપી હતી. તેમના નિધનને હિન્દી સિનેમાના એક યુગના અંત તરીકે પણ જાેવામાં આવી રહ્યું છે.





